સજાનો હુકમ:નકલી નોટ છાપતા રંગે હાથ પકડાયેલા ઓઇલમિલરને 10 વર્ષની સજા ફટકારાઇ

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢસો ફૂટ રિંગ રોડ લક્ષ્મણ ઝુલા પાર્કમાંથી 3 વર્ષ પહેલા પકડાયો હતો
  • 75 હજારની નકલી નોટ પકડાઇ હતી, સજા સાથે 27 હજારનો દંડ

શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ, આસ્થા રેસિડેન્સી પાછળ લક્ષ્મણ ઝુલા પાર્કમાંથી ભારતીય ચલણની બનાવટી નોટ છાપતા રંગે હાથ પકડાયેલા ઓઇલમિલર અરવિંદ ધીરૂભાઇ અકબરીને અદાલતે તકસીરવાન ઠેરવી 10 વર્ષની સજા અને રૂ.27 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. જેમાં આઇપીસી 489એ તેમજ 489બીની કલમ હેઠળ 10-10 વર્ષ, આઇપીસી 489સીની કલમ હેઠળ 7 વર્ષ અને આઇપીસી 489ડીની કલમ હેઠળ 5 વર્ષની સજાનો સમાવેશ થાય છે.

જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ જણાવેલી વિગત મુજબ, રાજકોટ પોલીસની એસઓજીએ તા.16-6-2019ના રોજ માહિતીના આધારે રાત્રીના સમયે દરોડો પાડી અરવિંદ અકબરીને રૂ.2 હજાર, રૂ.500 અને રૂ.200ની બોગસ નકલી નોટ છાપતા રંગે હાથ પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસે કુલ રૂ.75 હજારની બનાવટી નકલી નોટ ઉપરાંત બનાવટી નકલી નોટ બનાવવાની સામગ્રી, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયા સમયે તેની પૂછપરછમાં તે ઓઇલમિલ ચલાવતો હતો. પરંતુ ધંધામાં નુકસાની જતા દેણું થઇ ગયું હતું. જે દેણું ભરપાઇ કરવા નકલી નોટ છાપતો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે અરવિંદ અકબરી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. દરમિયાન કેસ કોર્ટમાં ચાલતા સરકારપક્ષે વોરા ઉપરાંત્ એપીપી પરાગ શાહે આરોપી તરફે બીજો કોઇ જ બચાવ લેવામાં આવ્યો ન હોવાથી આરોપીને તકસીરવાન ઠેરવવા રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઇ સેશન્સ કોર્ટે ઓઇલમિલર અરવિંદ અકબરીને દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો છે.

રૂ.200ની નોટ છાપ્યા બાદ ગાંઠિયા લીધા’તા
બનાવટી નોટ છાપતા રંગે હાથ પકડાયેલા અરવિંદ અકબરીએ તેલનો ધંધો કરવા ખેતીની જમીન વેચી ધંધો શરૂ કર્યો હતો. આઠેક વર્ષ ધંધો સરખો ચાલ્યા બાદ દેણું થઇ ગયું હતું. દેણું ચૂકવવા નકલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. દરમિયાન અરવિંદ અકબરીએ રૂ.2 હજાર, 500 અને રૂ.200ની નકલી નોટ છાપી હતી. બાદમાં તેને છાપેલી રૂ.200ની નકલી નકલી નોટ પહેલી જ વખત બજારમાં ફરતી કરવા તેને રૂ.200ના ગાંઠિયા ખરીદ કર્યાની અરવિંદ અકબરીએ કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...