ધરપકડ:રેલવે જંક્શન પાસે હુમલો કરી યુવાનને લૂંટી લેનાર એક પકડાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂ.20ના બદલે રૂ.200 ભાડુ માંગી બે શખ્સે લૂંટ ચલાવી’તી

મૂળ કોડીનારના અને મેટોડામાં કમ્પ્યુટર રિપેરિંગનું કામ કરતો મનીષ નાથાભાઇ વાઢેર નામનો યુવાન બે દિવસ પહેલા રાત્રીના હોસ્પિટલ ચોકથી રેલવે સ્ટેશન જવા રૂ.20નું ભાડુ નક્કી કરી રિક્ષામાં બેઠો હતો. રિક્ષામાં અગાઉથી જ એક શખ્સ બેઠો હતો. રેલવે જંકશન પાસે પહોંચતા યુવાન નીચે ઉતરી ભાડુ દેવા માટે ખિસ્સામાંથી પાકીટ કાઢયું ત્યારે ચાલકે રૂ.200 ભાડુ થયાનું કહી ગાળાગાળી શરૂ કરી હતી. આ સમયે રિક્ષામાં પાછળ બેઠેલો શખ્સ પાઇપ સાથે નીચે ઉતરી પોતાને માથામાં ઘા ઝીંકી દીધો હતો. બાદમાં ચાલકે તેની પાસે રહેલી છરીના ઉંધા ઘા મોઢા પર મારી રૂ.8,300ની રોકડ ભરેલું પર્સ, મોબાઇલની લૂંટ ચલાવી બંને નાસી ગયા હતા.

ત્યાર બાદ પોતે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો હતો. બનાવને પગલે પોલીસ હોસ્પિટલ દોડી આવી અને ગુનો નોંધી લૂંટ ચલાવી નાસી ગયેલા શખ્સોને પકડવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે યુવાનને લૂંટી લેનાર એક શખ્સ સિવિલના બગીચામાં બેઠો હોવાની માહિતી મળતા તુરંત ત્યાં દોડી ગયા હતા.

પૂછપરછમાં તે ભગવતીપરામાં રહેતો આરિફ ઉર્ફે મીનીબાપુ રજાક શેખ હોવાનું અને તેને તેના અન્ય મિત્ર સાથે મળી લૂંટ કર્યાની કબૂલાત આપતા ધરપકડ કરી છે. પોલીસે આરીફ પાસેથી રોકડા રૂ.1550, પાઇપ કબજે કર્યા છે. રાજકોટ, ગાંધીનગર, જામનગરમાં છ ગુનામાં પકડાઇ ચૂકેલો આરીફ તેના સાગરીત સાથે મળી એકલ દોકલ પરપ્રાંતીય લોકોને મુસાફર તરીકે બેસાડી યેનકેન પ્રકારે ઝઘડો કરી લૂંટ કરતા હોવાની કેફિયત આપી છે. પોલીસે અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...