સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક અને હેડ ક્લાર્કના પેપર લીકમાં એક સામ્યતા સામે આવી છે. થોડા દિવસ પહેલા ગૌણ સેવા આયોગ પસંદગી મંડળ દ્બારા લેવામાં આવેલી પરીક્ષાના પેપર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના પેપર અમદાવાદની સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાં જ પ્રિન્ટ કરવામાં આવ્યા છે. ત્યારે પ્રિન્ટિંગ પ્રેસની કોઈ સંડોવણી છે કે કેમ તે પણ મોટો સવાલ છે.
પેપર લીક મામલે પ્રિન્ટિંગ પ્રેસની કોઈ ભૂમિકા ન હોવાનું સામે આવ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં તૈયાર કરવામાં આવતા પ્રશ્નપત્ર છપાવવા માટે કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે અમદાવાદની સૂર્યા ઓફસેટ નામની કંપનીને આપવામાં આવ્યો છે. આ જ કંપની દ્વારા ગૌણ સેવા આયોગ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર પણ પ્રિન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારે હેડ ક્લાર્ક બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમ. સેમેસ્ટર 3ના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષાના પેપર લીકમાં પ્રિન્ટિંગ પ્રેસની કોઈ સંડોવણી છે કે કેમ તે પણ મહત્વનો વિષય છે. જે અંગે પણ યોગ્ય તપાસ થવી જરૂરી છે. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં ગઈકાલના પેપર લીક મામલે પ્રિન્ટિંગ પ્રેસની કોઈ ભૂમિકા ન હોવાનું સામે આવ્યું છે. છતાં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.
પ્રશ્નપત્રનું સીલપેક બંચ ખોલવામાં આવતું હોય છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, કોઈ પણ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું પ્રશ્નપત્ર પહોંચે તે બંધ કવરમાં પહોંચતું હોય છે અને જે-તે કોલેજના પ્રિન્સિપાલની સામે જ વીડિયો રેકોર્ડિંગ કરી પ્રશ્નપત્રનું સીલપેક બંચ ખોલવામાં આવતું હોય છે. આજે જ્યારે કોલેજના પ્રિન્સિપાલ ખુદ પેપર લીક મામલે મુખ્ય આરોપી સાબિત થયા છે ત્યારે પેપરનું સીલ ક્યારે ખોલવામાં આવ્યું હતું? વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું કે કેમ? તેમજ અગાઉ ક્યારે આ રીતે પેપર લીક કરવામાં આવ્યું છે કે કેમ? તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.
કાર્યવાહી કરી કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવી શકે છે
યુનિવર્સિટી દ્વારા પણ આ મામલે નિયમ મુજબ વીડિયો રેકોર્ડિંગ મગાવી તપાસ કરાવવામાં આવશે. પરંતુ આ સાથે સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે ચકાસણી કરવામાં આવશે અને તેની કોઈ સંડોવણી સામે આવશે તો તેની સામે પણ કાર્યવાહી કરી કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.