તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખગોળીય ઘટના:13 જુલાઈએ શુક્ર અને મંગળ ગ્રહો એકબીજાની એકદમ નજીક હોવાનો અવકાશી નજારો દેખાશે

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ દિવસે બંને ગ્રહ વચ્ચેનું અંતર 0.5 અંશ કરતા પણ ઓછું હશે: શુક્ર અને મંગળની આ યુતિ સિંહ રાશિમાં થશે

આગામી તારીખ 13 જુલાઈના રોજ લોકો શુક્ર અને મંગળ ગ્રહ બંને એકબીજાની એકદમ નજીક હોવાનો અવકાશી નજરો નિહાળી શકાશે. અવકાશ વિજ્ઞાનના નિષ્ણાતો જણાવે છે કે, આ દિવસ બંને ગ્રહોનું અંતર માત્ર 0.5 અંશ કરતા પણ ઓછું હશે. શુક્ર અને મંગળની આ યુતિ સિંહ રાશિમાં થશે. હાલમાં તો શુક્ર અને મંગળ બંને કર્ક રાશિમાં છે.

મંગળ સુર્યની વધુને વધુ નીચે ખસશે
રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર નિલેશભાઈ રાણા જણાવે છે કે, મંગળ 10 જુલાઈના રોજ અને શુક્ર 12 જુલાઈના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. દરરોજ શુક્ર સૂર્યથી દૂર જતો તેમજ પશ્ચિમ આકાશમાં ઊંચે ચડતો જશે અને મંગળ વધુને વધુ નીચે સૂર્ય તરફ ખસતો દેખાશે. 11થી 14 જુલાઈ દરમિયાન આ જોડી સાથે પાતળો ચંદ્ર પણ જોડાશે અને દૃશ્યને વધુ મનમોહક બનાવશે. હાલમાં મંગળ તેની ભ્રમણકક્ષામાં પૃથ્વીથી પાછળ પડી રહ્યો હોવાથી તેની અને પૃથ્વી વચ્ચે અંતર વધતું જાય છે. આ કારણોસર તે વધુ અને વધુ ઝાંખો થતો જશે અને ઓગસ્ટ મહિના બાદ સાંજના આકાશમાં હોવા છતાં સૂર્યાસ્ત સમયે જે અજવાળું હોય છે તેમાં વિલીન થઇ જશે.

શુક્ર-મંગળ એકબીજાને અડતા હોવાનો ભાસ થશે
સામી બાજુએ શુક્ર આખા 2021 દરમિયાન એટલો જ ઝગમગતો અને તેજસ્વી દેખાશે. આ યુતિ એક નયનરમ્ય ખગોળીય ઘટના માત્ર છે જે છાશવારે બનતી રહે છે.​​​​​​​ આકાશમાં એકબીજાને અડતા દેખાતા મંગળ અને શુક્ર હકીકતમાં એક બીજાથી કરોડો કિલોમીટર દૂર હોવાના અને માત્ર આપણા એટલે કે પૃથ્વી પરના પરિપેક્ષથી એકબીજાને સ્પર્શ કરતા દેખાશે અથવા એવું કહી શકીએ કે સ્પર્શ કરતા હોય તેવો આભાસ ઉત્પન્ન કરશે. 13 જુલાઈના રોજ મંગળ પૃથ્વીથી 37 કરોડ કિલોમીટર અને શુક્ર 21 કરોડ કિલોમીટરના અંતરે હશે. આ ઘટના માત્ર આભાસી હોવાથી તેની મનુષ્ય કે પશુ કે પૃથ્વીની કોઈ પણ વસ્તુ પર સારી ખરાબ અસર થવાની નથી અને આમ પણ ક્યારેય થતી પણ નથી.

અન્ય સમાચારો પણ છે...