કાર્યકરોમાં અનેક ચર્ચા:20મીએ પાટીલ રાજકોટ તો આવશે જ પણ ભાજપનું સ્નેહમિલન રદ કર્યું

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 15મીએ યોજાયેલા સ્નેહમિલનમાં સ્ટેજ પર થયેલો વિવાદ કારણભૂત કે અન્ય કોઇ બાબત?, કાર્યકરોમાં અનેક ચર્ચા

રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થયા બાદ તેની રાજકીય અસર રાજકોટમાં સૌથી વધુ જોવા મળી રહી છે, 15મીએ રાજકોટમાં યોજાયેલા ભાજપના સ્નેહમિલનમાં થયેલા વિવાદના પ્રદેશ કક્ષાએ ઘેરા પડઘા પડ્યા છે. 20મીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ રાજકોટ આવવાના છે અને તેમની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકર્તાઓનું સ્નેહમિલન યોજાવાનું હતું, પરંતુ હવે તે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ રાજકોટ તો આવી જ રહ્યા છે પરંતુ શહેર ભાજપ આયોજિત કાર્યક્રમ રદ કરી દેવાતા અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી.

આગામી તા.20ના પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ રાજકોટ આવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ બ્રહ્મસમાજ તેમજ ઉદ્યોગપતિઓના કાર્યક્રમમાં હાજર રહેવાના હતા આ ઉપરાંત પેડક રોડ પરના અટલબિહારી વાજપાયી ઓડિટોરિયમમાં ભાજપના કાર્યકર્તાઓનું સ્નેહમિલન યોજાવાનું હતું.

15મીએ શહેર ભાજપ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓનું સ્નેહમિલન યોજ્યું હતું અને 20મીએ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં મિલન યોજાવાનું હોય કાર્યકર્તાઓમાં કાર્યક્રમને લઇને ભારે ઉત્કંઠા જોવા મળી રહી હતી, ત્યારે અચાનક જ નવી જાહેરાત થઇ હતી કે, પ્રદેશ પ્રમુખ પાટીલ 20મીએ શહેરમાં આવશે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે પરંતુ ભાજપનું સ્નેહમિલન રદ કરવામાં આવ્યું છે. તા.15ને સોમવારે યોજાયેલા શહેર ભાજપના સ્નેહમિલનમાં સ્ટેજ પર થયેલા ડખાની નોંધ ભાજપ હાઈકમાન્ડે લીધી હોય અને તેના કારણે પ્રદેશ પ્રમુખનો કાર્યક્રમ રદ કરાયો હોય તેવી પણ ચર્ચા છે.

સમયના અભાવે સ્નેહમિલન રદ થયું છે: મિરાણી
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખના રાજકોટ આગમનથી તેમના જવા સુધીના સમયમાં અનેક કાર્યક્રમો હોવાથી કાર્યકર્તાઓ સાથેનું સ્નેહમિલન રદ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...