પૂરજોશમાં કામગીરી:રાજકોટના હાર્દસમા હોસ્પિટલ ચોક બ્રિજનું કામ 55% પૂર્ણ, 84 કરોડના પ્રોજેકટ માટે ડે-નાઇટ કામ ચાલુ, પેટ્રોલ પંપ શિફ્ટીંગનો પ્રશ્ન હજુ અણઉકેલ

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુલાઇ-2022માં લોકાર્પણ કરાશે, અન્ય 8 પુલનું કામ વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્ણ કરવા ટાર્ગેટ
  • તમામ બ્રિજ બનતા દોઢ વર્ષ જેટલો સમય લાગવાથી લોકો હાલ હેરાન-પરેશાન

મહાનગરપાલિકા દ્વારા રાજકોટમાં પાંચ બ્રિજના કામ ચાલી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ ચોકના બ્રિજના કામનો કમિશનર સતત રીવ્યુ કરી રહ્યા છે. આ કામ અન્ય બ્રિજ કરતા પણ પ્રાથમિકતામાં આગળ રાખીને દિવસ-રાત કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ 55 ટકા જેટલું કામ પૂર્ણ થયાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ બ્રિજ પાછળ 84 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સિવિલ ચોક ખાતે આવેલા પેટ્રોલ પંપના શિફ્ટીંગનો પ્રશ્ન હજુ અણઉકેલ છે.

ચોમાસામાં થોડા વિલંબ બાદ આ બ્રિજનું કામ પૂરજોશમાં
હોસ્પિટલ ચોકનો રસ્તો જામનગર રોડ, રાજકોટ શહેર અને અમદાવાદ હાઇવેને જોડતો માર્ગ છે. આ રસ્તા પર લાઇટ અને હેવી વ્હિકલની ખૂબ અવરજવર હોય છે. આથી જ કેસરી પુલથી આઇપી મીશન સ્કૂલ આગળનો રસ્તો બંધ કરવામાં આવતા હાઇવેનો મોટો ટ્રાફિક ડિસ્ટર્બ થઇ ગયો છે. જામનગર રોડ અને જ્યુબેલી રોડ તરફ આવવા જવા માટે પણ વાહન ચાલકોએ ચક્કર લગાવવા પડે છે. ચોમાસામાં થોડા વિલંબ બાદ આ બ્રિજનું કામ હાલ આયોજનપૂર્વક ચાલી રહ્યું છે.

ચોકની ત્રણે તરફનો ટ્રાફિક અન્યત્ર ડાયવર્ટ કરાયો છે
આ જોતા આગામી જુલાઇ મહિનામાં એટલે કે તા.19-7-22 આસપાસ આ થ્રી આર્મ બ્રિજ તૈયાર થઇ જશે તેવો કમિશનરે સત્તાવાર જવાબ જનરલ બોર્ડમાં આપ્યો હતો. તા.4-10-18ના રોજ આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. પ્રથમ વખતના ટેન્ડર ફેઇલ જતા વધુ પ્રયત્નો બાદ ઓન સાથે આ કામ 84 કરોડમાં આપવામાં આવ્યું છે. સરકારી મિલકતો અને હોટલ જેવી કપાતોમાં લાંબો સમય ગયો હતો. ભૂગર્ભ લાઇનો ફેરવવામાં પણ મોટી કસરત થઇ હતી. હવે પેટ્રોલ પંપના સ્થળાંતરનો પ્રશ્ન બાકી રહ્યો છે. કપાત બદલાના વિકલ્પ સહિતનો પ્રશ્ન તુરંતમાં ઉકેલાય તેવી તંત્રને આશા છે. પરંતુ હાલ તો ચોકની ત્રણે તરફનો ટ્રાફિક અન્યત્ર ડાયવર્ટ થયો હોય, હજુ એકાદ વર્ષ ટ્રાફિકની અંધાધુંધી થવાની છે તે હકીકત છે.

મનપા કમિશનર ખુદ સ્થળ વિઝીટ લઇ નિરીક્ષણ કરી રહ્યાં છે.
મનપા કમિશનર ખુદ સ્થળ વિઝીટ લઇ નિરીક્ષણ કરી રહ્યાં છે.

આ બ્રિજ બનતા જ રાજકોટનો મોટો ટ્રાફિક પ્રશ્ન હલ થશે
હાલ જવાહર રોડ સાઇટ તરફ સ્લેબ લેવલ, જામનગર રોડ તરફ પીયર કેપ લેવલ, અમદાવાદ રોડ તરફ ફાઉન્ડેશન પીયર લેવલનું કામ આગળ વધ્યું છે. કામની ગતિ હાલ આયોજનપૂર્વકની છે. આથી આવતા વર્ષે જુલાઇમાં આ બ્રિજ ખુલ્લો મૂકી શકાશે. કુલ ત્રણેક વર્ષની યાતના બાદ આ બ્રિજનું લોકાર્પણ થાય એટલે રાજકોટનો મોટો ટ્રાફિક પ્રશ્ન હલ કરવાનો વધુ એક જશ યોજનાનું ભૂમિપૂજન કરનાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળશે તે નક્કી છે.

હાલ રાત-દિવસ કામ ચાલી રહ્યું છે.
હાલ રાત-દિવસ કામ ચાલી રહ્યું છે.

બ્રિજના હવાલે મૂકવામાં આવેલા ડે. ઇજનેરની બદલી
મહાનગરપાલિકા નિર્મિત હોસ્પિટલ ચોક બ્રિજના હવાલે મૂકવામાં આવેલા ડે. ઇજનેરની બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ તુરંત નવા અધિકારીને ચાર્જ આપવામાં આવશે. આ બ્રિજનું કામ ઝડપથી પુરૂ કરવા કમિશનર સુપરવિઝન કરે છે. થોડા સમય અગાઉ તેઓએ બ્રિજ સાઇટ પર પણ સીસીટીવી કેમેરા મૂકવા સૂચના આપી હતી. જોકે તેના બદલે બ્રિજ સેલના અધિકારીઓ ખુદ સાઇટ પર સતત હાજર રહે છે અને દિવસ-રાત કામ ચાલી રહ્યું છે. તે દરમિયાન વોર્ડના ડેપ્યુટીની જવાબદારી પણ નિભાવતા અધિકારીને બ્રિજના કામમાંથી મુક્ત કરાયા છે. હવે અન્ય બ્રિજના હવાલે રહેલા અધિકારીને ચાર્જ સોંપવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...