• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • On The Sixth Day Of The Road Show, Corona Cases Increased By 671% To 141: 16 Children Between The Ages Of 2 And 17 Were Infected, The Positivity Ratio Was 5% Like The Second Wave.

આ ભાર નેતાઓનો:રોડ શોના છઠ્ઠા દિવસે કોરોનાના કેસ 671 ટકા વધીને 141 થયા : 2થી 17 વર્ષના 16 બાળકો સંક્રમિત, બીજી લહેરની જેમ પોઝિટિવિટી રેશિયો 5 ટકાએ

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તાયફાઓમાં ભાન ભૂલીને ટોળાં ભેગા કર્યા જેનું પરિણામ હવે શહેરને ભોગવવું પડ્યું, 412 દર્દી સારવાર હેઠળ
  • ચેપ લાગ્યાના લક્ષણો 6થી 20 દિવસ સુધીમાં દેખાય છે, 31મીએ 21 કેસ હતા અને મંગળવારે 37, વાઇરસનો ઈન્ક્યુબેશન પિરિયડ પૂરો થતાં જ કોરોના વિસ્ફોટ, 141: કેસ ગુરુવારે નોંધાયા

રાજકોટ શહેરમાં મંગળવારે 36 કેસ નોંધાયા હતા તેના બીજા જ દિવસે માત્ર 24 કલાકમાં 141 કેસ આવ્યા છે આ ચાર ગણો વધારો માત્ર એક જ દિવસમાં આવ્યો છે પણ 31મીએ કે જ્યારે રોડ શો હતો તે દિવસે માત્ર 21 કેસ હતા અને છ જ દિવસમાં 671 ટકાનો વધારો થયો છે જે સૌથી મોટી ચિંતાજનક બાબત છે. રાજકોટ શહેરમાં 31 ડિસેમ્બરે સુશાસન સપ્તાહનો સમાપન સમારોહ હતો અને તેમાં મુખ્યમંત્રીના રોડ શોનું આયોજન કરાયું હતું. માત્ર 3 કિ.મી.ના અંતરમાં ભાજપના નેતાઓએ 108 સ્ટેજ ગોઠવીને તાયફો કર્યો હતો. દરેક વોર્ડના આગેવાનો ટોળાં લઈને સ્વાગત માટે આવ્યા હતા.

500 બાઈક અને અનેક કાર કાફલામાં સામેલ થયા હતા. એરપોર્ટ રોડ, જિલ્લા પંચાયત ચોક સહિતના મોટા ચોકમાં એક એક હજાર લોકોની મેદની હતી. રેસકોર્સ રિંગ રોડ પર કિસાનપરા ચોકથી યાજ્ઞિક રોડ સુધીમાં એક તરફનો રોડ માત્ર કાર્યકર્તાઓથી ભરાયો હતો અને આવા જ તાયફાને કારણે રાજકોટની સ્થિતિ હવે બગડી છે. નિષ્તાતો જણાવે છે કે, કોરોના વાઇરસનો ચેપ લાગ્યા બાદ તેના લક્ષણો છઠ્ઠાથી 20મા દિવસે જણાય છે જેને વાઇરસનો ઈન્ક્યુબેશન પિરિયડ કહે છે.

31મીના રોડ શો બાદ તેના છઠ્ઠા જ દિવસે 141 કેસ આવ્યા છે અને હજુ 10 દિવસ સુધી જોખમ છે. જે 141 કેસ આવ્યા છે તેમાં સૌથી મોટી કરુણતા એ છે કે 2 વર્ષથી 17 વર્ષ સુધીના 16 બાળકો પણ સંક્રમિત થયા છે. 25થી 45 વર્ષના ઘણા યુવાનો સંક્રમિત થયા છે જે અત્યાર સુધીમાં જ્યાં જ્યાં ફર્યા હશે ત્યાં પણ ચેપ ફેલાયાની પૂરી શક્યતા છે. રાજકોટ શહેરમાં 141 કેસ આવ્યા છે પણ આ કેસ આશરે 2600 ટેસ્ટમાંથી આવ્યા છે એટલે કે પોઝિટિવિટી રેશિયો 5.41 ટકા જેટલો ઊંચો આવ્યો છે. અહીં એ ખાસ જોવું પડશે કે રાજકોટમાં બીજી લહેર ચાલી રહી હતી એટલે ત્યારે પોઝિટિવિટી રેશિયો 5 ટકાની આસપાસ જ રહેતો હતો.

