કોરોના રાજકોટ LIVE:શહેરમાં આજે નવા 5 અને ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા, સરસ્વતી શિશુ મંદિરનો વિદ્યાર્થી અને ધોરાજીની એમ.એમ. સ્કૂલના શિક્ષક કોરોના સંક્રમિત

રાજકોટએક મહિનો પહેલા
ધોરાજીની એમ.એમ. સ્કૂલના 57 વર્ષીય શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
  • છેલ્લા એક સપ્તાહમાં 5 વિદ્યાર્થી અને 2 શિક્ષક થયા કોરોના પોઝિટિવ, ત્રીજી લહેરની દસ્તક કે જાગૃતિનો અભાવ
  • તાન્ઝાનિયાથી અભ્યાસ અર્થે આવેલ ઓમિક્રોન પોઝિટિવ વિદ્યાર્થીએ વેક્સિનનો એક પણ ડોઝ નથી લીધો

રાજકોટ શહેરમાં આજે નવા 5 કોરોનાના કેસ નોંધાયા છે. આથી કુલ કેસની સંખ્યા 42944 પર પહોંચી છે. તેમજ એક્ટિવ કેસની સંખ્યા 55 થઇ છે. આજે એક પણ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો નથી. રાજકોટમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે અને હવે તો બાળકો અને શિક્ષકોમાં કોરોના ફેલાઈ રહ્યો છે. ત્યારે આજે શહેરની સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં ધો.2 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અને ધોરાજીની મુસ્લિમ મીડલ સ્કુલના શિક્ષક સંક્રમિત થતા ફફડાટ ફેલાયો છે. ગ્રામ્યમાં પણ આજે 4 નવા કેસ નોંધાયા છે. જેમાં ગોંડલ શહેરમાંથી 28 વર્ષીય યુવાન, ગોંડલના ગુંદાસરા ગામમાંથી 69 વર્ષીય વૃદ્ધા, ધોરાજી શહેરમાંથી 57 વર્ષીય પુરૂષ અને ઉપલેટા શહેરમાંથી 15 વર્ષીય તરૂણ કોરોના સંક્રમિત થયા છે. ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા 14952 પર પહોંચી છે.

ધોરાજીની એમ.એમ. સ્કૂલના શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ધોરાજીની એમ.એમ.સ્કૂલના 57 વર્ષીય શિક્ષક કોરોના સંક્રમિત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ અંગે ધોરાજીના આરોગ્ય અધિકારી ડો.વાછાણીએ જણાવ્યું હતું કે, ધોરાજી એમ.એમ. સ્કૂલના 57 વર્ષીય શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. કોવિડ રિપોટ પોઝિટિવ આવતાં સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરાયા છે. હાલ અઠવાડિયા સુધી સ્કૂલ બંધ રખાઈ છે. લોકો કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરે તેવી અપીલ છે . સ્કૂલના સંચાલક ઝાહિદ ખાને જણાવ્યું હતું કે, શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઓફલાઇન શિક્ષણ કાર્ય બંધ કર દેવાયું છે. એક અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે.

ધોરાજીની એમ.એમ. સ્કૂલના સંચાલક ઝાહિદખાન.
ધોરાજીની એમ.એમ. સ્કૂલના સંચાલક ઝાહિદખાન.

હવે 15 દિવસ મહત્વના, ટેસ્ટિંગ વધારી સંક્રમણ અટકાવવું પડશે: સ્ટેન્ડિંગ ચેરમેન
સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, હવે 15 દિવસ મહત્વના છે આથી ટેસ્ટિંગ વધારી કોરોનાનું સંક્રમણ અટકાવવું પડશે. બસ પોર્ટ, રેલવે સ્ટેશન સહિત જાહેર સ્થળે મેડિકલ સ્ક્રિનિંગ માટે વધુ સ્ટાફ મુકાશે. હાલમાં દરરોજ 1500 ટેસ્ટિંગ સામે રોજ સરેરાશ પાંચથી વધુ કેસ નોંધાય છે. ગઇકાલે વધુ ત્રણ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 50 પર પહોંચી છે. શહેરમાં 28 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન કાર્યરત છે. આરોગ્ય અધિકારીને વિવિધ સુચનો કરવામાં આવ્યા છે. શહેરમાં હવે કોરોનાનો ખતરો વધવા લાગ્યો છે.

