ક્રાઇમ:18 લાખ રોકડા, ચાંદીના ઢાળિયા સહિત 19.53 લાખના શંકાસ્પદ મુદ્દામાલ સાથે એક ઝડપાયો

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટના રૈયાધારમાં રહેતા ધૂળધોયાનું ચાંદીના બારણની મજૂરીથી મિલકત મેળવ્યાનું રટણ
  • ચોરાઉ મુદ્દામાલ હોવાની પોલીસને શંકા, ધૂળધોયાની પૂછપરછ શરૂ કરાઇ

શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતા અને ધૂળધોયા તરીકે કામ કરતા શખ્સને પોલીસે સકંજામાં લઇ તેની પાસેથી રોકડા રૂ.18 લાખ, ચાંદીના ઢાળિયા અને ચાંદીના દાગીના સહિત કુલ રૂ.19.53 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રૈયાધારમાં રંભામાની વાડી મફતિયાપરામાં રહેતા ધૂળધોયા નિલેશ ઉર્ફે શૈલેષ કાંતિ નારોલા (ઉ.વ.38) પાસે લાખો રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ હોવાની માહિતી મળતાં ડીસીપી ઝોન-2 ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ.એલ.બારચિયા સહિતની ટીમ દોડી ગઇ હતી.

રોકડ રૂપિયા અને ચાંદીના ઢાળિયા કબજે લેવાય
રોકડ રૂપિયા અને ચાંદીના ઢાળિયા કબજે લેવાય

પોલીસે નિલેશના મકાનની તલાશી લેતા ઘરમાંથી રૂ.1,32,530ની કિંમતનો ચાંદીનો ઢાળિયો, રૂ.1375ની કિંમતનો ચાંદીનો નાનો ઢાળિયો, ચાંદીનો કંદોરો, ચાંદીનું કાટોડું, મિક્સધાતુના કટકા તથા રૂ.18 લાખની રોકડ મળી આવી હતી.

પોલીસે પૂછપરછ કરતાં નિલેશ નારોલાએ કહ્યું હતું કે, પોતે ધૂળધોયા તરીકે કામ કરે છે, અને ચાંદીની ભૂકીનું બારણની મજૂરીકામ કરે છે અને તે મજૂરી કામમાંથી મળેલી ચાંદીના ઢાળિયા બનાવ્યા હતા અને મજૂરીકામની મળેલી રકમ એકઠી કરી રૂ.18 લાખ એકત્ર કર્યા હતા, જોકે પોલીસને નિલેશ નારોલાની વાતથી સંતોષ નહીં થતાં નિલેશ નારોલાને સકંજામાં લઇ રૂ.19,53,925નો શંકાસ્પદ મુદ્દામાલ કબજે કર્યો હતો. કબજે થયેલો મુદ્દામાલ ચોરાઉ હોવાની શંકાએ યુનિવર્સિટી પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...