ગુજરાતમાં દારૂબંધી છે એ જગજાહેર છે છતાં સંસ્કારી નગરીની છાપ ધરાવતા રાજકોટમાં જાણે દારૂબંધીનો સદંતર અને જાહેરમાં ભંગ થતો હોવાની ઘટના સામે આવી રહી છે. હજુ શુક્રવારે ST બસના ડ્રાઈવરની દારૂ ભરેલી બેગ શહેરના પોષ વિસ્તાર એવા યાજ્ઞિક રોડ પર પડી અને લોકોએ પોલીસને જ જાણ કરવાની જગ્યાએ બેગમાંથી દારૂ લેવા પડાપડી કરી હતી. એ ઘટનાના 24 કલાક બાદ હાલ ચાર વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. એમાં શહેરના વેલનાથ પરા વિસ્તારમાં ચૂંટણી પરિણામને જ દિવસે મનપાના શૌચાલયમાં દેશી દારૂના હાટડા ધમધીમી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવે છે અને પોલીસની રહેમનજર હેઠળ દારૂના અડ્ડાધારીઓ કેટલાય ઘર બરબાદ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાલ આ ચારેય વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
શું છે વાઇરલ વીડિયોમાં
મોરબી રોડ પર આવેલા વેલનાથ પરા વિસ્તારમાં પ્રકાશ સોલંકી ઉર્ફે બાડો નામના શખસ દ્વારા દેશી દારૂનો વેપલો ચલાવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આંવે છે અને વીડિયોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાથી દારૂડિયાઓ શેરીમાં જ્યાં ત્યાં સૂઈ જાય છે. ત્યાનાં રહેવાસીઓ આવાં તત્ત્વોથી ત્રાસી ગયા છે. કોઈને પણ પૂછો તો કહે, દારૂ પ્રકાશ સોલંકીને ત્યાં મળી જશે, પરંતુ પોલીસ તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી, એવું પણ જણાવવામાં આવ્યું છે.
પરિણામને દિવસે જ દારૂનું વેચાણ!
આ વાઇરલ વીડિયોમાં એક જાગ્રત નાગરિક દ્વારા વેલનાથ પરા વિસ્તારના શૌચાલયની બહાર નીકળતા લોકોની પૂછપરછ કરવામાં આવે છે. આ લોકો દેશી દારૂની ખરીદી કરીને જતા હોય એવું સ્વીકારે છે અને તેઓ ચૂંટણી પરિણામને દિવસે જ ખરીદી કરવા આવ્યા હોવાનું કહે છે. આ વીડિયોમાં નાગરિક દ્વારા બી ડિવિઝન પોલીસ બૂટલેગરોનો સાથ આપતા હોય અને જ્યારે ચૂંટણીપ્રચાર દરમિયાન અનેક રાજકીય નેતાઓએ પણ મુલાકાત લઈ દારૂનું વેચાણ બંધ કરવાની બાંયધરી આપી હતી, પરંતુ ત્યાર બાદ કોઈ આવ્યું ન હોવાનો આક્ષેપ પણ લગાડવામાં આવી રહ્યો છે.
દારૂ લેવા પડાપડી
રસ્તા પર દૂધનાં વાહનોમાંથી દૂધ, ટેન્કરમાંથી ઓઇલ-પેટ્રોલ અને શાકભાજી રસ્તા પર ઢોળાતાં તો એની લૂંટફાટ થયાના કિસ્સા અગાઉ અનેક બન્યા છે, પરંતુ શુક્રવારે સવારે રાજકોટના યાજ્ઞિક રોડ પર રસ્તા પર પડેલા એક થેલામાં દારૂની બોટલો દેખાતાં લોકોએ એ લેવા પડાપડી કરી હતી. આ ઘટનાનો વીડિયો ફરતો થતાં પોલીસે દારૂનો જથ્થો લઇ આવનાર એસટી ડ્રાઇવરની ધરપકડ કરી છે અને લૂંટફાટ કરી દારૂની બોટલો લઇ જનારની પણ શોધખોળ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં ઉપસ્થિત એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. રાજકોટના હાર્દ સમા વિસ્તાર યાજ્ઞિક રોડ પર આ પ્રકારે દારૂ ભરેલી બેગ મળી આવતાં અનેક પ્રકારના તર્ક શરૂ થયા હતા.
