માળખાકિય સુવિધાના મુદ્દે સૌરાષ્ટ્રની 300 સ્કૂલને 10 % ફી વધારો આપી દીધો છે. આ ઉપરાંત એફઆરસીના નિયમ કરતા ઓછી ફી વસુલ કરતી 3000 શાળાને પણ 5થી 10 સુધીનો વધારો અપાયો છે. રાજકોટ સહિત રાજ્યભરની શાળાઓમાં 13 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે ત્યારે વાલીઓને બાળકોની શિક્ષણની ફીને લઈને ચિંતા પ્રવર્તી રહી છે.
ફી વધારાથી વાલીઓ ચિંતામાં મુકાયા
સૌરાષ્ટ્રની અંદાજિત 5500થી વધુ શાળાઓએ ફી વધારા માટે માગણી કરી છે જેમાંથી 60% જેટલી શાળાઓની ફી નવા સત્રમાં કેટલી રાખવી તે એફઆરસીએ ફાઈનલ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બાકીની 40% શાળાઓની ફી નિર્ધારિત કરવાનું કામ પણ ચાલુ માસના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે. એટલે કે નવું સત્ર શરૂ થાય તે પહેલા ફી નિર્ધારિત કરી દેવાશે.નવા સત્રથી એકસાથે વધુ ફી વધારો કરીને બોજો ન આવી પડે તેને લઈને પણ વાલીઓ ચિંતામાં મુકાયા છે. સૌરાષ્ટ્રની જુદી જુદી ખાનગી શાળાઓએ કોરોના મહામારી, શિક્ષકોના પગાર વધારવા સહિતના કારણો રજૂ કરી ફી વધારો માગ્યો છે.
સ્કૂલની કેટલી ફી છે તે પોર્ટલ પર જોઈ શકાશે
સૌરાષ્ટ્રના 10 જિલ્લા રાજકોટ ઝોનમાં આવે છે અને આ ઝોનમાં આવતી શાળાઓની ફી નિર્ધારિત કર્યા બાદ પોર્ટલ ઉપર પણ મુકાશે. વાલીઓ પણ કઈ સ્કૂલની કેટલી ફી નિર્ધારિત કરી છે તે જોઈ શકશે. વાલીઓ વર્ષ 2022-23ના શૈક્ષણિક વર્ષની ફી કઈ એફઆરસીના પોર્ટલ ઉપર જોઈ શકશે. આ ઉપરાંત આગળના વર્ષની ફી પણ નિર્ધારિત થઇ હશે તો તે પણ જોઈ શકશે.
10%થી વધુ વધારો માગનાર સ્કૂલનું હિયરિંગ થશે
સૌરાષ્ટ્રની જે શાળાઓએ ફી વધારો માગ્યો છે તેમાંથી એફઆરસીએ નક્કી કરેલા નિયમ કરતા વધારે એટલે કે 10%થી વધુ ફી વધારો માગતી શાળાનું હિયરિંગ કરાશે. તેના હિસાબો, ખર્ચા સહિતના પાસા તપસ્યા બાદ ફી નક્કી કરાશે.
નિયમ કરતા ઓછી ફી લેનાર શાળાને દર વર્ષે વધારો મળશે
એફઆરસીએ પ્રાથમિકની 15 હજાર, માધ્યમિકની 25 હજાર અને ઉચ્ચતર માધ્યમિકની સાયન્સની 30 હજાર ફી નિર્ધારિત કરી છે. આ ફી કરતા ઓછી લેનાર શાળાને દર વર્ષે, નિર્ધારિત કરતા વધુ ફી લેનાર શાળાને દર 3 વર્ષે વધારો મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.