નિયમ બદલાવ્યા:ઓઇલમિલરો મગફળીનો જથ્થો 10 દિવસમાં ઉપાડી શકશે, નાણાં ચૂકવવા 3 દી’ની મુદત વધી

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાફેડે મગફળી ખરીદવા માટેના નિયમ બદલાવ્યા, કાલથી જ અમલવારી

મગફળી ખરીદવા માટે લાગુ કરેલી નવી પોલિસીમાં અનેક મુશ્કેલી પડતી હોવાથી ઓઈલમિલર્સે ખરીદી બંધ કરી દીધી હતી અને આ પોલિસી સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જે અંતર્ગત ગત માસમાં નાફેડે ઓઈલમિલર્સ સાથે બેઠક કરી હતી. જેમાં માલ ઉપાડવા અને પેમેન્ટની ચૂકવણી માટેની આપેલી મુદત અંગે સમસ્યા ઊઠી હતી. નાફેડે માલ ઉપાડવા અને ચૂકવણી માટેની મુદત વધારી દીધી છે. નવા નિયમની અમલવારી કાલથી થશે.

આ અંગે વધુ માહિતી આપતા સોમાના પ્રમુખ કિશોરભાઈ વીરડિયાએ જણાવ્યું હતું કે, નાફેડે લાગુ કરેલા નવા નિયમની જાણકારી સોમવારે આપવામાં આવી હતી. અગાઉ નાણાંની ચૂકવણી બે દિવસમાં કરી દેવાની હતી તેના બદલે હવે આ મુદત 5 દિવસની કરવામાં આવી છે.

મગફળી ખરીદી કર્યા બાદ તે જથ્થો ઉપાડી લેવાની મુદત 5 દિવસ વધારી દેવામાં આવતા હવે 10 દિવસનો સમયગાળો મળશે. જો 10 દિવસમાં આ જથ્થો ઉપાડી ન શકાય તો નાફેડને જાણ કરવાની રહેશે અને વધારાના 30 દિવસ સુધીની મુદત મળી શકશે. જોકે આ માટે વેર હાઉસનું ભાડું ખરીદનારે આપવાનું રહેશે. જો આ સમયમાં જથ્થો નહિ ઉપડે તો નિયમ ભંગ કરનારને 6 મહિના માટે બ્લેક લિસ્ટ કરાશે. તેમજ ઈએમડી તથા બીજી રકમ જપ્ત કરાશે. મગફળી ખરીદી માટે પડતી મુશ્કેલી માટે સોમાએ નાફેડને રજૂઆત કરી હતી.

મગફળીની ખરીદીમાં વધારો થશે ઓઈલમિલમાં કામકાજ શરૂ થશે
નવા નિયમથી મગફળીની ખરીદીમાં વધારો થશે. અત્યાર સુધી એવું બનતું હતું કે, હરાજી સાંજે 5 કલાકે પૂરી થયા બાદ પેમેન્ટ બીજા દિવસે જમા કરાવવા માટે સૂચના મળતી હતી. આમ, પેમેન્ટ કલાકોની અંદર જ જમા કરી દેવું પડતું હતું. તેમજ મગફળીનો જથ્થો સમયસર ઉપાડવા ટ્રાન્સપોર્ટેશન ભાડું ઊંચું ચૂકવવું પડતું હતું. આથી કોઈ ખરીદી કરતું જ હતુ નહિ. જેથી ઓઈલમિલમાં કામકાજ બંધ થયા હતા, પરંતુ હવે ખરીદી વધશે અને કામકાજ શરૂ થવાથી તેલના ભાવ કાબૂમાં ​​​​​​​આવવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...