તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલ કોરોના વોર્ડથી ભાસ્કર LIVE:કેસબારીએ દર દોઢ મિનિટે એક દર્દી આવ્યો, નાની ઉંમરના વધુ ગંભીર, ઓક્સિજન-આઈસીયુમાં 45 ટકા યુવાનો

રાજકોટ2 મહિનો પહેલાલેખક: મહેન્દ્રસિંહ જાડેજા/ ઈમરાન હોથી/ પ્રકાશ રાવરાણી
  • કૉપી લિંક
આઈસીયુમાં પહોંચ્યા ત્યાં એક દર્દીએ બૂમ પાડી અને તેમના હાથપગ જકડાઈ ગયા - Divya Bhaskar
આઈસીયુમાં પહોંચ્યા ત્યાં એક દર્દીએ બૂમ પાડી અને તેમના હાથપગ જકડાઈ ગયા
  • કોરોના દર્દીની વચ્ચે પહોંચી ભાસ્કરની ટીમ, પ્રથમ વખત જાણો કોવિડ વોર્ડનો માહોલ અને કઈ રીતે થાય છે સારવાર
  • 840 બેડની ક્ષમતા ધરાવતી સિવિલ હોસ્પિટલમાં હાલમાં 600 દર્દીઓ દાખલ જેમાંથી 250ની ઉંમર 20થી 50 વર્ષની વચ્ચે
  • હાઈ બીપી અને શરીરે સોજા ચડી ગયા હતા, તે કોરોનાગ્રસ્ત મહિલાને પ્રસવની પીડા ઉપડી, ડિલિવરી થઈ હોય કે બાકી હોય તેવી 21 દર્દી દાખલ
  • 840 બેડની ક્ષમતા ધરાવતી સિવિલ હોસ્પિટલમાં હાલમાં 600 દર્દીઓ દાખલ જેમાંથી 250ની ઉંમર 20થી 50 વર્ષની વચ્ચે
  • હાઈ બીપી અને શરીરે સોજા ચડી ગયા હતા, તે કોરોનાગ્રસ્ત મહિલાને પ્રસવની પીડા ઉપડી, ડિલિવરી થઈ હોય કે બાકી હોય તેવી 21 દર્દી દાખલ

સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યાં સૌથી વધુ દર્દીઓએ સારવાર લીધી છે તે રાજકોટની સિવિલ કોવિડ હોસ્પિટલમાં કેવી રીતે સારવાર થાય છે તેની તલસ્પર્શી વિગતોથી લોકોને વાકેફ કરવા દિવ્ય ભાસ્કરની ટીમે મંગળવારે તંત્રની મંજૂરી સાથે તબીબોની ટીમ અને પીપીઈ કિટ સહિતના તમામ પ્રોટોકોલનું પાલન કરી લાઈવ રિપોર્ટ કર્યો છે. કેસબારીએ 950 ફાઈલ બનતી એટલે કે દર દોઢ મિનિટ એક દર્દી આવતો હતો. જો કે, હવે કેસની સંખ્યા ઘટી છે. ઓક્સિજન અને આઈસીયુમાં દાખલ દર્દીમાંથી 45 ટકા યુવાનો જોવા મળ્યા.

ટ્રાએઝમાં ઓક્સિજનથી માંડી બેઈન સર્કિટ સુધીની તૈયારી
ફ્લૂ ઓપીડી પાસે જ પેથોલોજી અને રેડિયોલોજી લેબ છે જેમાં દરરોજ અનેક દર્દીઓના બ્લડ સેમ્પલ લેવાય છે તેમજ એક્સ-રે થાય છે. નવા દરેક દર્દીના રિપોર્ટ થાય અને દાખલના દર 3 દિવસે અથવા તો જરૂરિયાત મુજબ થાય છે ત્યારબાદ ટ્રાએઝમાં રીફર કરાય છે. અહીં એવા દર્દીને રખાય છે જેમના આરટીપીસીઆર રિપોર્ટ આવવાના બાકી છે, ત્યાં ટીમ પહોંચી તો જોયું કે ઓક્સિજનથી માંડી બાયપેપ પર હોય તેવા ગંભીર દર્દીઓ હતા. ટ્રાએઝના નોડલ ડો. પ્રતિક દોશીએ કહ્યું કે, જે દર્દીને 15 લિટર ઓક્સિજન અપાય તો પણ લેવલ ન જળવાય તો બાયપેપ એટલે કે વેન્ટિલેટર પર મૂકવા પડે છે. એક સમયે ટ્રાએઝ 7 બેડનો હતો હવે 70 બેડ ધરાવે છે.

