બેદરકારી:રાજકોટમાં ભર ઉનાળે ન્યારી ફિલ્ટર પ્લાન્ટની લાઇન લીક થતા 4 વોર્ડમાં એક કલાક મોડુ પાણી વિતરણ થયું

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં મોટર મૂકી પાણીની ચોરી કરતા 13 પકડાયા, 19 હજારનો દંડ

રાજકોટમાં ભર ઉનાળે પાણીની અછત સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. ન્યારી ફિલ્ટર પ્લાન્ટની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાઇન લીક થઈ હતી. જેને પગલે ન્યારી ઝોનના વોર્ડ નં. 2, 7, 8, 10માં પાણી વિતરણ એકથી બે કલાક મોડુ થયું હતું. જેથી આગ ઝરતા ઉનાળામાં શહેરીજનોએ પાણીની રાહ જોવી પડી હતી.

બે કલાક પમ્પીંગ બંધ હતું
વેસ્ટ ઝોનમાં આવેલ ન્યારી-1 ડેમથી-ન્યારી-1 ફીલ્ટર પ્લાન્ટ સુધી બલ્ક વોટર ટ્રાન્સમીશન મેઇન 700 એમ.એમ. ની પાઇપ લાઇન ગઇકાલે રાત્રે 9.30 વાગ્યે ન્યારી ફીલ્ટર પ્લાન્ટમાં લીક થઇ હતી. આ અંગે ઇજનેરોને જાણ થતા તુરંત સાધનો સાથે મજૂરોને મોકલ્યા હતા. રાત્રે 11 વાગ્યે ડેમ સાઇટ પરથી પમ્પીંગ બંધ કરી લાઇન ખાલી કરી અને રીપેરીંગ કામ વેલ્ડીંગ કરાતા રાત્રીના પમ્પીંગ પૂર્વવત શરૂ કરવામાં આવેલ હતું. જેથી બે કલાક પમ્પીંગ બંધ હતું.

પાણીની ચોરી કરતા 13 પકડાયા
રાજકોટ મનપા દ્વારા પાણી ચોરી અટકાવવા આજે પણ અનેક વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી વધુ 13 લોકોને પાણી ચોરતા પકડી પાડયા હતાં જેમની પાસેથી પેનલ્ટી પેટ રૂા.19,250ની વસૂલાત કરવામાં આવી હતી. આજે કુલ 1214 ઘરમાં પાણી ચોરી અંગે તપાસ કરાઈ હતી.