બુધવારે યાર્ડમાં ડુંગળી વેંચવા આવેલા ખેડુતને સામે પૈસા દેવા પડયા હતા. તેવી પરિસ્થિતી સર્જાઈ હતી.જેને કારણે રાજકોટ યાર્ડના સતાધીશોએ ગુરુવારે ખેડૂતો, વેપારી અને કમિશન એજન્ટની તાત્કાલિક બેઠક બોલાવી હતી.જેમાં ડુંગળીના ન્યુનતમ દર નકકી કરવામાં આવ્યા છે. એક મણ ડુંગળીનો ભાવ રૂ.40 થી નીચે હરરાજીમાં નહિ બોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા ઈન્સપેકટર કાનાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે,ગુરૂવારે આ બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં બે બાબતો પર ભાર મુકવામાં આવ્યો હતો. જેમાં ખેડુતને જણાવવામાં આવ્યું હતું કે, નબળી ગુણવતા વાળી ડુંગળીને યાર્ડ સુધી લાવવી નહિ. તો વેપારીઓને પણ તાકીદ કરી હતી કે જ્યારે હરાજી શરૂ થાય તો એક મણનો ભાવ રૂ. 40 થી નીચે બોલાશે નહિ. વધુમાં તેના જણાવ્યાનુસાર હાલ ડુંગળીનો ભાવ નહિ મળવાને કારણે ખેડુતો અને વેપારી,કમિશ્ન એજન્ટ વચ્ચે ધર્ષણ થાય નહિ તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જેની અમલવારી શુક્રવારથી જ કરવામાં આવશે.બહારગામથી આવતા ખેડુતોને પેટ્રોલ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ નિકળી જાય. તેને નુકશાની ના ભોગવવી પડે કે અથવા તો તેને સામે વેપારી- કમિશ્ન એજન્ટને પૈસા ના ચુકવવા પડે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ યાર્ડમાં સારી અને નબળી એમ બન્ને પ્રકારની ડુંગળી આવે છે.જેમાં સારી ગુણવતા વાળી ડુંગળી ઝડપથી વેચાઈ જાય છે.જ્યારે નબળી ગુણવત્તાવાળી ડુંગળીનો નિકાલ એક- બે દિવસ લાગી જાય છે. યાર્ડમાં રૂ. 1.00 ની કિલો વેંચાતી હોવાને કારણે અનેક લોકો સીધા યાર્ડમાં જ ખરીદી કરવા માટે પહોંચી જાય છે.
ડુંગળીની આવકથી પ્લેટફોર્મ ભરાઈ ગયું
રાજકોટ યાર્ડ સહિત સૌરાષ્ટ્ર ભરની યાર્ડમાં ડુંગળી એકીસાથે ઠલવાઇ જતા પાણીના ભાવે તે વેંચાઈ રહી છે. ગુરૂવારે રાજકોટ યાર્ડમાં પહેલીવાર નાસિકની ડુંગળીની આવક થઇ હતી. સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડુતો યાર્ડમાં ડુંગળી લઇને વેંચવા આવતા બે- બે પ્લેટફોર્મ ભરાઈ જાય છે. સામે લેવાલી નહિ હોવાને કારણે તે પડતર પડી રહી છે. પુરતા ભાવ નહિ મળવાને કારણે ખેડુતો ગુણી ત્યાં ને ત્યાં જ મુકીને ચાલ્યા જાય છે. ડુંગળીનો ભાવ નહિ મળવાને કારણે ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડુતોને પુરતા ભાવ નહિ આપનાર વેપારીઓ ડુંગળીની ગુણવતાને જવાબદાર ઠેરવે છે. મજૂરી- મહેનત કરીને થાકેલા ખેડુતને ડુંગળી રાતા પાણીએ રડાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.