પોલીસ કાર્યવાહી:રાજકોટના મેટોડામાં ફેક્ટરીમાં બોઇલર ફાટતા એકનું મોત, 4 ઘાયલ, ઓપરેટર સામે મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોઇલર ફાટતા આગ લાગી હતી અને દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. - Divya Bhaskar
બોઇલર ફાટતા આગ લાગી હતી અને દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.

રાજકોટ જિલ્લાના લોધિકાના મેટોડા GIDC ગેઈટ નં-3 પાસે આવેલ પર્વ મેટલ નામના કારખાનામા ગઇકાલે સવારે ઈલેકટ્રીક ભઠ્ઠી પ્રચંડ ધડાકા સાથે ફાટયા બાદ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી આ સમયે કારખાનામાં કામ કરતા 11 મજુરો દાઝયા અને ઘવાયા હતા. જેમાંથી એક મજુરનું મોત નિપજયું હતું જયારે અન્ય એક મજુરની હાલત હજુ પણ ગંભીર જણાઇ રહી છે. બનાવના પગલે પોલીસે ઓપરેટર સામે મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઈલેકટ્રીક ભઠ્ઠીનો પ્રચંડ અવાજ સંભળાયો
મેટોડા GIDC વિસ્તારમાં ગઈકાલે સવારે બનેલી દુર્ઘટનામાં ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના અડધો કિલોમીટર જેટલા વિસ્તારમાં સંભળાયો હતો જેના કારણે લોકો ભયભીત બની ગયા હતા. સંભવત ટેમ્પરેચર વધી જતા ફાટેલી ઈલેકટ્રીક ભઠ્ઠીનો પ્રચંડ અવાજ સંભળાતા આસપાસના લોકોને ધરતીકંપ થયો હોય તેવો અહેસાસ થયો હતો. આ ઘટનામાં લોધિકા પોલીસ મથકમાં મનુષ્ય વધની કલમ હેઠળ અભિમન્યુ મિથુન ચૌહાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે. લોધિકા પોલીસ સ્ટેશનના PSI એચ.આર.જાડેજાને ફરિયાદી બનાવાયા હતા અને તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,સહદેવસિંહ ડોશુભા ઝાલાએ જાણ કરી હતી કે મેટોડા GIDC પ્લોટ નંબર જી.834 અને 831માં આવેલા પર્વ મેટલ પ્રોસેસીંગ કંપનીની અંદર આવેલી ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા કુલ સાતેક માણસો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને અલગ અલગ હોસ્પીટલમા સારવારમા ખસેડાયા છે.

હોસ્પિટલમાં સારવાર હેઠળ શ્રમિક.
હોસ્પિટલમાં સારવાર હેઠળ શ્રમિક.

2000 સ્કેવર મીટર જગ્યા છે
પર્વ મેટલ પ્રોસેસીંગ કંપની કે જે મેટોડા GIDCમા આવેલ છે જેમાં કુલ 5 ભાગીદારો સહદેવસિંહ ડોશુભા ઝાલા, સંજયભાઈ ઈશવરભાઈ સોની, કિરણસિંહ જનકસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ સહદેવસિંહ જાડેજા અને ગજરાજસિંહ કિરણસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ પર્વ મેટલ પ્રોસેસિંગ કંપનીમા આશરે 30 થી 40 જેટલા માણસો કામ કરે છે અને બે શેડ એરીયા પ્લોટની આશરે 2000 સ્કેવર મીટર જગ્યા છે અને કંપનીમા સવારના આઠ થી રાત્રીના આઠ વાગ્યા સુધી માણસો કામ કરે છે.

ફેક્ટરીમાં મોટું નુકસાન.
ફેક્ટરીમાં મોટું નુકસાન.

દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તજવીજ
કંપનીમા બ્લાસ્ટ થતા બનાવ વખતે ભઠ્ઠી ઓપરેટર અભીમન્યુ જગદીશભાઇ ચૌહાણ હાજર હોવાનું સામે આવ્યું છે. સાથે જ વરસાદના કારણે સ્ક્રેપ પલળેલ હોવા છતા ભઠ્ઠીનુ ટેમ્પરેચર કે પાણી કે જરૂરી ચકાસણી કર્યા વગર ઈલેક્ટ્રીક સેન્સર વાળી ભઠ્ઠીમા સ્ક્રેપ નાખતા કોઈ ટેકનીકલ કારણોસર બ્લાસ્ટ થયો જેમાં 11 મજૂરો ઘવાયા હતા તેઓને રાજકોટ ગીરીરાજ હોસ્પીટલમા સારવાર માટે મોકલતા ગંભીર જણાયેલા અરવિંદભાઈ જયરામભાઈ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજા થતા મૃત્યુ નીપજ્યું હતું. જેથી અભીમન્યુ તેમજ તપાસમાં ખુલે તેઓની વિરુદ્ધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી લોધીકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ FSLની મદદ મેળવી દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તજવીજ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...