કોણ પોઝિટિવ કોણ નેગેટિવ બંને પ્રકારના દર્દી એક જ જગ્યાએ
ફાઈલ કાઢ્યા બાદ દર્દીની અને તેના સ્વજનની સ્થિતિ જોવા ફ્લૂ ઓપીડી પહોંચ્યા, આ એવો વિસ્તાર છે જ્યાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓ હોય છે કોણ પોઝિટિવ છે કોણ નેગેટિવ એ અજંપો જ દર્દીઓ અને તેમના સ્વજનોને કોરી ખાતો હોવાનું દેખાયું હતું. દર્દીની સ્થિતિ જાણી રેપિડ ટેસ્ટ કરી પછી નક્કી કરાય કે તેને દાખલ કરવાની જરૂર છે કે નહિ જો દાખલ કરવાના હોય તો જે તે ડોક્ટર પહેલા બેડની સ્થિતિ મોબાઈલમાં ચેક કરે અને જે તે વિભાગમાં મોકલી આપે પણ, રિપોર્ટ નેગેટિવ હોય પણ લક્ષણો ગંભીર હોય તો ? ત્યારે ટ્રાએઝમાં લઈ જવા પડે.

ડિલિવરી થાય તેમના માટે પહેલા ઓપીડીની કેબિન હતી ત્યાં અલગ રૂમની વ્યવસ્થા કરાઈ
લોબીમાં ઊભા હતા ત્યારે એક રૂમમાં સતત નર્સ આવ-જા કરી રહી હતી. અમારી સાથે આવેલા ડો. કમલ ગોસ્વામીએ તુરંત જ અંદર જઈ સ્થિતિ ચકાસી અને બહાર આવીને કહ્યું કે, મહિલાને પૂરા મહિના છે, પોઝિટિવ છે એટલે પ્રસૂતિ કરાવવી પડે પણ સમસ્યા એ છે કે બ્લડપ્રેશર ખૂબ વધી ગયું છે અને સોજા ચડી ગયા છે હાઈ રિસ્ક છે પણ કોશિશ થાય છે કે નોર્મલ ડિલિવરી થાય. જેમની ડિલિવરી થાય તેમને બીજાથી અલગ રાખવા પહેલા જે ઓપીડીની કેબિન હતી ત્યાં બેડ રાખીને ધાત્રી માતાઓ માટે અલગ રૂમ છે.

ગંભીર કેસમાં મોતમાં યુવાનોની સંખ્યા વધી રહી છે, ખૂબ ચિંતા થાય છે
એમ.ડી. ડો. મેઘાવી ભપલે કહ્યું કે, ક્રિટિકલ પેશન્ટ હજુ આવ્યા કરે છે પણ ચિંતાની વાત એ છે કે યુવાનોની સંખ્યા તેમાં વધી છે અને ડેથ પણ થઈ રહ્યા છે જે ખૂબ ચિંતાજનક છે. પેશન્ટ ખૂબ મોડા પહોંચી રહ્યા છે કારણ કે, યુવાનો એ ભ્રમમાં હોય છે કે તેમને કશું નહિ થાય આ કારણે હાલત વધુ બગડે છે.

સિવિલના આઈસીયુમાં 230 બેડ જેમાંથી 200 ભરેલા
ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર સિવિલની કુલ કેપેસિટી 840 બેડની છે જેમાંથી 530 ઓક્સિજન બેડ છે જ્યારે 230 બેડ આઈસીયુ છે. આ 230માંથી 200 બેડ પર દર્દીઓ દાખલ છે. હાલ ઓપીડી ઘટી છે પણ હજુ ગંભીર દર્દીઓ દાખલ થવાની સંખ્યા ઘટી નથી.

બે દર્દીએ પડતું મૂકીને આપઘાત કરતા નેટ નાખવામાં આવી
હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ અને સમરસમાં બે દર્દીઓએ હોસ્પિટલ ઉપરથી પડતું મૂકીને આપઘાત કર્યાની ઘટના બની હતી, આથી અન્ય દર્દીઓ આવી દુષ્પ્રેરણાનો ભોગ બનીને આવું પગલું ન ભરે તે માટે હોસ્પિટલના તમામ માળ વચ્ચે નેટ નાખવામાં આવી છે.

સિવિલના આઇસીયુ વોર્ડમાં રોબોટ ગોથા ખાતો હતો
હોસ્પિટલમાં રોબોટ દર્દીના બેડ પાસે જઇને દર્દી સુધી દવા, ફ્રૂટ તેમજ તેનું ભોજન પહોંચાડવાનું કામ કરે છે, ‘દિવ્ય ભાસ્કર’ની ટીમ આઇસીયુ વોર્ડમાં પહોંચી ત્યારે સ્ટાફ દ્વારા રોબોટ સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ રોબોટ બેડ સુધી પહોંચવાને બદલે ગોથા ખાવા લાગ્યો હતો.

