જસદણના આટકોટ નજીક કાર અને ટ્રક સામસામી ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કાર પડીકુ વળી ગઈ હતી. કારમાં ગંભીર ઇજા સાથે ફસાયેલા ચાલક હરેશ વાસાણીને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. બાદમાં તેને બહાર કાઢી 108 મારફત નજીકની હોસ્પિટલે ખસેડાયો હતો, જોકે ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસ દોડી ગઈ હતી. તપાસ કરતાં કારમાંથી 60 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે કારના માલિક હસમુખ નારાયણ સાકોરિયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કારના આગળના ભાગના ફુરચેફુરચા
આટકોટના ગોંડલ હાઈવે પર ખારચિયા અને દડવા ગામ વચ્ચે ગોંડલથી આટકોટ બાજુ આવતી ટ્રક નં. GJ-14-X- 6765 અને ટાટા ઇન્ડિગો માન્જા કાર નં. GJ-13- CC-3360 સામસામી ધડાકાભેર અથડાઇ હતી, જેમાં કારનો આગળો ભાગ પડીકુ વળી ગયો હતો. કારનો આગળનો ભાગ એટલી હદે ભેગો થઈ ગયો હતો કે ચાલક હરેશ વીરજીભાઈ વાસાણીને બહાર કાઢવામાં લોકો અસમર્થ રહ્યા હતા. બાદમાં ક્રેન બોલાવી તેને બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ લોકોએ 108ને જાણ કરતાં સાણથલી ગામની 108ના પાયલોટ સંજય સામટ અને ઈએમટી મેહુલ બિહોરા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108 મારફત હરેશને જસદણની હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ અહીં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. હરેશ વીંછિયાના અમરાપુર ગામનો રહેવાસી હતો.
કારમાલિક વિરુદ્ધ દારૂનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
અકસ્માતમાં કારમાં રહેલી વિદેશી દારૂની પેટીઓ બહાર આવી જતાં કેટલાક શખસો તો બોટલ લેવા ઊમટી પડ્યા હતા. દારૂની બોટલ લઈ આ શખસો ભાગી ગયા હતા. જોકે બાદમાં પોલીસ આવી ગઈ હતી અને તેમણે માત્ર 60 બોટલ દારૂની જપ્ત કરી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે 1,72,000નો મુદ્દામાલ જપ્કત કર્યો હતો. આ દારૂની બોટલ લઇ મૃતક હરેશ ક્યાં જતો હતો, કોની પાસેથી દારૂનો જથ્થો લીધો એ દિશામાં તપાસ હાથ ધરી છે. કારમાલિક હસમુખ સાકોરિયા સામે દારૂનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(કરસન બામટા, આટકોટ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.