રાજકોટમાં કોરોના વાઇરસ સામેની લડાઇમાં સેવાની સરવાણી ફૂટી રહી છે. લોકો પોતાની યથાશક્તિ મુજબ સેવા કરી રહ્યા છે. ત્યારે રાજકોટનું એક દંપતી ડબલ સેવા કરી રહ્યા છે. બંને આરોગ્ય સાથે સંકળાયેલા છે અને જીવના જોખમે નોકરી કરે જ છે. પરંતુ નોકરી બાદ પણ ભુખ્યાને જમાડવા અને જરૂરીયાતમંદોને સેનિટરાઈઝર અને યોગ્ય જ્ઞાન પણ આપે છે. એટલું જ નહીં સેવામાં અને જમાડવામાં બંનેનો એક પગાર પણ વાપરી નાખવાનું નક્કી કર્યું છે. અંદાજે દોઢ લાખ રૂપિયા તેઓએ સેવામાં આપી દીધા છે.
પુત્ર કહે છે મમ્મી-પપ્પા સેવા કરો ઘરની ચિંતા ન કરો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીમાં ટેકનિશિયનની નોકરી કરતા મુકેશભાઈ મેરજા અને તેમની પત્ની વિભાબેન આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે. મુકેશભાઈએ જણાવ્યું હતું કે લોકડાઉન શરૂ થયું ત્યારથી દેશને સમર્પિત રહેવાનું જ નક્કી કર્યું છે. નોકરીમાં બંને જીવના જોખમે નોકરી કરીએ છીએ. પરંતુ નોકરી બાદ પણ મિત્રો સાથે મળી રસોડું શરૂ કર્યું છે. જેમાં અમે અમારો પગાર ખર્ચી લોકોને જમાડવાનું શરૂ કર્યું છે અને જાતે જ સાંજે જરૂરિયાતમંદોને જમાડવા નીકળીએ છીએ. બે હજાર લોકોને તો જમાડી પણ દીધું છે અને હજુ આ કાર્ય જરૂરિયાત મુજબ ચાલુ રાખવામાં આવશે. પત્ની વિભાબેન જણાવે છે કે આ મહામારીમાં આવું કાર્ય કરતા ગર્વ થાય છે. ઘરે રહેલો તેનો દીકરો કહે છે કે મમ્મી-પપ્પા તમે સેવા કરો, ઘરની ચિંતા ન કરો ઘર હું સંભાળી લઈશ.
વિભાબેન મહિલાઓ માટે પિંક ઓટો રીક્ષાના પ્રણેતા
મહિલાઓ માટે પિંક ઓટો રીક્ષાના પ્રણેતા અને ગુજરાતભરમાં સર્વ પ્રથમ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાવનાર અને અનેક સેવાકીય એવોર્ડ મેળવનાર વિભાબેન મુકેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, મારૂ કર્મ એ જ મારો ધર્મ છે. હાલ હું મારો પગાર લોકડાઉનમાં જરૂરીયાતમંદ લોકોની સેવામાં આપું છું. આજે આખું વિશ્વ જ્યારે કોરોનાનાં સંક્રમણ સામે બાથ ભીડી રહ્યું છે. ત્યારે મારો ધર્મ આ મહામારીથી લોકોને કેમ કરી આ વાઇરસનાં સંક્રમણથી બચાવી શકાય અને લોકડાઉનમાં લોકોને પડતી મુશ્કેલીઓમાં સમજણ દ્વારા વ્યવહારુ માર્ગ કાઢી સરકારી માર્ગદર્શિકા મુજબ કેમ કરી ઉપયોગી થઇ શકું એ છે. અમો પતિ-પત્ની સરકારી ફરજ બજાવતા હોય તેથી ઘરકામ કરવાનું તો ખરુ જ સાથે અમો બંને માનવ કલ્યાણ મંડળ સેવા સંસ્થામાં સક્રિય છીએ. આ સંસ્થા અમારા સભ્યો સાથે મળી દરરોજ 2000 થી 2500 લોકોને રોટલી, શાક, છાસ, ભાત, ગુંદી, ગાંઠિયા જેવું સાત્વિક ભોજન સાથે સાથે તેઓને આ વાઇરસનું સંક્રમણ ન થાય તે માટે માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું જ્ઞાન આપીએ છીએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.