સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ આપવાના ઉદ્દેશથી સ્કૂલ ઓફ એક્સલન્સની શરૂઆત કરી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ દરેક તાલુકામાં એક શાળા કાર્યરત થશે. 5 સપ્ટેમ્બરથી પ્રથમ તબક્કામાં કુલ 11 શાળા શરૂ થશે.
શિક્ષણ વિભાગે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ, ઉચ્ચ અધ્યાપન સામગ્રી અને વૈકલ્પિક શૈક્ષણિક માધ્યમ, જે ખાનગી સ્કૂલમાં હોય એવી સુવિધા આ નિવાસી સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતરમાં મદદરૂપે વિનામૂલ્યે પૂરી પડાશે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ પ્રોજેક્ટ હેઠળ એક લાખ વિદ્યાર્થી તૈયાર કરાશે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આ માટે તૈયારી શરૂ થઈ ગઈ છે અને 5 સપ્ટેમ્બરથી આ શાળાઓ કાર્યરત પણ થઈ જશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. ડી.આર. સરડવાના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં જિલ્લાના દરેક તાલુકામાંથી એક સ્કૂલ એટલે કે 11 શાળા શરૂ કરવામાં આવશે.
જેથી આ શાળામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. જોકે શરૂઆતના તબક્કામાં શિક્ષકો હજુ એના એજ રહેશે, પરંતુ બાદમાં તમામ વિષયોના શ્રેષ્ઠ શિક્ષકો પણ આ શાળામાં નિયુક્ત કરાશે. મહત્ત્વનું છે કે, જે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ અને વ્યવસ્થા ઉત્તમ હશે તે સ્કૂલને આ મિશનમાં આવરી લેવાશે. રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સારી સુવિધાની સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા નવો પ્રયોગ કરી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં 11 શાળા શરૂ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.