ગુજરાત વિધાનસભાની બહુચર્ચિત બેઠક ગોંડલ પર રીબડા જૂથ અને ગોંડલ જૂથના બન્ને બળિયા આગેવાનો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ચૂંટણીના પરિણામ સાથે અંત આવ્યો છે. ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજાની કુલ 86,062 મતની સાથે જીત થઈ છે બીજી તરફ રીબડા જૂથ કોંગ્રેસના ઉમેદવાર યતિશ દેસાઈના સમર્થનમાં છે. ત્યારે ગોંડલમાં ગીતાબાને જંગી લીડ મળતા તેમના પતિ અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રીબડા જૂથ પર પ્રહાર કરતા કહ્યું હતું કે,'રીબડા પટ્ટો અમારો છે એવું કહેનારના દસ્તાવેજો રદ્દ થઈ ગયા છે'
ક્યારેય કોઈનો વિસ્તાર હોતો જ નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ક્યારેય કોઈનો વિસ્તાર હોતો જ નથી કોઈ વ્યક્તિનું કાંઈ હોતું જ નથી. છતાં લોકોએ સભાએ કરી,સરઘસ કર્યા અને પરિણામ શું આવ્યું એ તો સૌએ નિહાળ્યું. આજે જનતાની અદાલતમાં ચુકાદો જાહેર થયો છે અને જનતાએ ભાજપના ઉમેદવારને 43000 હજારની જંગી બહુમતીથી લીડ આપી છે. અને તેમાં જનતાએ પોતાનો ચુકાદો જાહેર કરી દીધો છે.
કેમ દુશ્મન બન્યા જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ?
ભાજપનો ગઢ અને હંમેશાં શાંત ગણાતી ગોંડલ બેઠક પર આ વખતે જ્વાળામુખી ફાટ્યા જેવી સ્થિતિ છે. આનું કારણ એક સમયના પાક્કા મિત્રો જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચેનો ચરમસીમાએ પહોંચેલો જૂથવાદ છે. બંને જૂથ પોતાને ટિકિટ મળે એ માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. થોડા સમય પહેલાં ગોંડલના મોવિયા ગામમાં જયરાજસિંહે એક કડવા પાટીદાર સમાજની સભાને સંબોધન કરી હતી, જેમાં અનિરુદ્ધસિંહ સામે આકરા પ્રહારો કર્યા હતા. જયરાજસિંહે માર્કેટિંગ યાર્ડમાં સુરક્ષાની ખાતરી આપીને રીબડામાં જમીનોના સોદા બારોબાર થતા હોવાનો ગંભીર આક્ષેપ અનિરુદ્ધસિંહ પર કર્યો હતો. જોકે ભાજપ મોવડી મંડળે અંતે જયરાજસિંહના પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી.
જયંતી ઢોલે કહ્યું હતું- આપતાઘ કરી લઈશ
જયરાજસિંહે લગાવેલા આક્ષેપોના થોડાક દિવસ બાદ રીબડા જૂથના ભાજપના સહકારી આગેવાન જયંતી ઢોલે મીડિયાને જણાવ્યું હતું કે 'જયરાજસિંહ પરિવાર સિવાય કોઈ ચૂંટણી લડશે તો હું જિતાડી દઈશ અને જિતાડી ન શકું તો અંબાજી મંદિરે આપઘાત કરી લઈશ. ગોંડલ વિધાનસભા બેઠક પર રીબડા પંથકના મતને કારણે ભાજપને જીત મળે છે, જેથી પાર્ટી આ બાબતે વિચાર કરે એ જરૂરી છે. હું છેલ્લાં 40 વર્ષથી ભાજપ માટે કામ કરું છું. જ્યાં ભાજપને પોતાના ગામમાં કોઈ ઘૂસવા નહોતું દેતું ત્યાં જઈને મેં ભાજપનો પ્રચાર-પ્રસાર કર્યો છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણી વખતે પણ મેં જયરાજસિંહની જીત માટે મતની ભીખ માગી હતી છતાં તેમણે એ વાતને યાદ ન રાખી એટલે જ હવે હું મીડિયાની સાક્ષીમાં કહું છું કે જો હું ઉમેદવારને જિતાડું નહીં શકું તો માંડવી ચોકમાં આવેલા માતાજીના મંદિરે અંતિમ પગલું ભરી લઈશ.'
