અકસ્માત:હોટેલમાં જમીને પરત આવી રહેલા યુવકોની કારને અકસ્માત, એકનું મોત

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટની હોટેલનો સ્ટાફ જામનગર રોડ પર જમવા ગયો’તો
  • કારને ટ્રકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો, બેને ઇજા

શહેરની ભાગોળે જામનગર રોડ પર ખંઢેરી નજીક કારને ટ્રકે ઠોકરે લેતા કારમાં બેઠેલા રાજકોટની હોટેલના કર્મચારીનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બેને ઇજા થઇ હતી. ત્રણેય યુવકો જામનગર રોડ પર આવેલી એક હોટેલમાંથી જમીને પરત આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

ફૂલછાબ ચોકમાં આવેલી નોવા હોટેલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતા અહમદ હિંગળોજા, હોટેલનો સ્વિપર સમીર દશરથ કોલ (ઉ.વ.19) અને ફરદીન અનવરભાઇ લાખા (ઉ.વ.19) શનિવારે બપોરે જામનગર રોડ પર આવેલી હોટેલે જમવા ગયા હતા. હોટેલમાંથી જમીને ત્રણેય યુવક પરત રાજકોટ આવી રહ્યા હતા, કાર અહમદ હિંગળોજા ચલાવતો હતો. કાર ખંઢેરી નજીક પહોંચી હતી ત્યારે પાછળથી ધસી આવેલી ટ્રકે કારને ઠોકર મારી હતી, જેમાં કારમાં બેઠેલા સમીરને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે ફરદીન અને અહમદને ઇજા થઇ હતી.

બનાવની જાણ થતાં પડધરી પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશનો વતની સમીર ફૂલછાબ ચોકમાં આવેલી હોટેલ નોવામાં સ્વિપર તરીકે નોકરી કરતો હતો. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. એક તરફ પોલીસ તંત્ર અકસ્માતના બનાવો ઘટયા હોવાના દાવા કરી રહી છે. હાઇવે પર આડેધડ દોડતા ભારે વાહનો અવારનવાર ટુ વ્હીલ કે ફોર વ્હીલને ઠોકરે ચડાવી અકસ્માત સર્જી રહ્યા છે. જેમાં માનવ જિંદગીનો પણ ભોગ લેવાયો છે. ત્યારે હાઇવે પર સર્જાતા અકસ્માતના બનાવોથી પોલીસના હાઇવે પેટ્રોલીંગની પોલ ખુલી છે.

અન્ય સમાચારો પણ છે...