પરીક્ષાની તૈયારી:સૌ.યુનિ.માં 8 જુલાઇથી 65 હજાર વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવાશે, આજે 17 એજન્ડા સાથે સિન્ડિકેટની બેઠક મળશે, તોફાની બને તેવા એંધાણ

4 મહિનો પહેલા
કુલપતિ નીતિન પેથાણી
  • ધોરણ 12માં માસ પ્રમોશન બાદ કોલેજના વર્ગો વધારવા પણ સિન્ડિકેટમાં ચર્ચા થશે
  • યુનિવર્સિટીના 56માં વાર્ષિક પદવીદાન સમારંભની તારીખ નક્કી કરાય તેવી શક્યતા

હાલ કોરોના કાબૂમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા યોજાશે. આ અંગે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આગમી 8 જુલાઇથી સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજીત 65000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી ખાતે આજે સિન્ડિકેટની મહત્વ બેઠક મળવા જઇ રહી છે. જેમાં અલગ અલગ 17 એજન્ડા અંગે નિર્ણય લેવામાં આવનાર છે. જે પૈકી કેટલાક અગત્યના મુદ્દાઓ છે જેને લઇ સિન્ડિકેટની બેઠકમાં ગરમા ગરમીના એંધાણ જોવા મળી રહ્યા છે.

પરીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તેની તકેદારી રખાશે
વધુમાં કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, પરીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તે માટે પરીક્ષા કેન્દ્ર પર દરેક વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ અપાશે. કેન્દ્ર પર વિદ્યાર્થીઓને માસ્ક પહેર્યા વિના પ્રવેશ નહીં મળે, પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીનું થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝ કરાશે. એક બેંચમાં એક જ વિદ્યાર્થી બેસાડાશે. બે વિદ્યાર્થી વચ્ચે ડિસ્ટન્સ જળવાશે, સુપરવાઈઝર પણ માસ્ક અને ગ્લોઝ પહેરીને કામગીરી કરશે.

NSUI દ્વારા ફી મુદ્દે વિરોધ કરાયો હતો
NSUI દ્વારા ફી મુદ્દે વિરોધ કરાયો હતો

7 મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવશે
આજે સિન્ડિકેટની બેઠક પણ યોજાઈ રહી છે. જેમાં આઇક્યુ એસી સહિતના મુદ્દે ગરમાગરમી થવાના એંધાણ મળી રહ્યા છે. તો આ સાથે બીએડ, એમ.એડ.પ્રવેશ સમિતિ વિખેરી નાખવા, સિવિલ ઇજનેરની કામ ચલાઉ નિમણુંકને બહાલી, કોરોનામાં માતા-પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓની ફી માફ કરવા, દારૂની ખાલી બોટલ સાથેની તસવીર પ્રકરણમાં પરીક્ષા વિભાગના અધિકારીને સસ્પેન્ડ કરવા સહિતના મુદ્દાનો એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ હોમિયોપેથિક વિદ્યાશાખાના સભ્યોનું મહેનતાણું વધારવા, એક્ઝામિનેશન ડિફોલ્ટ ઈન્કવાયરી કમિટીમાં સભ્યોની નિયુક્તિ કરવી સહિતના 17 મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવનાર છે.

પદવીદાન સમારંભની તારીખ નક્કી કરાય તેવી શક્યતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓએ પદવી તથા ડિપ્લોમા માટે આવેદનપત્ર ભરેલા હોય તેમના માટે સરકારની ગાઈડ લાઈન મુજબ પદવીદાન સમારોહની તારીખ આજની બેઠકમાં નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા 18 ફેબ્રુઆરીના પરિપત્ર રદ કરવાની માંગ સાથે રાજકોટ શહેર NSUI દ્વારા સિન્ડિકેટમા વિરોઘ પ્રદર્શન કરવામાં આવનાર છે.

સૌ.યુનિ.એ જાહેર કરેલો પરિપત્ર રદ કરવા NSUIની રજુઆત
રાજકોટ NSUI દ્વારા રજુઆત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેર કરેલો પરિપત્ર રદ કરવા રજૂઆત કરવામાં આવી છે. પરિપત્રમાં પાંચમાં સેમેસ્ટરમાં એકથી ચાર સેમેસ્ટરના તમામ વિષયોમાં વિદ્યાર્થી પાસ હોય તો જ તેને પ્રવેશ આપવામાં આવે છે તેવો ઉલ્લેખ છે.

અન્ય સમાચારો પણ છે...