ઓમિક્રોન પોઝિટિવ વિદ્યાર્થીએ વેક્સિનનો એક પણ ડોઝ નથી લીધો
કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી ગઈકાલે રાજકોટ જિલ્લામાં થઈ ગઈ છે. જ્યાં તાન્ઝાનિયાથી રાજકોટ અભ્યાસ અર્થે આવેલા 23 વર્ષીય વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટિવ નોંધાતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે ઓમિક્રોન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીએ વેક્સિનનો એક પણ ડોઝ ન લીધા હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે.

આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતર્ક
રાજકોટમાં ઓમિક્રોનની એન્ટ્રીથી આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતર્ક બની ગયું છે. રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ નજીક આવેલ આર.કે.યુનિવર્સીટીમાં અભ્યસ અર્થે આફ્રિકાના તાનઝાનીયાથી આવેલા વિદ્યાર્થીને બે દિવસ પૂર્વે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તેને ઓમિક્રોન વોર્ડમાં ખસેડી સેમ્પલ લઇ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા જેમાં આજે 23 વર્ષીય વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે.

આર.કે.યુનિવર્સીટીની ફાઈલ તસવીર
આર.કે.યુનિવર્સીટીની ફાઈલ તસવીર

15થી 20 દિવસ પૂર્વે નેપાળથી આવેલા
વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થતાની સાથે જ તુરંત વિદ્યાર્થીની હોસ્ટેલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા અન્ય 3 હાય રિસ્ક કે જે પણ આફ્રિકાથી આવ્યા છે તે ઉપરાંત 19 લો રિસ્ક કે જેઓ 15થી 20 દિવસ પૂર્વે નેપાળથી આવેલા છે તે અને 99 સેકન્ડરી કોન્ટેકના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જો કે આ તમામ ના રિપોર્ટ નેગેટિવ જાહેર થયા છે. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થી હોસ્ટેલમાં જે ફ્લોર પર રહેતો હતો તે ફ્લોરને સીલ કરવામાં આવ્યો છે જ્યાં કોઈને પણ આવવા જવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વિદ્યાર્થી ઓમિક્રોન વોર્ડમાં દાખલ છે: કલેકટર
રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે વિદ્યાર્થીને કોરોના માઇનોર સિમ્પ્ટમ્સ જણાઈ આવતા તેને ઓમિક્રોન વોર્ડમાં ખસેડી સેમ્પલ કલેક્ટ કરી ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું જે પોઝિટિવ જાહેર થયેલ છે. હાલ વિદ્યાર્થી ઓમિક્રોન વોર્ડમાં દાખલ છે અને તે એ સિમટેમિક છે અને સિવિલ હોસ્પિટલ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે.

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની ફાઈલ તસવીર
જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની ફાઈલ તસવીર

અન્ય 2 વિદ્યાર્થી પણ આફ્રિકાથી આવેલા છે
જયારે આર.કે.યુનિવર્સીટીના રજિસ્ટ્રાર એન.એસ.રામાણીએ જણાવ્યું હતું કે , વિદ્યાર્થી જયારે રાજકોટ આવ્યો ત્યારે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જો કે બે દિવસ પૂર્વે તેને કોરોના ના સામાન્ય લક્ષણ જણાય આવતા યુનિવર્સીટી દ્વારા કોવિડ ટેસ્ટ કરાવતા શંકાસ્પદ જણાય આવતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે અન્ય 2 વિદ્યાર્થી પણ આફ્રિકાથી આવેલા છે જેના કોરોના રિપોર્ટ નેગેટિવ આવેલ છે અને નેપાળથી આવેલા 19 વિદ્યાર્થીના પણ સેમ્પલ નેગેટિવ જાહેર થયા છે. આજથી 14 દિવસ માટે હોસ્ટેલમાં પોઝિટિવ જાહેર થયેલ વિદ્યાર્થીના ફ્લોર ને સીલ કરી દેવામાં આવ્યો છે. અને તકેદારી ના ભાગરૂપે પગલાં કોલેજ દ્વારા પણ લેવામાં આવી રહ્યા છે.