મહિલાઓનો આક્રોશ:રાજકોટમાં મેયરના વોર્ડમાં પાણીચોરીને લઇ ચેકિંગમાં ગયેલા અધિકારીઓને મહિલાઓએ ઉધડા લેતા ચાલતી પકડી

રાજકોટ14 દિવસ પહેલા
મહિલાઓએ અધિકારીઓને ઉધડા લીધા.
  • સમયસર અને પુરતું પાણી નહીં મળતું હોવાથી મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો

રાજકોટમાં પાણીચોરીને અટકાવવા મ્યુનિ.ની ટીમ ચેકિંગ ડ્રાઇવ કરી રહી છે. જેમાં આજે મેયર ડો.પ્રદિપ ડવના વોર્ડ નં. 12માં અધિકારીઓ ચેકિંગ માટે પહોંચ્યા હતા. પરંતુ સ્થાનિક મહિલાઓ રોષે ભરાઇને અધિકારીઓને ઉધડા લીધા હતા. સમયસર અને પુરતું પાણી નહીં મળતું હોવાથી મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો. અધિકારીઓએ પણ તકનો લાભ ઉઠાવી ત્યાંથી ચાલતી પકડી હતી. ટુવ્હીલર પર અધિકારીઓ નીકળી રહ્યા હતા ત્યારે એક મહિલાએ કહ્યું હતું કે, એક્ટિવાની ચાવી કાઢી લો. આવાને જાવા જ ન દેવા જોઇએ.

ગઇકાલે ડાયરેક્ટ પમ્પિંગ કરતા 23 પાસેથી 33,500નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મુકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેક્ટ પમ્પિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ માટે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ગઇકાલે શહેરમાં 1217 ઘરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પિંગ કરતા 23 ઘર મળ્યા હતા. જેમાં 5ને નોટિસ અને 7ની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પિંગ અને ફળિયા ધોવા બાબતે રૂ. 33,500ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

મહિલાઓએ ઉધડા લેતા અધિકારીઓએ ચાલતી પકડી હતી.
મહિલાઓએ ઉધડા લેતા અધિકારીઓએ ચાલતી પકડી હતી.

ડાયરેક્ટ પમ્પિંગમાં 2000નો દંડ
પાણી ચકાસણી ઝુંબેશ દરમિયાન જો કોઇ ડાયરેક્ટ પમ્પિંગ કરતા માલુમ પડે તેવા કિસ્સામાં રૂ.2000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી રહી છે. તેમજ આવા લોકોને નોટિસ ઇસ્યુ કરી મુદ્દત આપવામાં આવે છે. જો કોઇ ફળિયા ધોતા માલુમ પડે તો તેમની પાસેથી રૂ.250નો દંડ વસુલ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમિયાન 6 વ્યક્તિ ડાયરેક્ટ પમ્પિંગ કરતા મળ્યા હતા. જેમાં 2 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને 2ને નોટિસ આપવામાં આવી હતી. તેમજ તેઓ પાસેથી રૂ.9000 દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

મહિલાઓના રોષથી અધિકારી ટુવ્હીર સાથે નીકળ ગયા.
મહિલાઓના રોષથી અધિકારી ટુવ્હીર સાથે નીકળ ગયા.

ઈસ્ટઝોનમાં 6 વ્યક્તિ ડાયરેક્ટ પમ્પિંગ કરતા મળ્યા
ઈસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમિયાન 6 વ્યક્તિ ડાયરેક્ટ પમ્પિંગ કરતા મળ્યા હતા. જેમાં 1 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને 1ને નોટિસ આપવામાં આવી હતી. તેમજ રૂ.10,250નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. વેસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમિયાન 11 વ્યક્તિ ડાયરેક્ટ પમ્પિંગ કરતા મળ્યા હતા. જેમાં 4 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને બેને નોટિસ આપવામાં આવી હતી. તેમજ રૂ.14,250નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...