શિક્ષણ બોર્ડે પરિપત્ર:27મીએ PMની પરીક્ષા પે ચર્ચા, ધો.9થી 12ના દોઢ લાખ વિદ્યાર્થીની પરીક્ષા 28મીથી લેવાશે

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ બોર્ડે પરિપત્ર કરી શાળાકીય પરીક્ષા એક દિવસ મોડી શરૂ કરવા જણાવ્યું

આગામી તારીખ 27મી જાન્યુઆરીએ દેશના વડાપ્રધાનનો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે ‘પરીક્ષા પે ચર્ચા-2023’ કાર્યક્રમ હોવાથી રાજકોટ સહિત રાજ્યભરના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની શાળાકીય દ્વિતીય પરીક્ષા 27ને બદલે એક દિવસ મોડી 28મી જાન્યુઆરીથી લેવાશે. અગાઉ નક્કી કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે 27મીથી પ્રિલિમનરી પરીક્ષા શરૂ થવાની હતી જે હવે 28મી જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન લેવાશે. રાજકોટ જિલ્લામાં ધોરણ 9થી 12માં કુલ અંદાજિત દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓને અસર થશે જેમની પરીક્ષા એક દિવસ મોડી શરૂ થશે.

શિક્ષણ બોર્ડે જાહેર કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, 27મી જાન્યુઆરી-2023ના રોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે ‘પરીક્ષા પે ચર્ચા-2023’ની આવૃત્તિ માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરશે અને લગભગ 1200 વિદ્યાર્થી તેમાં ભાગ લેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શાળાકીય કેલેન્ડર 2022-23 મુજબ ધોરણ 9થી 12ની શાળાકીય પ્રિલિમ/દ્વિતીય પરીક્ષા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી લેવાનાર હતી, પરંતુ 27મીએ વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી આ પરીક્ષાનું આયોજન 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન કરવા ધોરણ 9થી 12ની શાળાઓના આચાર્યોને સૂચના આપી દેવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા સત્રના પ્રારંભે જાહેર કરેલા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓની દ્વિતીય પરીક્ષા 27મી જાન્યુઆરીથી લેવાનું આયોજન કરાયું હતું. પરંતુ 27મીએ વડાપ્રધાન દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સંબોધન કરવાના હોય રાજકોટ સહિત રાજ્યભરની શાળાઓની 27મીથી શરૂ થનારી પરીક્ષા એક દિવસ મોડી શરૂ કરવા પરિપત્ર કરાયો છે. ધોરણ-6 થી ઉપરના વિદ્યાર્થીઓને વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સામેલ કરવા આચાર્યોને જણાવાયું છે.

જે સ્કૂલમાં ટીવી ન હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે
27મીએ વડાપ્રધાનના ‘પરીક્ષા પે ચર્ચા-2023’ કાર્યક્રમનું ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ, ડીડી ઇન્ડિયા ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત ઓલ ઇન્ડિયા રેડિયો સહિતની રેડિયો ચેનલમાં પણ લાઈવ સ્ટ્રિમિંગ કરાશે. આ કાર્યક્રમ ધોરણ 6થી ઉપરના વર્ગના તમામ વિદ્યાર્થીઓ જોઈ શકે તે પ્રકારની શાળામાં વ્યવસ્થા કરાશે. મોટાભાગની શાળાઓ ટીવીથી સજ્જ છે અને ઇલેક્ટ્રિક કનેક્શન ધરાવે છે. જો આમાંથી કોઈપણ સુવિધા શાળામાં ઉપલબ્ધ ન હોય તો વિદ્યાર્થીઓને તે દિવસે વડાપ્રધાનનું જીવંત સંબોધન નિહાળી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...