ગમખ્વાર અકસ્માત:ઉપલેટાના મોટી પાનેલી-સીદસર રોડ વચ્ચે ક્રેટા કાર અને વાન વચ્ચે ટક્કર, વાનનો કચ્ચરઘાણ, 3ના મોત, 10ને ગંભીર ઇજા

રાજકોટ5 મહિનો પહેલા
અકસ્માતમાં વાનનો ભુક્કો થઈ ગયો.
  • વાનમાં દેવસ્થાને દર્શન કરવા માટે જઈ રહેલા પરિવારને પાનેલી નજીક અકસ્માત નડ્યો

ઉપલેટાના મોટી પાનેલી-સીદસર રોડ પર મારૂતિ વાન કાર અને ક્રેટા કાર સામસામે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં 10 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ત્યારે આ અકસ્માતની જાણ થતા તુરંત 108ની ટીમ સાથે પાનેલી ગેલેક્સી ગ્રુપની એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા મારૂતિ વાનના ચાલકનું ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્તોમાંથી અમુકને વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ક્રેટા અને વાનમાં સવાર લોકોને ઇજા પહોંચી
ઉપલેટા તરફ આવી રહેલી જીજે-10-એસી- 0427 નંબરની મારૂતિ વાન કાર અને ખંભાળીયા તરફ જઈ રહેલી જીજે-05-આરએમ-8825 નંબરની ક્રેટા કાર મોટી પાનેલીના સીદસર રોડ પર સામસામે અથડાઈ હતી. જેમાં બન્ને કારમાં સવાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, ત્યારે ઈજાગ્રસ્ત લોકોમાં ત્રીગુણાબેન રતિલાલ મહેતા, શાંતાબેન અમૃતલાલ મહેતા, જગદીશ મનુભાઈ મહેતા, દિલીપ રતિલાલ મહેતા, શીતલબેન જગદીશભાઈ મહેતા, મનુબેન મનસુખભાઈ મહેતા, રમેશભાઈ બાઉભાઈ રાદડિયા, રાજુભાઈ ભીખાભાઈ રાદડિયા તેમજ અતુલભાઈ લિલાધરભાઈ રાવરાણી નામના વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા મારૂતિ વાનના ચાલક અતુલભાઈ લિલાધરભાઈ રાવરાણીનું ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

અકસ્માતમાં વાનચાલકનું મોત નીપજ્યું
અકસ્માતમાં વાનચાલકનું મોત નીપજ્યું

ટ્રાફિકજામ થતા પોલીસ દોડી આવી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો
પોતાના દેવસ્થાને દર્શન કરવા જતા પરિવારોને ઉપલેટાના મોટી પાનેલી નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં 10 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્ત 10 વ્યક્તિઓમાંથી 3 વ્યક્તિનું મોત થયું હતું. જેમાં બે વૃદ્ધ મહિલા સારવાર અર્થે પહોંચે તે પહેલાં જ મોત થયું છે. જેમાં 74 વર્ષીય શાંતાબેન અમૃતલાલ મહેતા તેમજ 70 વર્ષીય મંજુબેન મનસુખભાઈ મહેતા નામના બે મહિલાના મોત થયા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત લોકોમાં અમુક દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હોવાની પણ વિગતો સામે આવી છે. ત્યારે અકસ્માતની ઘટના બાદ ઘટનાસ્થળ પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા ત્યારે અકસ્માતની ઘટના અંગેની જાણ થતા તુરંત ભાયાવદર પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થેળે દોડી આવ્યો હતો અને અકસ્માત બાદ થયેલા ટ્રાફિકને દૂર કરવા અંગેની પણ કામગીરી હાથ ધરવામાં આવી અને અકસ્માતની ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને જામનગર હોસ્પિટલ ખસેડાયા.
વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને જામનગર હોસ્પિટલ ખસેડાયા.

(રોનક ચોટાઈ, ઉપલેટા)