થેલો સ્કૂટર પર આગળ રાખ્યો હતો
શહેરના જામનગર રોડ પર ભોમેશ્વર પ્લોટમાં રહેતો અને એસટીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો અલ્તાફ બોદુ હોથી (ઉં.વ.41) રાજકોટથી એસટી બસ લઇને રાજસ્થાન નાથદ્વારા ગયો હતો અને ત્યાંથી પરત મુસાફરો સાથે રાજકોટ બસપોર્ટ પર આવ્યો હતો. અલ્તાફ હોથીએ રાજસ્થાનથી દારૂની બોટલો ખરીદી હતી અને એની બોટલોનો જથ્થો થેલામાં નાખી બસપોર્ટથી સ્કૂટર પર પોતાના ઘરે જવા નીકળ્યો હતો, દારૂની બોટલો ભરેલો થેલો સ્કૂટર પર આગળ રાખ્યો હતો.
ફંગોળાયેલો થેલો ખૂલી ગયો
અલ્તાફ હોથી યાજ્ઞિક રોડ પર કલર લેબ નજીક પહોંચ્યો હતો ત્યારે અચાનક જ સ્કૂટર સ્લિપ થઇ ગયું હતું, અલ્તાફ સ્કૂટર પરથી રસ્તા પર પટકાયો હતો અને થેલો પણ રસ્તા પર ફંગોળાયો હતો, સ્થળ પર હાજર લોકો રસ્તા પર પટકાયેલા સ્કૂટરચાલક અલ્તાફની મદદે દોડ્યા હતા અને તેને ઊભો કરવાની કવાયત શરૂ કરી હતી. એ વખતે જ રસ્તા પર ફંગોળાયેલો થેલો ખૂલી ગયો હોવાથી એમાંથી દારૂની બોટલો દેખાઇ હતી. થેલામાં દારૂ હોવાનું દેખાતાં જ મદદે દોડેલા લોકોએ અલ્તાફને બાજુ પર મૂક્યો અને થેલામાંથી દારૂની બોટલો લેવા માટે પડાપડી શરૂ કરી હતી. થેલામાં દારૂ હોવાની વાતથી અન્ય લોકો પણ ટોળે વળ્યા હતા અને તેમણે પણ દારૂની બોટલ મેળવવા લૂંટફાટ ચલાવી હતી, લોકો દારૂની બોટલ લૂંટી રહ્યા હતા, એનો લાભ ઉઠાવી એસટી ડ્રાઇવર અલ્તાફ ત્યાંથી નાસી ગયો હતો, સમગ્ર ઘટના કોઇ જાગ્રત નાગરિકે કેમેરામાં કેદ કરી લીધી હતી અને એનો વીડિયો ફરતો થતાં પોલીસ હરકતમાં આવી હતી.
દારૂનો મોટો જથ્થો હોવાની ચર્ચા
વીડિયોમાં દેખાતો શખસ ભોમેશ્વર પ્લોટમાં રહેતો એસટી ડ્રાઇવર અલ્તાફ હોથી હોવાનું સ્પષ્ટ થતાં એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ભુકણ સહિતની ટીમ દોડી ગઇ હતી અને અલ્તાફને ઝડપી લીધો હતો, અલ્તાફ એ વખતે પણ નશો કરેલી હાલતમાં હતો. પોતે રાજસ્થાનથી પાંચ ચપલા દારૂના લાવ્યાની કેફિયત અલ્તાફે આપી હતી, જોકે થેલામાં દારૂનો મોટો જથ્થો હોવાની ચર્ચા શરૂ થઇ હતી. અલ્તાફ પોતાની ડ્રાઇવર તરીકેની નોકરીમાં રાજસ્થાનથી દારૂનો જથ્થો છાશવારે લાવીને રાજકોટમાં તેનું વેચાણ કરતો હોવાની દૃઢ શંકા સેવાઈ રહી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો
નોંધનીય છે કે 10 દિવસ પહેલાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ વિજિલન્સની ટીમે ગોકુલધામ વિસ્તારમાં નામચીન બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિ હરેશભાઈ સોલંકીના દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. બાદમાં પોલીસે હાર્દિક સહિત 5થી 6 શખસને ઝડપી લઈ ચાર વાહન, મોબાઈલ સહિત લાખોની મતા કબજે કરી હતી. બાદમાં હાર્દિકના પરિવારની મહિલાઓ માલવિયાનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આખું પોલીસ સ્ટેશન બાનમાં લીધું હતું. મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મહિલાઓએ પોલીસને બેફામ ગાળો ભાંડી હતી અને આક્ષેપ કર્યો હતો કે પોલીસ 50 હજાર રૂપિયા લઈ જાય છે. જોકે થોડીવાર તો પોલીસ સ્ટેશનમાં તંગ વાતાવરણ બની ગયું હતું. જોકે ત્યાર બાદ દારૂના જથ્થા સાથે ઝડપાયેલા અને પોલીસ જાપતામાં રહેલા બૂટલેગર કવિનો વીડિયો ફરતો થયો હતો અને તેણે પોલીસ અને એસએમસીને ક્લિનચીટ આપી હતી, પોલીસ જાપતામાં હોવા છતાં બૂટલેગરે વીડિયો કેવી રીતે ઉતાર્યો? તેણે આક્ષેપ કર્યા બાદ પોલીસને શા માટે ક્લિનચીટ આપી? સહિતના સવાલો ઊઠ્યા હતા.