મહિલા તબીબની આંખો દર્દીના દર્દથી છલકાઈ
પીએસએમ વિભાગના આસિ. પ્રોફેસર ડો. ચિકિત્સા અમીનની આંખો ભીની હતી તેમને પૂછયું કે શું થયું? તો કહ્યું કે ‘એક દર્દીએ હમણા મને કીધું કે મને લાગે છે કે હવે નહિ જીવી શકું બહેન છેલ્લી વાર મારા પરિવાર સાથે વાત કરાવશો? એક યુવાનનું ગઈકાલે મોત થયું પરિવારને ફોન કર્યો તો કહે કે યુવાન પરિવારમાં એક જ પુરુષ હતો પિતા અને દાદાનું પણ કોરોનાથી મોત થયું છે. આવું જોઈ આંખો ભરાઈ જાય છે.

આઈસીયુમાં પહોંચ્યા ત્યાં એક દર્દીએ બૂમ પાડી અને તેમના હાથપગ જકડાઈ ગયા
પાંચમા માળે 40 બેડનું આઈસીયુ છે. ત્યાં એક મહિલા દર્દી વેન્ટિલેટર પર હોવા છતાં સફાળા જાગી ગયા, બૂમ પાડી અને તેમના હાથપગ જકડાઈ ગયા. સ્ટાફે તેમને પકડ્યા ડોકટરે વેન્ટિલેટર સેટ કરતા સ્ટેબલ થયા. મેટ્રન હિતેન્દ્ર ઝાખરિયાએ કહ્યું કે, ઓક્સિજન ઘટી જતાં આવું થાય જેને હાઇપ્લોક્સિયા કહે છે.

ઓક્સિજન હટાવતા જ દર્દી બોલ્યા પુત્ર સાથે વાત કરાવો
હોસ્પિટલમાં મહત્તમ દર્દીઓના ચહેરા પર એકલતાનો ભાવ દેખાતો હતો, દર્દીઓએ કહ્યું હતું કે, સારવાર ચાલી રહી છે, સાજા થવા માટે અહીં રહેવું જ પડે, પરંતુ દિવસોથી પરિવારના સભ્યોના ચહેરા જોવા મળતા નથી, એકલતાને કારણે કંટાળો આવે છે, હોસ્પિટલ સ્ટાફ વીડિયો કોલ કરી આપે છે પરંતુ રૂબરૂ મળ્યાનો સંતોષ થતો નથી, જ્યારે મોબાઇલની બેટરી પૂરી થઇ જાય છે ત્યારે સાવ એકલતા આવી જાય છે, એક વૃદ્ધ દર્દી ઓક્સિજન પર હતા, નર્સે તેમનું ઓક્સિજન માસ્ક હટાવ્યું તે સાથે જ બેડ પરથી ઊભા થઇને પુત્ર સાથે ફોન પર વાત કરાવવાનું કહેવા લાગ્યા હતા, પુત્ર સાથે વાત કરવાની તેમના ચહેરા પર દેખાતી તાલાવેલી વોર્ડના તમામ દર્દીઓની એકસમાન હતી.

17 દિવસ થયા, મને મૂંઝારો થયો હવે ઘરે જઈશ
ટ્રાએઝમાં બિપીન મારૂ નામના દર્દી દાખલ હતા અને પ્રોન થેરાપીમાં એટલે કે ઊલટા સુવડાવ્યા હતા તબીબો કહે છે કે, આમ કરવાથી ઓક્સિજન લેવલ વધે છે. બિપીનભાઈને જગાડીને તેમના અનુભવ પૂછ્યા તો કહ્યું કે, ‘17 દિવસથી દાખલ છું, ઓક્સિજન પર રાખ્યો હતો. આજુ બાજુના દર્દી પણ કશું બોલે નહિ બસ એમ જ પડ્યા હોય એકલું જ લાગ્યા કરે આ કારણે મને ખૂબ મૂંઝારો થયો અને એવું લાગ્યું કે હવે કદાચ ઘરે નહિ જઈ શકું. પણ હવે તબીબોની મહેનતથી સારું છે ઝડપથી ઘરે જવું છે’. અહીં તબીબો અને અન્ય સ્ટાફે દર્દીઓની દરેક બાબતની કાળજી રાખી છે. અને સારવારમાં ખુબ ધ્યાન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...