બનાવ હત્યામાં પલટાયો:જેતપુરમાં દિવાળીની રાત્રે થયેલા પથ્થરમારામાં ઘવાયેલા વૃદ્ધાનું મોત

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉંદરડી જેવા ફટાકડાનો ઘા કરતા શખ્સોને દૂર જવાનું કહેતા પથ્થરમારો કર્યો હતો

જેતપુરના કણકિયા પ્લોટમાં દિવાળીની રાત્રે થયેલા પથ્થરમારામાં ઘવાયેલા વૃદ્ધાનું રાજકોટ હોસ્પિટલમાં મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. દિવાળીની રાત્રે ઉંદરડી જેવા ફટાકડા ફોડીને ઘર તરફ ઘા કરતા શખ્સોને ટપારતા વૃદ્ધા પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.

જેતપુરના કણકિયા પ્લોટમાં શારદા મંદિર પાછળ રહેતા હમીદાબેન સલિમભાઇ ચાવડા (ઉ.વ.70) દિવાળીની રાત્રે પોતાના ઘરે હતા ત્યારે રાત્રે દોઢેક વાગ્યે કેટલાક શખ્સો ફટાકડા ફોડી ઉંદરડી સળગાવીને ચાવડા પરિવારના ઘર તરફ ફેંકતા હોય હમીદાબેન ઘરની બહાર નીકળ્યા હતા અને ફટાકડાના ઘા કરી રહેલા શખ્સોને દૂર જઇ ફટાકડા ફોડવાનું કહેતા તે શખ્સો ઉશ્કેરાયા હતા અને વૃદ્ધા પર પથ્થરમારો કર્યો હતો. હુમલો થતાં હમીદાબેને દેકારો કરતા તેમના પુત્ર ફયાઝ ચાવડા ઘરની બહાર દોડી આવ્યા હતા અને પથ્થરમારામાં તેમને પણ ઇજા થઇ હતી.

પથ્થરમારામાં હમીદાબેનને માથામાં ગંભીર ઇજા થતાં જેતપુર બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને રવિવારે સાંજે તેમનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે તત્કાલીન સમયે વૃદ્ધાના પુત્ર ફયાઝભાઇએ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. વૃદ્ધાનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો, પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. બનાવથી ચાવડા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...