એક્સક્લૂઝિવ:રાજકોટમાં 32 વર્ષ જૂની પવનપુત્ર ગરબીમાં આ વર્ષે કોરોનાની વરસી વાળતો સરપ્રાઇઝ રાસ આકર્ષણ જમાવશે, બાળાઓની તડામાર તૈયારી

રાજકોટ12 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • ટિપ્પણી રાસ, ગાગર મેડલી, મેળો, મોતી વેરાણા ચોકમાં સહિતના રાસ આકર્ષણનું કેન્દ્ર બનશે
  • શહેરમાં 550 ગરબીમાં 10,000 બાળાઓ ભાગ લઇ ગરબે રમી માતાજીની આરાધના કરશે

માતાજીની આરાધના અને શક્તિનો મહાપર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિના પર્વને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે ઠેર ઠેર શેરી ગરબાના આયોજકો અને નાની બાળાઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 32 વર્ષથી રાજકોટમાં શેરી ગરબાનું આયોજન કરતા પવનપુત્ર ચોક ગરબી મંડળ દ્વારા આ વર્ષે ખાસ કોરોનાની વરસી વાળતો સરપ્રાઇઝ રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રાસ માટે બાળાઓ તડામાર તૈયારી કરી રહી છે.

સોરઠિયાવાડી સર્કલ પાસે પવનપુત્ર ગરબીનું આયોજન
કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ગરબીના આયોજનો ન થઇ શકવાથી આ વર્ષે બાળાઓ અને આયોજકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં જંક્શન પ્લોટની ગરબી, સદર, ગરૂડ ગરબી, કરણપરા ચોકની ગરબી, કિસાનપરા સહિતની ગરબીઓ જાણિતી છે. તેમ સોરઠિયા ચોકમાં પવનપુત્ર ગરબી પણ અત્યંત લોકપ્રિય છે. છેલ્લા 32 વર્ષથી સોરઠીયાવાડી બગીચા પાસે પવનપુત્ર ચોકમાં પવનપુત્ર ગરબીનું આયોજન કરવામાં આવે છે.

બે ગ્રુપમાં રાસ-ગરબા યોજાશે.
બે ગ્રુપમાં રાસ-ગરબા યોજાશે.

બે ગ્રુપમાં બાળાઓ રાસ લેશેઃ આયોજક
પવનપુત્ર ગરબી મંડળના આયોજક રક્ષાબેન બોળીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષ કરતા આ વર્ષે ઓછી દીકરીઓ સાથે પવનપુત્ર ગરબીમાં 13થી 15 વર્ષ સુધીની 27 કિશોરીઓનો સમાવેશ કરી ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બે અલગ અલગ ગ્રુપ પાડવામાં આવ્યા છે. દર વર્ષ કરતા આ વર્ષે નવા રાસ-ગરબાની પ્રસ્તુતિ થનાર છે. ખાસ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કોરોનાની વરસી વાળતો સરપ્રાઇઝ રાસ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

27 બાળાઓ ગરબે ઘુમશે.
27 બાળાઓ ગરબે ઘુમશે.

પવનપુત્ર ગરબી મંડળના આકર્ષક રાસ
વધુમાં જણાવ્યું હતું કે, પવનપુત્ર ગરબી મંડળ 32 વર્ષથી ગરબીનું આયોજન કરી રહ્યું છે જે ખૂબ જ પ્રખ્યાત પણ છે. આ વર્ષે ‘મારી હુંડી સ્વીકારો, મોગલ રાસ, દેશભક્તિ, દીવાની દીવેટે, ચંડમુંડ વધ વગેરે તથા અન્ય આકર્ષણોમાં ટિપ્પણી રાસ, ગાગર મેડલી, મેળો, મોતી વેરાણા ચોકમાં, દાંડીયા રાસ, અંબેમાનું પારેવડું, રંગભીની રાધા, હેલ્લારો, રમો રમો રે.. વગેરે રાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે માટે દીકરીઓ તડામાર પ્રેક્ટિસ કરી માતાજીની આરાધના કરવા આતુરતાથી રાહ જોઇ રહી છે.

મહાદેવને અભિષેક કરતો રાસની પ્રેક્ટિસ.
મહાદેવને અભિષેક કરતો રાસની પ્રેક્ટિસ.

શહેરમાં 550 જેટલી ગરબીનું આયોજન
કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી શેરી ગરબાનું આયોજન કરવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યારે આયોજકો દ્વારા પણ કોવિડ ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવા નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજકોટ શહેરમાં અંદાજીત 550 જેટલી ગરબીમાં 10,000 જેટલી દીકરીઓ ભાગ લઇ ગરબે રમી માતાજીની આરાધના કરશે.

32 વર્ષથી આયોજન કરાઇ છે.
32 વર્ષથી આયોજન કરાઇ છે.

એક દિવસનો ક્ષય હોવાથી આ વર્ષે 8 દિવસની નવરાત્રિ
7 ઓક્ટોબર ગુરુવારના રોજ આસો સુદ એકમથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વખતે આસો સુદ ચોથનો ક્ષય હોવાથી એક નોરતું ઘટશે અને કુલ 8 દિવસ માતાજીના નોરતા ઉજવવામાં આવશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપતા સાથે જ રાજકોટના વિવિધ વિસ્તારોમાં ગરબીના આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગરબીમાં ભાગ લેનારી બાળાઓ રાસ-ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...