23મી મે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેની વિકાસયાત્રાના 55 વર્ષ પૂર્ણ કરી 56મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ યુનિવર્સિટીના 56મા સ્થાપના દિવસે યોજાનારા કાર્યક્રમોની વિગતો આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં તા. 23ને સોમવારે સવારે 11:30 કલાકે કેમ્પસ સ્થિત સરસ્વતિ મંદિરે પૂજન–અર્ચન કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન 234 કોલેજોના એક સાથે યોગ અંગેના એમ.ઓ.યુ. કરવાનો કાર્યક્રમ સાંજે 6:30 કલાકે કેમ્પસ પ્લાઝા ખાતે આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત ત્યારબાદ જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ, અરવિંદ બારોટ તથા કલાકવૃંદનો લોકસંગીતની સરવાણી કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી (વર્ચ્યુઅલ), ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિશપાલજી રાજપૂત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિઓ ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56મા સ્થાપના દિવસે યોજાનાર આ કાર્યક્રમનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ www.saurashtrauniversity.edu, યુનિવર્સિટીના યુ-ટયૂબ પેઈજ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
2016માં ભકત કવિ નરસિંહ મહેતા જૂનાગઢ યુનિવર્સિટીની સ્થાપના થતા તેના કાર્યક્ષેત્ર હેઠળની ચાર જિલ્લાની 94 જેટલી કોલેજો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાંથી બાદ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલમાં 234 કોલેજો કાર્યરત છે અને 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્નાતક અને અનુસ્નાતકકક્ષાએ અભ્યાસ કરી રહ્યા છે. જેમને રાજ્ય યોગ બોર્ડ સાથે થતાં એમઓયુનો લાભ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.