રૂ.1.75 લાખનો હપતો લઈ જાય છે
ગોકુલધામ ક્વાર્ટર્સમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તા.29ની સાંજે દરોડો પાડી દારૂ અને આથાનો જથ્થો પકડી બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિ હરેશ સોલંકીને ઝડપી લઇ માલવિયાનગર પોલીસ સ્ટેશને લઇ જવાયો હતો. ધરપકડ વખતે હાર્દિક અને તેની સમર્થક મહિલાઓનાં ટોળાંએ માલવિયાનગર પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ મોટો હપતો ઉઘરાવતી હોવાનો આક્ષેપ કર્યો હતો, બૂટલેગર અને તેની સમર્થક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે માલવિયાનગર પોલીસ દર મહિને તેની પાસેથી રૂ.1.75 લાખનો હપતો લઇ જાય છે અને એસએમસીના પીએસઆઇ પરમાર સહિતની ટીમ ડીઝલ પુરાવાના નામે રૂ.20 હજારનો હપતો ઉઘરાવી જાય છે. દારૂના જથ્થા સાથે ઝડપાયેલા હાર્દિકને પોલીસે એક દિવસના રિમાન્ડ પર પણ લીધો હતો, પરંતુ ત્યાર બાદ અચાનક જ એક વીડિયો ફરતો થયો હતો અને તેમાં હાર્દિક ઉર્ફે કવિએ માલવિયાનગર પોલીસ અને એસએમસીના પીએસઆઇ પરમારને ક્લિનચીટ આપી હતી.
ગુજરાતમાં બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી દારૂ અને નશીલાં દ્રવ્યો પકડાયાં
ગત 3 માર્ચે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિદેશી-દેશી દારૂ અને અન્ય નશીલાં દ્રવ્યો અંગે મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યો હતો. આ સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી દારૂ અને નશીલાં દ્રવ્યો પકડાયાં છે. જ્યારે ચાર હજારથી વધુ આરોપીઓની ધરપકડ કરવાની હજી બાકી છે. રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 215.62 કરોડ રૂપિયાની કિંમતની 1.6 કરો વિદેશી દારૂની બોટલ, 4.33 કરોડ રૂપિયાની 19.34 લાખ લીટર દેશી દારૂ, 16.2 કરોડ રૂપિયાની કિંમતની 12.20 લાખ બિયરની બોટલ અને 370.25 કરોડ રૂપિયાની કિંમતના અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સ પકડાયું છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 4 હજાર 46 આરોપીની ધરપકડ પણ કરવાની બાકી છે.
ગુજરાત નશીલાં દ્રવ્યના વેચાણનું હબ બન્યું
રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 215.62 કરોડ રૂપિયાની કિંમતની 1.6 કરો વિદેશી દારૂની બોટલ, 4.33 કરોડ રૂપિયાની 19.34 લાખ લિટર દેશી દારૂ, 16.2 કરોડ રૂપિયાની કિંમતની 12.20 લાખ બિયરની બોટલ અને 370.25 કરોડ રૂપિયાની કિંમતનાં અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાઉડર અને અન્ય ડ્રગ્સ પકડાયું છે. બે વર્ષમાં 606.41 કરોડ રૂપિયાની કિંમતનાં વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યાં છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 4 હજાર 46 આરોપીની ધરપકડ પણ કરવાની બાકી છે. નશીલા પદાર્થના વેચાણમાં બનાસકાંઠા, દ્વારકા, કરછ, છોટાઉદેપુર, દાહોદ અને સુરત મુખ્ય સેન્ટર છે. ગૃહપ્રધાનના વિસ્તાર એવા સુરતમાંથી બે વર્ષમાં 93 લાખથી વધુની કિંમતનો નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.