તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટમાં કાલથી ધો.12ના ખાનગી સંચાલકો સ્કૂલ ખોલવા તૈયાર, 70% વાલીઓની સંમતિ, વર્ગખંડ સેનિટાઈઝ કરી ટાઇમટેબલ તૈયાર કર્યા

રાજકોટ19 દિવસ પહેલા
ખાનગી સ્કૂલોમાં વર્ગખંડો સેનિટાઈઝ કરાયા.
  • હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ચાલતી હોવાથી કોલેજો એક અઠવાડિયા બાદ ઓફલાઈન અભ્યાસ શરૂ કરશે

રાજ્યમાં કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી ઓફલાઈન શિક્ષણ બંધ છે. પરંતુ હવે કોરોનાના કેસો ઘટી ગયા હોવાથી રાજ્ય સરકારે ધોરણ 12ની સ્કૂલો, કોલેજો અને ટેકનિકલ સંસ્થાઓને વર્ગખંડમાં 50% ક્ષમતા સાથે શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં 15 જુલાઇ 2021 એટલે કે આવતીકાલથી ધો.12ના વર્ગો, પોલિટેકનિક સંસ્થાઓ અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરવા છૂટ આપવામાં આવી છે. ત્યારે રાજકોટમાં Divya Bhaskar ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, ખાનગી સંચાલકો સ્કૂલ ખોલવા તૈયાર છે. 70 ટકા વાલીઓની સંમતિ છે. વર્ગખંડ સેનિટાઈઝ કરી ટાઈમટેબલ પણ તૈયાર કરી દીધું છે.

સ્કૂલ-કોલેજના સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશી
આ સાથે ધોરણ 9, 10 અને 11ના વર્ગો શરૂ કરવા પણ આજની કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તેવું રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 અને કોલેજમાં ઓફલાઇન શિક્ષણની મંજૂરી આપતા સ્કૂલ-કોલેજના સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. આ માટે સ્કૂલ-કોલેજના સંચાલકો દ્વારા વર્ગખંડોને સેનેટાઇઝ કરી, અભ્યાસ માટેના ટાઇમટેબલ બનાવવા સહિત તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

ઉત્કર્ષ સ્કૂલમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવતા બોર્ડ લાગ્યા.
ઉત્કર્ષ સ્કૂલમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવતા બોર્ડ લાગ્યા.

સરકારની તમામ ગાઇડલાઇનનું પાલન કરી સ્કૂલ શરૂ કરવામાં આવશે
રાજકોટની ઉત્કર્ષ સ્કૂલના સંચાલક વિમલભાઇ છાયાએ જણાવ્યું હતું કે, આવતીકાલથી વિદ્યાર્થીઓ ફરી સ્કૂલે આવશે તેની અપાર ખુશી છે. આમ તો રોજેરોજ સ્કૂલ કેમ્પસમાં સફાઈ થતી જ હોય છે. આ સાથે આજે ફરી તમામ વર્ગખંડોને ફરી સેનિટાઇઝ કરી દેવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારની તમામ ગાઇડલાઇનનું પાલન કરી સ્કૂલ શરૂ કરવામાં આવશે અને ખાસ વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય તેની તકેદારી રાખવામાં આવશે. સ્કૂલ ખાતેથી મોકલેલ સંમતિપત્રમાં 80થી 85% વાલીઓએ સંમતિ દાખવી છે અને બાકીના વાલીઓ પણ આગામી એકાદ સપ્તાહથી સંમતિ દાખવી વિદ્યાર્થીને સ્કૂલે મોકલશે તેની ખાતરી છે.

રાજકોટની ઉત્કર્ષ સ્કૂલના સંચાલક વિમલભાઇ છાયા.
રાજકોટની ઉત્કર્ષ સ્કૂલના સંચાલક વિમલભાઇ છાયા.

ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાશે
આ તરફ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, આવતીકાલથી સ્કૂલો ઓફલાઇન શરૂ થાય સારી વાત છે. લગભગ 70%થી વધુ વિદ્યાર્થીઓના વાલીઓએ આ માટે સંમતિ દાખવી છે. ઉપરાંત આજે ગાંધીનગર ખાતે મળનાર કેબિનેટની બેઠકમાં ધોરણ 9, 10 અને 11ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવનાર છે.

વિદ્યાર્થી રજત વણઝારા.
વિદ્યાર્થી રજત વણઝારા.

કોલેજો એક અઠવાડિયા બાદ ઓફલાઇન શિક્ષણ શરૂ કરશે
બીજી તરફ જો કોલેજની વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ચાલી રહી છે. તેમજ આવતીકાલથી કોલેજ શરૂ કરવા સરકારે મંજૂરી આપી છે તેની સામે યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષા પણ શરૂ થઈ રહી છે. ત્યારે રાજકોટની ગ્રેસ કોલેજના સંચાલક સંદિપભાઇ કોઠીયાએ જણાવ્યું હતું કે, હજુ એક સપ્તાહ સુધી ઓનલાઇન શિક્ષણ શરૂ રાખવામાં આવશે. કોલેજ ખાતે પરીક્ષા કેન્દ્ર હોવાથી માત્ર એક કલાક માટે વિદ્યાર્થીઓને કોલેજ બોલાવવા યોગ્ય નથી. આથી એક-બે સપ્તાહ બાદ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવશે. આ સાથે મોટાભાગની કોલેજોમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. આથી મોટાભાગની કોલેજોમાં આવતીકાલથી ઓફલાઇન શિક્ષણ પૂરતા સમય માટે ચાલુ રાખવું શક્ય નથી.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના રાજકોટના પ્રમુખ ડી.વી.મહેતા.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના રાજકોટના પ્રમુખ ડી.વી.મહેતા.

સ્કલોમાં ગાઈડલાઈનનું પાલન થાય છે કેમ તે અંગે ચેકિંગ કરાશેઃ DEO
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના 40,000થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમની આવતીકાલથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા સરકારે ગાઇડલાઈન સાથે છૂટ આપવામાં આવી છે અને આ માટે શિક્ષણ અધિકારી દ્વારા સમયાંતરે ગાઇડલાઈનનું પાલન થાય છે કે કેમ તે અંગે ચેકિંગ કરવામાં આવશે. સાથે વિદ્યાર્થીઓ પણ સરકારના આ નિર્ણય ને આવકારી રહ્યા છે અને સ્કૂલે જવાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે સ્કૂલો શરૂ થયા બાદ 18 વર્ષથી નીચેના કિશોરોનો વેક્સિનેશન માટે નિર્ણય લેવામાં આવે તે પણ અતિ આવશ્યક માનવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને કોરોના સંક્રમણનો ભય ન રહે.