પુત્રી પર હેવાનિયત આચરી:ગોંડલમાં 14 વર્ષની સગીરા પર સાવકા પિતાએ એક વર્ષ સુધી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • માતાએ બીજા લગ્ન કરતા સગીરા આરોપી પિતા સાથે જ રહેતી હતી
  • માતા મજૂરી કામ માટે બહાર જાય ત્યારે સાવકો પિતા દુષ્કર્મ આચરતો

ગોંડલ શહેરમાં રહેતી 14 વર્ષની સગીર પુત્રીને તેના જ સાવકા પિતાએ માતાને મારી નાખવાની ધમકી આપી એક વર્ષ સુધી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. આ કેસમાં આરોપી લાલજી ઉર્ફે લાલો લીંબાભાઇ ગોહેલને 10 વર્ષની કેદની સજા ગોંડલ સેશન્સ કોર્ટે ફટકારી છે. આ અંગે સગીરાની માતાએ જ તેના બીજા પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ધરપકડ કરી હતી. આજે આ કેસ ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.

ઘરના સભ્યો સૂઇ જાય ત્યારે પણ પુત્રી પર દુષ્કર્મ ગુજારતો
ફરિયાદીના પહેલા લગ્નથી એક પુત્રી છે. ફરિયાદીએ પુત્રી સાથે રાખવાની શરત સાથે લાલજી સાથે બીજા લગ્ન કર્યા હતા અને ગોંડલ શહેરમાં રહેતા હતા. ત્યારબાદ લાલજીની પોતાની સાવકી દીકરી ઉપર દાનત બગડી હતી. જ્યારે પણ ફરિયાદી ગોડાઉન સાફ કરવા કે લાકડા કાપવાની મજૂરી કરવા બહાર જતા ત્યારે અને ઘરના બધા જ સભ્યો સૂઇ જાય ત્યારે લાલજી તેની સાવકી પુત્રી સાથે તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી બદકામ કરતો હતો. એક વર્ષ સુધી સાવકા પિતાએ દીકરી પર અવારનવાર બળજબરીપૂર્વક અત્યાચાર ગુજારી દુષ્કર્મ આચરતો હતો.

સગીરાની માતાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી (ફાઈલ તસવીર).
સગીરાની માતાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી (ફાઈલ તસવીર).

સગીરાને ઊલ્ટી થતા મેડિકલ ચેકઅપ કરાવ્યું અને ભાંડો ફૂટ્યો
એક વખત ભોગ બનનાર સગીરાને ઊલ્ટી થતા અને પેટમાં દુઃખાવો થતા તેની માતાએ તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જેમાં તબીબોએ સગીરા ગર્ભવતી હોવાનું કહેતા માતા ચોંકી ઉઠી હતી. આ અંગે માતાએ પુત્રીને પૂછતા સગીરાએ પોતાના સાવકા પિતા લાલજીએ જ અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપી બદકામ કરતો હોવાનું જણાવ્યું હતું. આથી માતાએ ગોંડલ સિટી પોલીસમાં પોતાના પતિ લાલજી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આરોપી લાલજી સામે કલમ 376, 506 (2) તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબનો ગુનો દાખલ કર્યો હતો.
બાદમાં ગોંડલ પોલીસે લાલજીની ધરપકડ કરી હતી.

લાલજી સામે ગંભીર ગુનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી
બાદમાં આરોપી લાલજી સામે ગંભીર ગુનાની ચાર્જશીટ કરવામાં આવી હતી. આ કેસ ગોંડલની પોક્સો અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ત્યારબાદ સરકાર તરફથી કુલ 7 સાહેદો તપાસવામાં આવ્યા હતા. પોક્સો અદાલત મુખ્યતવે ભોગ બનનારની જુબાની, ફરિયાદી તથા ડોક્ટરની જુબાની તેમજ તપાસ કરનારે પોલીસ ઈન્સપેક્ટર જયપાલસિંહ યવંતસિંહ જાડજાની જુબાનીને પુરાવામાં ગ્રાહ્ય રાખી હતી.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

સરકારી વકીલની દલિલોના આધારે કોર્ટે સજા ફટકારી
સરકારી વકીલે પોતાની દલિલોમાં અદાલત સમક્ષ મુખ્ય રજુઆત કરી હતી કે, સમાજમાં પિતાતુલ્ય અને વડીલ તરીકેની મોભી વ્યક્તિ જો આવું કૃત્ય આચરે તો પ્રર્વતમાન ભારતીય સમાજના માનસ પર વિપરીત અસર પડી શકે અને સમગ્ર રાજ્યમાં સ્ત્રીઓની તેમજ સગીરવયની બાળકીઓની સલામતી જોખમમાં મુકાય. આ દલિલોના આધારે પોક્સો અદાલતે લાલજીને કલમ 376, 506 (2) તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબના ગંભીર ગુનામાં તકસીરવાન ઠરાવી નામદાર પોક્સો જજ વી.કે. પાઠકે 10 વર્ષની સખત કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો.