અધિકારીઓનો રોડ-શો:રૈયારોડ પર સવારે દબાણ હટાવાયા, સાંજે ફરી ખડકાયા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સવારે - Divya Bhaskar
સવારે
  • બુલડોઝર અને વાહનોનો કાફલા સાથે દબાણ હટાવ શાખા, ફૂડશાખા, બાંધકામ અને વેરા વસૂલાત શાખાના અધિકારીઓનો રોડ-શો
  • વન વીક વન રોડની ઝુંબેશ શરૂ કરી પણ દબાણ ક્યારે થાય છે તે સમજ્યા વગર આડેધડ તૂટી પડ્યા, આંકડાઓ બતાવી સંતોષ માન્યો
  • બપોર અને રાત્રે બન્ને સમયે​​​​​​​ ચેકિંગ થાય તો જ રાજમાર્ગો સહિત રોડ પરથી દબાણો કાયમી હટે

રાજકોટ મહાનગરપાલિકાએ દબાણ હટાવની મહાઝુંબેશ શરૂ કરી છે જેમાં પ્રથમ દિવસે રૈયા રોડ ટાર્ગેટ કરાયો હતો. આ ઝુંબેશને કારણે શહેરીજનોને દબાણવાળા રોડ પરથી મુક્તિ મળે અને ટ્રાફિકમાં સુગમતા રહે તે મુખ્ય આશય છે પણ મનપાએ તેને તાયફા અને રોડ શોની તક માની લીધી હતી જેથી કામગીરી તો થઈ પણ ફરી દબાણ થતા પરિણામ ન મળ્યું. કારણ કે, આ માર્ગ પર સાંજના સમયે રેંકડી અને પાથરણાનું દબાણ, ચાના થડા હોય છે પણ મનપા સવારે ગઈ ત્યારે માત્ર કેબિનોના દબાણ જ દૂર થઈ શક્યા હતા.

સાંજે
સાંજે

સવારે મનપાની ટીમ વાહનોના કાફલા અને અલગ અલગ શાખાઓ સાથે રોડ પર તૂટી પડી હતી. જે લોકોએ માર્જિનમાં પતરાંની કેબિનો બનાવી નાખી, રોડ પર ઓટલા કરીને પતરાં નાખ્યા તે તમામ તોડી પાડ્યા હતા આ ઉપરાંત વેરા વસૂલાત શાખાએ પણ આકરી ઉઘરાણી કરી હતી.

બપોર થતાં જ રોડ પર કાર્યવાહી પૂરી કરી સૌ અધિકારીઓ પોત પોતાના કામે વળગ્યા હતા પણ સાંજ થતાં જ રોડ પર બહુ મોટો ફરક ન દેખાયો કારણ કે, જે લોકો દબાણ કરે છે તે બધાએ સાંજે પોતાની લારીઓ અને પાથરણા રોડ પર જ રાખી દીધા હતા અને દુકાનદારોએ ફૂટપાથ પર ફરી પોતાનો સામાન રાખી ત્યાં હલનચલન બંધ કરી દીધી તેથી લોકોએ રોડ પર ચાલવું પડ્યું તેથી માર્ગ વધુ દબાઈ ગયો. જો આ રીતની જ ઝુંબેશ કરવાની હોય તો તેનાથી કોઇ ફરક પડવાનો નથી માત્ર આંકડા બતાવી અધિકારીઓનું ફોટોસેશન ન જ થશે.

નોનવેજ નહિ બધા દબાણ દૂર કરવાનું કહ્યું છે : સ્ટે. ચેરમેન
જાહેર માર્ગ પર ઈંડાં અને નોનવેજની લારીઓ ન હોવાની તેવી ઝુંબેશની શરૂઆત સૌથી પહેલા રાજકોટ શહેરથી થઈ હતી. મેયર પ્રદીપ ડવે સ્પષ્ટ જણાવ્યું હતું કે, રોડ પર નોનવેજની લારીઓ રહેવા દેશે નહિ ત્યારબાદ આ ઝુંબેશ રાજ્યભરના ઘણા શહેરોમાં ચાલી. હવે જાણે આ ઝુંબેશ ફક્ત ઈંડાં માટે ન હોવાની વાત પર ઉચ્ચ કક્ષાએથી આવી છે તેને લઈને રાજકોટમાં પણ પદાધિકારીઓના તેવર બદલાયા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલને નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે પ્રશ્ન કરાતા તેઓએ કહ્યું હતું કે, ‘આ ઝુંબેશ ફક્ત ઈંડાં અને નોનવેજની લારીઓ હટાવવાની નથી, બધા દબાણો દૂર કરવાનું કહ્યું છે.’

કોર્પોરેટરને પણ સંકલનમાં રાખવા શુક્લની માંગ
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા બોડીની સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં દબાણ હટાવવા મુદ્દે ચર્ચા થતા કોર્પોરેટર નેહલ શુક્લએ દબાણ હટાવવામાં સ્થાનિક કોર્પોરેટરને વિશ્વાસમાં ન લેવાતા હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું દબાણ હટાવ્યા બાદ રજૂઆતો કોર્પોરેટર પાસે આવે છે અને તેમને તો આ હકીકતની પણ ખબર હોતી નથી.

આ કામગીરી કરી | ટી.પી. શાખાએ યોગેશ ગોસ્વામી (અપૂર્વ કોમ્પ્લેક્સ), જયેશ આહીર (જલારામ ઢોસા), અંજલી શૂઝ, ચામુંડા ટી સ્ટોલ, રાધે પાન કે જેઓએ સાઈડ માર્જિનમાં પતરાંની કેબિનનું તેમજ માર્જિનમાં પતરાંનું દબાણ કર્યું હતું તે દૂર કરાયું છે.

વેરા વસૂલાત શાખાએ સાકેત પ્લાઝા, કિંગ પ્લાઝા, ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ, વગેરેમાંથી કુલ 35 મિલકત પાસેથી 6.85 લાખ રૂપિયા, અંબિકા કોમ્પ્લેક્સ, ટ્રિનિટી ટાવર, નક્ષત્ર-7 માંથી કુલ 12 મિલકત પાસેથી 1.36 લાખ અન્ય 6 આસામીઓ પાસેથી 31000, કાકા કોમ્પ્લેક્સ, પ્રણવ કોમ્પ્લેક્સ, હનુમાનમઢી ચોક, તિરુપતિનગર અને જીવનનગર વિસ્તારની મિલકતોમાંથી રૂ.8.17 લાખ તેમજ વોર્ડ નં. 1માં આવતી રૈયા રોડની અન્ય 5 મિલકત સહિત 71 આસામી પાસેથી 16.80 લાખની વસૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...