શ્રાવણ માસના એકટાણા, ફરાળમાં બટેટાનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજકોટના જૂના યાર્ડમાં 3240 ક્વિન્ટલ એટલે કે 3 લાખ 24 હજાર કિલો બટેટાની આવક થઈ હતી અને આ તમામ બટેટા વેચાઈ ગયા હતા. ડિમાન્ડ વધવાને કારણે હાલ બટેટાના ભાવ અને આવક બન્ને વધી રહ્યા છે. જે બટેટાનો ભાવ એક સપ્તાહ પહેલા રૂ.10 હતો તેનો ભાવ અત્યારે રૂ.20 સુધી પહોંચી ગયો છે.જ્યારે લીલોતરી શાકભાજીની આવક વધારે છે પરંતુ સામે કોઇ લેવાલી નહિ હોવાથી તેનો નિકાલ કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે.
શાકભાજી વિભાગના ઈન્સ્પેક્ટર કનુભાઈ ચાવડાના જણાવ્યાનુસાર સામાન્ય દિવસોમાં બટેટાની આવક 7 ગાડી થતી હોય છે. તેના બદલે સોમવારે યાર્ડમાં કુલ 30 ગાડી ભરીને બટેટાની આવક થઈ હતી. અત્યારે જે બટેટાની આવક થાય છે તે જૂના બટેટા છે અને તે સામાન્ય રીતે ડીસા અને ગુજરાતથી આવે છે. જ્યાં સુધી શ્રાવણ માસ ચાલુ રહેશે ત્યાં સુધી બટેટાની વધુ ખપત થશે.
રાજકોટ યાર્ડમાં આવતા બટેટા આજુ બાજુના વિસ્તારો જેમકે, દ્વારકા, જૂનાગઢ, અમરેલી ,ગોંડલ, જામનગર ,ધ્રોલ સહિત સૌરાષ્ટ્રભરના યાર્ડમાં જાય છે. બટેટાના વેપારી અરવિંદભાઈ જોબનપુત્રાના જણાવ્યાનુસાર શ્રાવણ માસમાં બટેટાની ખપત સામાન્ય દિવસો કરતા ડબલ થઇ જતી હોય છે. વરસાદ નહિ હોવાથી ભાવ કાબૂમાં છે અન્યથા અત્યારે છૂટક માર્કેટમાં શાકભાજી રૂ. 50થી લઇને 80 સુધી વેચાતા હોય છે. બટેટાની સાથે- સાથે કોથમરી,મરચાં અને લીંબુનો ભાવ અને ડિમાન્ડ વધ્યા છે.
કારેલા અને દૂધી રૂ. 5ના કિલો
ચોમાસાની સિઝનમાં વેલાવાળા શાકભાજીની આવક વધારે રહે છે. અત્યારે કારેલા, દૂધી, ઘીસોડા વગેરેનો ભાવ ઓછો છે. યાર્ડમાં કોઈ લેવાલી નહીં હોવાથી ગાયોને ખવડાવી દેવા પડે છે અથવા તો ફેંકી દેવા પડે તેવી નોબત ઊભી થઇ છે.
ફ્રૂટના ભાવમાં પણ વધારો
શ્રાવણ મહિનાને કારણે ફળાહાર તરીકે લેવાતા ફ્રૂટ જેમકે ખારેક, સફરજન, ચીકુ, લીલા નાળિયેર, રાસબરી, નાસપાતી, લીલી મગફળી વગેરેની ડિમાન્ડ રહેતી હોય છે. આ દરેક વસ્તુનો ભાવ વધવાને કારણે લોકોને નાછૂટકે મોંઘા ભાવનું ફ્રૂટ ખરીદ કરવું પડે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.