ફરિયાદ:લગ્નના બીજા દી’ એ કરિયાવરનો સામાન ખોલી પુત્રવધૂને કહ્યું, ‘મોંઘી વસ્તુ જ નહિ’

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૈયાધારમાં રહેતા પતિ સહિતના સાસરિયા સામે પોલીસમાં ફરિયાદ

શહેરના સંતકબીર રોડ, રાજારામ સોસાયટી-4માં છેલ્લા બે વર્ષથી માવતરે રહીને માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સનો અભ્યાસ કરતી પરિણીતા નિધિબેને રૈયાધારમાં રહેતા પતિ પ્રણવ, સસરા નીતિનભાઇ મણિલાલ ભોજાણી, સાસુ સરોજબેન, નણંદ જાનકીબેન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાની ફરિયાદ મુજબ, ચાર વર્ષ પહેલા તેના પ્રણવ સાથે લગ્ન થયા છે. સંયુક્ત પરિવારમાં રહેતા હોય લગ્નના બીજા જ દિવસે સાસુએ પોતાના કરિયાવરનો સામાન ખોલી નાંખી સોના-ચાંદીની વસ્તુઓ મને સોંપી દે, તારાથી નહિ સચવાય. બાદમાં કરિયાવરનો સામાન જોઇને સાસુ તેમજ નણંદે તારો બાપતો ભૂખની બારસ છે, કંઇ મોંઘી વસ્તુ કરિયાવરમાં આપી જ નથી તેવા મેણાં માર્યા હતા.

બધી વાત પતિને કરતા તે પણ પોતાને સાંભળતા નહિ. સસરા પણ પોતાને રસોઇ બનાવતા આવડતું નહિ હોવાનું કહી માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન નણંદના લગ્ન સમયે પણ પોતાને દૂર રાખી માત્ર કામવાળી જેવું વર્તન કર્યું હતું. નણંદના લગ્ન બાદ પતિને સાઉથ આફ્રિકામાં નોકરી મળતા પતિએ પોતાને વાત કર્યા વગર એકલી મૂકી જતા રહ્યા હતા. પોતે પતિને ફોન કરે તો ફોન પણ કટ કરી નાંખતા હતા. આ સમયે સાસુ-સસરાએ અનહદ માનસિક-શારીરિક ત્રાસ આપ્યો હતો.

આફ્રિકા ગયેલા પતિની તબિયત સારી નહિ રહેતા તેઓ પરત રાજકોટ આવી ગયા હતા. રાજકોટ આવ્યા બાદ સાસુ-સસરા અમારો દીકરો તારા હિસાબે જ બીમાર પડ્યો છે તેવા મેણાં મારી બંનેને અલગ અલગ રાખતા હતા. સાસુ, સસરા, નણંદના ત્રાસ અંગે પતિ પ્રણવને વાત કરીએ તો તેઓ પણ તેમના પરિવારનું ઉપરાણું લઇ તારે આ ઘરમાં રહેવું હોય તો ઘરના કહે તેમ જ કરવાનું કહેતા હતા.

લગ્ન બાદ નણંદ પિયર આવે ત્યારે બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. ત્યારે પણ સાસરિયાઓ બધા પોતાનો જ વાંક હોવાનું કહી ત્રાસ આપતા હતા. બાદમાં પોતાના ભાઇના લગ્ન હોય પોતે પિયર ગયા હતા. તે સમયે પતિ કે સાસરિયાઓ કોઇ લગ્નમાં આવ્યા ન હતા. એટલું જ નહિ પોતાને તેડવા પણ નહિ આવતા પ્રથમ પોલીસમાં અરજી આપી હતી. તેમ છતાં સાસરિયાઓએ સમાધાન નહિ કરતા અંતે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...