તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:સ્કૂલના પ્રથમ દિવસે 65% વિદ્યાર્થી ઓનલાઈન ન જોડાયા, કેટલાક ચાલુ ક્લાસે ગેમ્સ રમવા લાગ્યા

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ કોરોના મહામારી નાબૂદી માટે ઓનલાઈન પ્રાર્થના કરી

રાજકોટ સહિત રાજ્યભરમાં સોમવારથી શાળાઓમાં નવું સત્ર ઓનલાઈન શરૂ કરાયું છે. પ્રથમ દિવસે શહેરની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર તમામ શાળાઓમાં 65% વિદ્યાર્થીઓ પણ જોડાયા ન હતા. સરકારી, ગ્રાન્ટેડ અને કેટલીક ખાનગી શાળાઓમાં તો માંડ 25થી 30 ટકા જ વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઓનલાઈન જોડાયા હતા. કેટલીક મોટી સ્કૂલોમાં ઓનલાઈન જોડાનાર વિદ્યાર્થીઓની ટકાવારી વધુ રહી હતી. કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન જ અભ્યાસ કરી રહ્યા છે, મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણમાં રસ દાખવી રહ્યા નથી.

એકબાજુ ઓનલાઈન ક્લાસ ચાલુ હોય અને બીજી બાજુ કેટલાક વિદ્યાર્થીઓ ગેમ્સ રમી રહ્યા હોય છે, તો કેટલાક વિદ્યાર્થીઓ ચાલુ કલાસે અન્ય પ્રવૃત્તિ કરી રહ્યા હોય છે. વાલીઓની પણ ફરિયાદ રહે છે કે બાળકને મોબાઈલમાં ઓનલાઈન ભણવામાં મન લાગતું નથી,પરિણામે કંટાળીને અન્ય પ્રવૃત્તિ કરવા લાગે છે. શિક્ષકો પણ જણાવે છે કે ઓનલાઈન શિક્ષણમાં બાળક સાથે આઈ કોન્ટેક રાખવો મુશ્કેલ છે. ઓનલાઈન ક્લાસમાં હોમવર્ક ચેક કરી શકાતું નથી, બાળકો સરખું સાંભળતા નથી.

ધોરણ-10ની માર્કશીટના અભાવે ધો.11માં હજુ અભ્યાસ શરૂ ન થઈ શક્યો
શું થયું : પહેલા દિવસે પ્રાર્થના, વેક્સિન અને માત્ર ચર્ચા કરાઈ

નવા સત્રના પ્રથમ દિવસે જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા તેમણે સોમવારે પ્રથમ દિવસે સૌથી પહેલા કોરોના મહામારી દૂર કરવા ઓનલાઈન પ્રાર્થના કરવામાં આવી, 18+ વિદ્યાર્થીઓને વેક્સિન લેવા અંગે માહિતગાર કરાયા, પરીક્ષા, નવા ધોરણ અંગેની પ્રાથમિક માહિતી, જૂના ધોરણનું રિવિઝન કરાવાયું હતું. આ ઉપરાંત કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓને શિક્ષકોએ મોટીવેટ કર્યા હતા. શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે સામાન્ય બાબતો, પરિચય, નવા ધોરણનો કોર્સ સહિતની ચર્ચા કરી હતી.

અસર : ઘણા વિદ્યાર્થી પાસે પુસ્તકો નથી, ગ્રૂપ નથી બન્યાં
નવું શૈક્ષણિક સત્ર પ્રથમ દિવસથી સંપૂર્ણ શરૂ થઇ શક્યું નથી કારણ કે નવા ધોરણમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને હજુ ઓનલાઈન ક્લાસના ગ્રૂપમાં જોડ્યા નથી. ધો. 9 અને 11માં સોમવારે મોટાભાગે ઓનલાઈન ક્લાસ જ શરૂ થયા નથી કારણ કે ધો.10ની માર્કશીટના અભાવે ધો.11માં હજુ પ્રવેશ જ નથી થયા.
પ્રાથમિક સહિતના ઘણા વિદ્યાર્થીઓ પાસે હજુ પૂરતા પ્રમાણમાં પુસ્તકો નથી. આવા અનેક કારણોની અસરો પ્રથમ દિવસે જ જોવા
મળી હતી.

હવે શું : ઓનલાઈનમાં તમામ વિદ્યાર્થીને જોડતા એક માસ થશે
હજુ એવી ઘણી શાળાઓ છે જેમાં એકમાંથી બીજી શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ તે વિદ્યાર્થીને ઓનલાઈન ક્લાસના ગ્રૂપમાં જોડ્યો ન હોય, હજુ એડમિશન પ્રક્રિયા પણ ચાલી રહી છે. ધો.10ના પરિણામને લીધે ધો.11માં હજુ ક્લાસ જ શરૂ નથી કર્યા. હજુ ઘણા વાલીઓ બાળકોની સ્કૂલ ફેરબદલ કરી રહ્યા છે. એટલે તમામ શાળામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય, બાળકોનું જે-તે સ્કૂલમાં નામાંકન થાય, ઓનલાઈન ક્લાસના ગ્રૂપમાં જોડાય પછી નિયમિત થઇ શકે જેમાં અંદાજિત એકાદ માસનો સમય લાગશે તેવું નિષ્ણાંતો જણાવે છે.

સર્વે: 96.60% શિક્ષકોને, 92.30% વિદ્યાર્થી-વાલીને ઓનલાઈનથી અસંતોષ
યુનિવર્સિટીના સાઇકોલોજી ડિપાર્ટમેન્ટે કરેલા સર્વેમાં એવું તારણ નીકળ્યું છે કે વિદ્યાર્થીઓને તો ઓનલાઈન શિક્ષણ ગમતું જ નથી પરંતુ શિક્ષકોને પણ ઓનલાઈન ભણાવવા સામે અસંતોષ થાય છે. સર્વેમાં કુલ 1170 શિક્ષકોએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં 55.40% શિક્ષકો શહેરી વિસ્તારનાં અને 44.80% શિક્ષકો ગ્રામ્ય વિસ્તારથી સબંધિત હતા. જેમાં 96.60% શિક્ષકોને ઓનલાઈન શિક્ષણમાં સંતોષ થતો નથી. જ્યારે 92.30% વિદ્યાર્થીઓ અને વાલીઓએ કહ્યું કે મોબાઈલના વપરાશથી બાળકો ઉપર નિષેધક અસર થાય છે. ભણવાને બદલે ગેમ્સ રમે, ગીતો વગાડે, અન્ય પ્રવૃત્તિ કરે છે.

અન્ય સમાચારો પણ છે...