જે બાળકો પોઝિટિવ આવ્યા તેની વિગત

ઉંમર(લિંગ)

સરનામું

14 M

કોઠારિયા રોડ

14 M

યુનિવર્સિટી રોડ

17 F

અભિનવ રેસિડેન્સી

2 M

અમીનમાર્ગ

8 M

ઢેબર રોડ

6 M

રૈયા રોડ

16 M

કે.કે.વી. હોલ પાસે

2 M

પેન્ટાગોન સોસાયટી

5 M

ઢેબર રોડ

6 F

જનકલ્યાણ સોસાયટી

12 F

આદર્શ સોસાયટી

14 M

વૈશાલીનગર

17 F

વૈશાલીનગર

12 F

બહુમાળી ભવન પાસે

14 M

એસ્ટ્રોન સોસાયટી

13 F

કાલાવડ રોડ

નિર્મલા સ્કૂલે ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કર્યું
રાજકોટ સહિત રાજ્યભરમાં હાલ કોરોનાના કેસમાં જેટ ઝડપે વધારો થઇ રહ્યો છે ત્યારે શહેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય તે માટે ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હવે આ સ્કૂલમાં બાળકોને ઓનલાઈનના માધ્યમથી જ શિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત છેલ્લા ઘણા દિવસોથી એક પછી એક વિદ્યાર્થીઓ સંક્રમિત થઇ રહ્યા છે ત્યારે રાજકોટની 5થી વધુ સ્કૂલમાં બાળકો અને સ્ટાફ પણ સંક્રમિત થતા શાળાઓ સપ્તાહ સુધી બંધ કરવા નિર્ણય કર્યો છે.

રાજકોટની નિર્મલા સ્કૂલે કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખી ધો.1થી 8ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ગુરુવારથી ધો.1થી 8ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. દેશના અન્ય રાજ્યોમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓને સંક્રમિત થતા બચાવવા માટે શાળાઓ બંધ કરવા ચારેબાજુથી માગણી થઇ રહી છે. જોકે હજુ સુધી શિક્ષણમંત્રી કે રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

વેક્સિન લીધી છે કે નહીં યુનિ.માં પૂછનાર કોઈ નહીં

રાજ્ય સરકારે તાજેતરમાં જ વેક્સિનના બંને ડોઝ લેનાર વ્યક્તિને જ સરકારી કચેરીમાં પ્રવેશ આપવા અંગે પરિપત્ર કર્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ આ અંગેનો નિયમ ઘડ્યો હતો, પરંતુ નિયમ ઘડ્યાના બીજે જ દિવસે આ નિયમનો ફિયાસ્કો થઇ ગયો હતો યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વાર મુલાકાતીઓને રસી લીધી છે કેમ તેવું પૂછનારું કોઈ હતું જ નહીં.

ઘોડા છૂટી ગયા પછી તાળાં, હવે રોજ સાંજે કોવિડની બેઠક
રાજકોટ શહેરમાં સ્થિતિ વણસી ગઈ છે ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે, દરરોજ સાંજે 7 વાગ્યે તમામ વિભાગો સાથે કોવિડને લઈને બેઠક બોલાવાશે અને જે રીતે બીજી લહેરમાં ચર્ચા થતી હતી તેવી જ ચર્ચાઓ કરાશે.

શહેર-જિલ્લામાં એક લાખથી વધુ બાળકોને રસી અપાઈ
કોરોના મહામારી સામે કોવેક્સિનનો પહેલો ડોઝ 15થી 18 વર્ષની વયજૂથનાં બાળકોને આપવાની 3 જાન્યુઆરીથી શરૂઆત થઈ ગઈ છે. રાજકોટ જિલ્લામાં બાળકો માટેનું રસીકરણ પ્રથમ દિવસે જેટ ગતિએ થયું હતું, પરંતુ ત્યારબાદ બીજા દિવસે ગોકળગતિએ થઇ ગયું હતું. રાજકોટ શહેરમાં પ્રથમ દિવસે 14,000, બીજા દિવસે 18,366 તથા ત્રીજા દિવસે 13,138 બાળકોએ રસી લેતા કુલ 45,193 બાળકોએ રસી મુકાવી છે.

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ દિવસે 24,441 બાળકોએ કોરોના સામેની રસી મુકાવતા પ્રથમ દિવસે જ 75 શાળામાં 100 ટકા તથા 3 શાળામાં 200 ટકા રસીકરણ પૂર્ણ થયું હતું. પરંતુ બીજા દિવસે આ આંક ઘટી 19,770 અને ત્રીજા દિવસે 13,191 બાળકોએ રસી લેતા કુલ 57,402 બાળકોએ રસી મુકાવી હતી. રાજકોટ ગ્રામ્યમાં કોરોનાના કેસમાં પણ સતત ઉછાળો આવી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં કેસમાં વધારો જોવા મળતા કુલ પોઝિટિવ આંક 155 પર પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...