તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Of The 154 Children Admitted To The Civil Hospital, 90 Had A Viral Fever That Was Twice As Much As Last Year But The Lowest At 8 Years.

ભાસ્કર વિશેષ:સિવિલમાં દાખલ 154 બાળકમાંથી 90 વાઇરલ તાવ-શરદીના દર્દી જે ગત વર્ષ કરતા બમણા પરંતુ 8 વર્ષના સૌથી ઓછા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા અને શિયાળાની શરૂઆતમાં ફ્લૂના વાઇરસ સક્રિય થતા બાળકોને અસર

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ફીવરના દર્દીઓ વધી રહ્યા છે આ ઉપરાંત હવે બાળકોના વિભાગમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. હાલ સિવિલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં 154 પીડિયાટ્રિક એટલે કે 12 વર્ષથી નાના બાળકો દાખલ છે તેમાંથી 90 બાળક એટલે કે 70 ટકા જેટલા દર્દી વાઇરલ ફીવરને કારણે દાખલ થયા છે.

આ દર્દીઓમાં તાવ, શરદી તેમજ છાતીમાં કફ જેવી સમસ્યાઓ રહેતી હોય છે. આ સંખ્યા ગત વર્ષ કરતા બમણી છે જોકે ચિંતા કરવાની જરૂર નથી તેવું તબીબો જણાવે છે. આ પાછળ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના વડા ડો. પંકજ બૂચ જણાવે છે કે દર વર્ષે ત્રણ સિઝન એટલે કે હોળીના સમયે, ચોમાસાની શરૂઆત અને શિયાળાની શરૂઆતમાં સિઝન બદલાતી હોય છે અને આ સિઝનમાં ફ્લૂના વાઇરસ સક્રિય થતા હોવાથી બાળકોને અસર કરે છે. દર વર્ષે આવા 125 જેટલા બાળકો દાખલ હોય છે તેમજ ઓપીડી પણ વધે છે. જોકે આ વર્ષે તે સંખ્યા 90 જ રહી છે અને ઓપીડીમાં પણ વધારો થયો નથી.

નિઓનેટલ વોર્ડમાં 77 નવજાત દાખલ
નિઓનેટલ વિભાગમાં 77 નવજાત બાળક દાખલ છે જોકે તેમાં કોઇપણ વાઇરલના દર્દી નથી. આ તમામમાં જન્મ સમયે ઓછું વજન તેમજ ઈન્ફેક્શનને કારણે રસી જેવી સમસ્યા હોય છે. આ સાથે 154 પીડિયા અને 77 નિઓનેટલ સહિત કુલ 213 દર્દી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં 7થી 8 વખત માંદુ પડે
બાળક માટે દરેક સિઝન નવી અને ફ્લૂના વાઇરસ નવા હોય છે જેની સામે તેની કુદરતી રોગપ્રતિકારક શક્તિ લડે છે. તેની સામે સિઝન બદલાય એટલે કોમન ફ્લૂના વાઇરસ પણ મ્યુટેટ થતા હોય છે આ કારણે બાળકને સામાન્ય તાવ અને શરદી થાય છે. એક અંદાજ મુજબ બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં 7થી 8 વખત વાઇરલને કારણે માંદુ પડે છે.

કુપોષિત-ઝિંકની ખામી ધરાવતા બાળકોને વધુ અસર
ફ્લૂના વાઇરસથી બચવા માટે કોઇ વિશેષ દવા હજુ સુધી શોધાઈ નથી પણ આ વાઇરસ સામે લડવા રોગપ્રતિકારક શક્તિ મોટો ભાગ ભજવે છે. જે બાળકો પૂરતો ખોરાક લેતા હોય છે તેમને પણ ચેપ લાગે પણ વધારે ગંભીર બનતા નથી. સાવ કુપોષિત હોય તેમજ રોગ સામે લડવા માટે જરૂરી તત્ત્વો જેવા કે ઝિંકની શરીરમાં ખામી હોય તેવા બાળકોનું શરીર વાઇરસ સામે લડવામાં નબળું પડે છે તેથી તેમને થોડો વધારે સમય તાવ અને શરદીમાં કાઢવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...