શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. ત્રીજી લહેર બાદ આજે એક જ દિવસમાં સૌથી વધુ 30 કેસ નોંધાયા છે. આથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આજે 7 દર્દીને ડિસ્ચાર્જ કરાતા હાલ 91 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 64060 પર પહોંચી છે.
રાજકોટ શહેરમાં ગુરુવારે 15 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં 10 વર્ષના બાળક અને 17 વર્ષની તરૂણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે ભક્તિનગર સર્કલ, હુડકો, રાધેશ્યામ, મવડી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, ત્રિવેદી સોસાયટી, ઓમ રેસિડેન્સી, સહકાર સોસાયટી, સ્વપ્ન લોક, રામેશ્વર પાર્ક, પંચવટી સોસાયટી અને સરસ્વતી સોસાયટીમાં કેસ સામે આવ્યા હતા. ગઈકાલે 20 દર્દીને ડિસ્ચાર્જ અપાતા હવે 68 દર્દી સારવાર હેઠળ છે.
વેક્સિનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે અપાશે
કોરોના સામે સુરક્ષા કવચ મેળવવા વેક્સિન વધુથી વધુ લોકો લે તે માટે સરકાર દ્વારા તબક્કાવાર પગલાં ભરવામાં આવી રહ્યા છે. તા.15 જુલાઇ (શુક્રવાર) બાદ 18 પ્લસ વય જૂથના લોકો સરકારી કેન્દ્રોમાંથી ફ્રી બૂસ્ટર ડોઝ લઇ શકશે તેવી જાહેરાતને પગલે રાજકોટ શહેર અને જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં 6.77 લાખ અને શહેરમાં અંદાજિત 8 લાખ લોકોને બૂસ્ટર ડોઝ લેવાના બાકી છે. શુક્રવારે 18થી 59 વર્ષનાં નાગરિકો માટે કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાનો શુભારંભ થશે.
શહેરમાં 8 લાખ, જિલ્લામાં 6.77 લાખ લોકોને બૂસ્ટર ડોઝ લેવાનો બાકી
રાજકોટ જિલ્લામાં કોવિશિલ્ડના 6,56,000 અને કોવેક્સિનના 21000 સહિત કુલ 6,77,000 18 પ્લસ લોકોને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે, જે અંતર્ગત જિલ્લા સ્તરે કેન્દ્રો પર પ્રિકોશન ડોઝ આપવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વધુ ડોઝની માગણી પણ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. જો કે, હજુ કોરોના સાવ ગયો ન હોવાથી તંત્ર પણ તકેદારી રાખી રહ્યું છે અને એટલા માટે જ બુસ્ટર ડોઝ ફ્રી આપવાની જાહેરાત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.