ભાવમાં ઘટાડો:મગફળી-કપાસમાં જૂના સ્ટોકનો નિકાલ શરૂ થતા તેલના ભાવ ઘટ્યા

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જણસીની આવક વધતા ઓઈલ મિલમાં પિલાણ શરૂ થયા

સોમવારે ખૂલતી બજારે ખાદ્યતેલના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે પામ તેલમાં સ્થિર વલણ રહ્યું હતું. વેપારીઓના જણાવ્યા મુજબ નવરાત્રિ- દિવાળી બાદ મગફળી-કપાસની નવી સિઝન શરૂ થઈ જશે. જેને કારણે અત્યારે જૂના સ્ટોકનો પણ નિકાલ કરવામાં આવી રહ્યો છે. આથી, બજારમાં જણસીની પૂરતી આવક થઈ રહી છે. જણસીની આવક વધતા ઓઈલ મિલમાં પિલાણ શરૂ થયા છે. આ સિવાય પામ તેલના ભાવમાં હજુ ઘટાડો આવે તેવી સંભાવના છે.

સોમવારે યાર્ડમાં જાડી મગફળીની આવક 750 ક્વિન્ટલ અને ઝીણી મગફળીની આવક 660 ક્વિન્ટલ થઈ હતી. ભાવ રૂ.1100 થી લઇને રૂ. 1345 સુધી હરાજીમાં બોલાયો હતો. કપાસની આવક 110 ક્વિન્ટલ હતી. શનિવારની સરખામણીએ સોમવારે કપાસની આવક ડબલ થઇ હતી. આવક વધવાને કારણે ભાવમાં નરમ વલણ રહ્યું હતું એક ક્વિન્ટલનો ભાવ રૂ. 2195 થયો હતો. સિંગતેલમાં રૂ. 10નો ઘટાડો આવ્યો હતો અને ડબ્બાનો ભાવ રૂ.2810 બોલાયો હતો.

સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવ ઘટ્યા હતા અને તેલનો ડબ્બો રૂ.2375 થી ઘટીને રૂ. 2355 નો થયો હતો. મુખ્ય તેલના ભાવ ઘટતા તેની અસર સાઈડ તેલમાં પણ જોવા મળી હતી. સનફ્લાવર તેલનો ડબ્બો રૂ. 2430 થી ઘટીને રૂ. 2400નો થયો હતો. આ સિવાય અન્ય તેલમાં સ્થિર વલણ રહ્યું હતું. સિંગતેલ લૂઝમાં રૂ.1700ના ભાવે રાબેતા મુજબના કામકાજ થયા હતા. ઉલ્લેખનીય છે કે, નવી મગફળી અને કપાસની આવક વધશે ત્યારે હજુ પણ તેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...