તૌકતે વાવાઝોડું અને પ્રતિકૂળ હવામાનને કારણે આ વર્ષે ડુંગળીના ઉત્પાદન-ક્વોલિટીને માઠી અસર પહોંચી હોવાના સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં મહુવા, ભાવનગર પંથક અને ગોંડલ પંથકના પીઠાઓમાં ડુંગળીના ધૂમ કામકાજો થતા હોય છે, ત્યારે આ સાલ હજુ ડુંગળીનો પાક નીકળવાનો શરૂ જ થયો છે ત્યાં જ જથ્થાબંધ માર્કેટોમાં ડુંગળીના ભાવ એકદમ ઘટી ‘પાણી પાણી’ થવા લાગતા જગતાત મુશ્કેલીમાં મુકાયો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાકતી ‘કસ્તુરી’નો પાઉડર વિશ્વના ટોચના દેશોમાં પ્રચલિત બની ગયો છે ત્યારે હાલ વર્ષે દહાડે અંદાજે 60,000 ટનથી પણ વધારે પાઉડરની નિકાસ થવા લાગી છે ત્યારે આ સાલ કન્ટેઇનરના ઊંચા ભાડા અને બળતણનાં ઊંચા ભાવને કારણે સૌરાષ્ટ્ર વિસ્તારના 150થી વધુ ડીહાઇડ્રેશન પ્લાન્ટ પણ મુશ્કેલીમાં આવી ગયા છે. આ બાબતે સરકાર પાસે મદદની ગુહાર પણ લગાવવામાં આવી છે.
સફેદ ડુંગળીનું મુખ્ય પીઠુ ગણાતા મહુવા માર્કેટિંગ મથકમાં દર વર્ષે ડુંગળીનું કામકાજ ઉતરોત્તર વધી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સીઝનમાં મહુવા, ભાવનગર અને ગોંડલમાં ડુંગળીની પ્રમાણમાં સારી આવકો થતી હોય છે. ડુંગળીમાંથી બનતા સફેદ પાઉડરની વિદેશમાં ખૂબ જ નિકાસ થઇ રહી હોવાથી ડીહાઇડ્રેશન પ્લાન્ટની સંખ્યા વધી 150 ઉપર પહોંચી ગઇ છે. એક અંદાજ મુજબ અમેરિકા, રશિયા, યુરોપ સહિત વિશ્વના ટોચના દેશોમાં વર્ષે દહાડે સાંઇઠ હજાર ટન પાઉડરની નિકાસ થાય છે.
છેલ્લા બે વર્ષની સ્થિતિ જોતા ખેડૂતો ડુંગળીના વાવેતર પ્રત્યે વિમુખ થયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. યાર્ડોમાં લાલ ડુંગળીના પ્રતિ મણના રૂ.70-175 અને સફેદ ડુંગળીના રૂ.120-200 બોલાઇ રહ્યા છે. ખેડૂતોની પડતર, ડુંગળી લાવવાના ખર્ચ સામે નીચો ભાવ મળી રહ્યો છે. આ અંગે મુખ્યપ્રધાનને થયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ખેડૂતોની પ્રતિ મણે બારદાન, ભાડા અને યાર્ડનો ભાવ સહિત પડતર રૂ.230 થાય છે, જેની સામે ખેડૂતોને ઓછો ભાવ મળી રહ્યો છે.
બેડી યાર્ડમાં ડુંગળી રૂ. 2 ની કિલો લેખે વેચાઇ
એક બાજુ લીંબુના ભાવ આસમાને ગયા છે તો બીજી બાજુ ડુંગળીના પૂરતા ભાવ નહિ મળતા ડુંગળી પકવતા ખેડૂતોને પડ્યા પર પાટુ લાગ્યું હોય તેવી નોબત ઊભી થઈ છે. શનિવારે યાર્ડમાં ડુંગળી રૂ. 2 ની કિલો લેખે વેચાઈ હતી. પાણીના ભાવે વેચાતા ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ નહિ નીકળતા અનેક ખેડૂતો યાર્ડ સુધી વેચવા પણ નથી આવતા. બેડી યાર્ડમાં ડુંગળીની આવક 1500 ક્વિન્ટલ થઇ હતી.
એક મણમાં નીચો ભાવ રૂ.55 અને ઉંચામાં ઊંચો ભાવ રૂ. 215 મળ્યો હતો. જ્યારે છૂટક બજારમાં આ ડુંગળીનો ભાવ રૂ.10થી 20 સુધી વસૂલ કરવામાં આવ્યો હતો. હાલ ઉનાળો ચાલી રહ્યો છે.જેને કારણે શાકભાજીની આવક ઘટી રહી છે અને તેના ભાવ મોંઘા થતા જાય છે. લીંબુની શનિવારે 137 ક્વિન્ટલ આવક થઈ હતી અને ભાવ રૂ.4200 એ પહોંચ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.