અકસ્માત:કાળીપાટ પાસે બંધ ટ્રક પાછળ આઇસર ઘૂસી જતા ચાલકનું મોત, અન્ય 1ને ઇજા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોખડદળ પાસે રોડ ક્રોસ કરી ચા પીવા જઇ રહેલા વૃદ્ધનું વાહનની ઠોકરે મોત

શહેરમાં બેકાબૂ વાહનો અકસ્માત સર્જી માનવ જિંદગીનો ભોગ લઇ રહ્યાં છે. ત્યારે અકસ્માતના વધુ બે બનાવમાં કાળીપાટ પાસે બંધ ટ્રક પાછળ આઇસર ઘૂસી જતા ચાલકનું મોત નીપજ્યું હતું. અન્ય ચાલકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે ખોખડદળ પાસે અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધનું મોત નીપજ્યું છે.

કાળીપાટ પાસે મંગળવારે રોડની સાઇડમાં એક બંધ ટ્રકનો ચાલક વ્હિલ બદલાવી રહ્યો હતો. તે સમયે પાછળથી ધસી આવેલું આઇસર ધડાકાભેર બંધ ટ્રક સાથે અથડાયું હતું. અકસ્માતમાં આઇસરનો ચાલક તેની કેબિનમાં જ ફસાઇ ગયો હતો. જ્યારે બંધ ટ્રકના ચાલકને ઇજા થઇ હતી. બનાવની પોલીસ તેમજ 108ને જાણ થતા તુરંત ત્યાં દોડી ગયા હતા. આઇસરનો ચાલક કેબિનમાં ફસાયો હોય તાત્કાલિક ક્રેનને સ્થળ પર બોલાવાઇ હતી અને ક્રેન મારફતે ગંભીર રીતે ઘવાયેલા આઇસરના ચાલકને બહાર કાઢ્યો હતો. બાદમાં બંને વાહનના ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં આઇસરના ચાલકનું મોત નીપજ્યાનું જાહેર થયું હતું.

બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલો ચાલક જસદણના બળધોઇ ગામનો વિશાલ જગાભાઇ ધોળકિયા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા રાજકોટ ભગીરથ સોસાયટીના ચાલક મનસુખભાઇ સાતાભાઇ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની વધુ તપાસમાં મૃતક યુવાન ટ્રાન્સપોર્ટમાં ચાલક તરીકે નોકરી કરતો હતો. ગત રાતે તે આઇસર લઇને રાજકોટથી જસદણ તરફ જઇ રહ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હતો.

મૃતક ત્રણ ભાઇમાં મોટો અને અપરિણીત હતો. પોલીસે ઇજાગ્રસ્ત મનસુખભાઇ પરમારની ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. અકસ્માતનો અન્ય બનાવ ખોખડદળ પાસે બન્યો હતો. જેમાં મોરબી રોડ, બાલાજી સોસાયટીમાં રહેતા અને ખોખડદળ પાસેના પાર્ટી પ્લોટમાં કામ કરતા વાલજીભાઇ નાનજીભાઇ ડાંગર નામના પ્રૌઢ ગઇકાલે રોડ ક્રોસ કરી ચા પીવા જઇ રહ્યા હતા. આ સમયે પૂરઝડપે ધસી આવેલું અજાણ્યું વાહન વાલજીભાઇને ઠોકરે ચડાવી નાસી ગયું હતું. અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજા સાથે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેમને વધુ સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો હતો. વાલજીભાઇનાં મોતથી ચાર સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...