ચૂંટણીબજાર દિવસભર ગરમ રહ્યું
નોંધનીય છે કે મતદાન સમયે જયરાજસિંહ જૂથ તથા રીબડા જૂથ બેથી ત્રણ સ્થળે આમને સામને થઈ જતા ચકમક ઝરી હતી. બીજી બાજુ બન્ને જૂથ વચ્ચે માથાકૂટો થયાની વાતને લઈ ચૂંટણીબજાર દિવસભર ગરમ રહ્યું હોય ગોંડલ પંથક માટે ચૂંટણીનો દિવસ ઉત્તેજનાપૂર્ણ રહ્યો હતો. ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જ્યાં મતદાન બુથ નજીક બન્ને જૂથ વચ્ચે શાબ્દિક બબાલ સર્જાઈ હતી તેવા દાળિયા ગામમા 73.36% જેવું ભારે મતદાન થયું છે. જેમાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ગામ રીબડામાં 62.31% મતદાન નોંધાયું છે. અહીં કુલ 1247 પૈકી 77 મતદારો મતની લીડથી વિજેતા થશે તેવો પ્રતિ દાવો કરાયો છે.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો
જયરાજસિંહ અને અનિરૂદ્ધસિંહની સામસામી ધમકીથી માહોલ ગરમાયો હતો. ત્યારે 28 અર્ધલશ્કરી દળ, 1 SRP કંપની, 3300 પોલીસ તહેનાત કરવામાં આવી હતી. ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરૂદ્ધસિંહે સભા અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એકબીજાને ધમકી આપી હતી. બન્નેએ એકબીજાને ખુલી ચેલેન્જ આપી હતી.
236 પૈકી 71 મતદાન મથક સંવેદનશીલ હતા
ગોંડલ બેઠકના ચૂંટણી અધિકારી કે.વી. બાટીએ જણાવ્યું હતું કે, ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં 236 મતદાન મથક હતા. જેમાં 71 મતદાન મથક અને 39 મતદાન સ્થળ સંવેદનશીલ હતા. તમામ મતદાન મથક પર પ્રિસાઈડિંગ ઓફિસ, પોલિંગ ઓફિસરથી લઈ પ્યૂન સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
બે બળિયાએ એકબીજાને જ ધમકી આપી હતી
ગોંડલ વિધાનસભા બેઠક પર ચૂંટણીની પહેલાં જયરાજસિંહે ભુણાવા ગામમાં ચૂંટણી સભામાં ખુલ્લેઆમ ધમકી આપતા રીબડાના અનિરૂદ્વસિંહે કોંગ્રેસને મત આપીને જયરાજસિંહના શાસનને ખતમ કરવાનું કહેતા ચૂંટણીંમાં મોટી નવા જૂની થવાના એંધાણ હતા.
અમે ડરપોક નથી
ઉલ્લેખનીય છે કે ગોંડલ વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે ભાજપની ટિકિટ મુદ્દે શરૂ થયેલું વૈમનસ્ય ઉમેદવાર જાહેર થઇ ગયા બાદ વધુ ઉગ્ર બન્યું હતું, ત્યારે સોમવારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ચૂંટણી પ્રચારમાં રીબડા જૂથ સામે કરેલા ગંભીર આક્ષેપોનો વળતો જવાબ આપતા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ‘અમે ડરપોક નથી, જયરાજસિંહ કેટલા બહાદૂર છે, 8મી પછી એ કહે ત્યાં હુ જઇશ, પછી ખબર પડી જશે’.
8મીએ ગોંડલમાં ઘરે ઘરે લાપસીના આંધણ મુકાશે
અનિરુદ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પોતે ભાજપ સાથે જોડાયેલા છે, નરેન્દ્રભાઇ મોદી અને અમિત શાહનો તેમના પર અને તેમના પરિવાર પર ઉપકાર છે, પરંતુ ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને તેનો પુત્ર ગુંડાગીરી કરીને લોકોને હેરાન કરી રહ્યા છે એટલે ગોંડલ પૂરતો તેઓ કોંગ્રેસને સાથ આપી રહ્યાં છે. અનિરુદ્ધસિંહે કહ્યું હતું કે, ટિકિટની વાત પૂરી થયા બાદ મામલો પૂરો થઇ ગયો હતો, પરંતુ જયરાજસિંહ જાડેજા દરેક સભામાં જઇને રીબડા પરિવારને વગોવી રહ્યા છે, હવે આ સ્વમાનની વાત છે, તેમના પિતા મહિપતસિંહ જાડેજા 90 વર્ષની વયના છે છતાં જયરાજસિંહ તુંકારો કરી અપમાન કરે છે, જયરાજસિંહને હરાવશું અને 8મીએ ગોંડલમાં ઘરે ઘરે લાપસીના આંધણ મુકાશે. ત્યારે હવે જોવાનું રહેશે કે રીબડા જૂથ ગીતાબાની જીત પર શું પ્રતિક્રિયા આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.