તેલના ભાવ ઘટ્યા:જૂનો માલ બજારમાં આવતાની સાથે જ તેલના ભાવ રૂ.130 ઘટ્યા

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપાસિયા તેલના ભાવ પણ ઘટ્યા : આવક શરૂ, ખરીદી નહિવત

જન્માષ્ટમીમાં તેલના ભાવમાં વધારો થયા બાદ હવે ધીમે- ધીમે તેમાં ભાવઘટાડો થઇ રહ્યો છે.છેલ્લા 10 દિવસની વાત કરીએ તો રાજકોટમાં સિંગતેલમાં રૂ. 130નો ભાવઘટાડો આવ્યો છે. સિંગતેલના ભાવ ઘટતા તેની સાથે કપાસિયા અને અન્ય સાઇડ તેલના ભાવમાં પણ ઘટાડો થયો છે.

ભાવ ઘટાડા અંગે વેપારીઓએ એવું કારણ આપ્યું છે કે, નવી સિઝન લાભપાંચમ પછી શરૂ થશે. નવી સિઝન શરૂ થવાને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એટલે વર્ષભર સંગ્રહ કરેલો જૂનો માલ છે એ વેપારીઓ વેચવા માટે કાઢી રહ્યા છે. એટલે બજારમાં માલ સામાન્ય દિવસો કરતા વધી ગયો છે. એક બાજુ માલ પૂરતા પ્રમાણમાં છે તો બીજી બાજુ સામે ડિમાન્ડ નથી. જોકે હાલમાં બજારમાં નવી જણસીની આવક શરૂ થઈ ગઈ છે, પરંતુ તેની ખરીદી છે નહિ.

શનિવારે સિંગતેલના ભાવમાં વધુ રૂ. 30નો ઘટાડો થયો હતો. આ સાથે સિંગતેલનો ભાવ રૂ.2480 માંથી રૂ. 2450 થયો હતો. અંદાજિત એક માસ બાદ સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ. 2500ની અંદર ગયો છે. સિંગતેલના ભાવ ઘટતા કપાસિયા તેલમાં પણ રૂ.15નો ભાવઘટાડો થયો હતો અને ડબ્બાનો ભાવ રૂ. 2410 થયો હતો. જ્યારે સાઈડતેલમાં સ્થિર વલણ રહ્યું હતું. સિંગતેલ લૂઝમાં રૂ. 1400- 1425 ના ભાવે અને કપાસિયા વોશમાં રૂ.1300-1365 ના ભાવે સોદા થયા હતા.

વધુમાં વેપારીના જણાવ્યાનુસાર હાલ નવી મગફળીની આવક શરૂ થઇ ગઇ છે, પરંતુ તે ભેજ અને પાણી વાળી હોવાથી સીધા ઉપયોગમાં લઇ શકાતી નથી.બે ત્રણ દિવસ બાદ સૂકવવા માટે રાખવી પડે છે અને ત્યારબાદ તેને વપરાશમાં લેવી પડે છે.દશેરાથી બજારમાં મગફળીના વેપારમાં સોદા પડે તેવી સંભાવના છે. નવરાત્રિ બાદ ફરી ભાવ ઊંચકાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...