હાલ બાળકોની મનોસ્થિતિ ખૂબજ નબળી પડી ગઈ છે. બાળકોને કોઈ નાની વાત પર ઠપકો આપવામાં આવે તો તેઓ વિકટ પગલાંઓ ભરી લેતા હોય છે. ઘણા કિસ્સામાં બાળકો ઘર પણ છોડી દેતા નજરે પડ્યા છે. સામે સરકારી તંત્ર પણ આ બાળકોને તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવી આપે છે. ત્યારે રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા 3 અન્ય રાજ્યના અને 1 ગુજરાત રાજ્યના બાળકને તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. તે સમયે પરિવારમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી, પરંતુ હકીકત તો એ છે કે, જે બાળકો ઘર છોડીને ભાગી ગયા હતા તેની પાછળ સાચું કારણ શું હતું ?
સંગત બગડતા બાળક મારામારી અને ચોરી કરતો હતો
દિલ્હી ખાતે રહેતા શ્રમિક પરિવારના તરુણ પુત્રની સંગત બગડતા તે ચોરી અને મારામારી જેવા ગુનામાં નાની ઉંમરમાં ફસાઈ ગયો હતો અને આ ગુના હેઠળ તેના પર એફઆઈઆર પણ થયેલી હતી. માત્ર એટલું જ નહિ તે ઘરેથી બે વખત ભાગી પણ ચૂક્યો છે. તરુણે સમાજ સુરક્ષા વિભાગને પણ પહેલા ગુમરાહ કર્યું હતું, પરંતુ નક્કર તપાસ બાદ તેને તમામ સાચી વિગતો જણાવી હતી અને તેના મારફતે તરુણને તેમના પરિવાર સાથે મેળવ્યો હતો.
અગાસી પર સુવાની ના પાડતા બે બાળક ઘર છોડી ભાગી ગયા
મૂળ નેપાળના અને હાલ મહારાષ્ટ્રના ધાનુર ખાતે રહેતા બે નેપાળી બાળકને તેના પરિવાર સાથે મેળવવામાં આવ્યા હતા. બાળકો પાસેથી જે વિગતો મળી તેમાંથી એ વાત સામે આવી કે, તેઓ અગાસી પર સુતા હતા ત્યારે તેમના પિતાએ અગાસી પર સુવાની ના પાડી અને થોડી મારકૂટ કરતા ખોટું લાગ્યું હતું, જેને ધ્યાને લઇ બંને ઘર છોડી ટ્રેન મારફતે રાજકોટ આવી પહોંચ્યા હતા.
અગમ્ય કારણોસર ઘર છોડી દીધું
મૂળ બોટાદના અને હાલ ઉપલેટા રહેતા તરુણે એક સપ્તાહથી ઘર છોડી દીધું હતું. તરુણ વારંવાર એકલા ઘર છોડી ઘણા દિવસો સુધી બહાર રહેતો હતો. તેના પિતા ભંગારના ડેલામાં કામ કરે છે. બાળક પાસેથી સાચી હકીકત જાણતા એ વાત સામે આવી કે, બાળક રખડું છે, પરંતુ કોઈ બાબતે પરિવાર દ્વારા ઠપકો મળતા તે ઘર છોડી ભાગી ગયો હતો. પરંતુ પરિવાર સાથે મિલન કરાવ્યા બાદ પરિવારમાં રાજીપો જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.