માનો ગરબો મોંઘો:વરસાદને કારણે કાચુ મટિરિયલ ન બનતા રાજકોટમાં 30 રૂપિયાના ગરબાનો ભાવ 50, ફેન્સી ગરબાની માંગ, 1000 સુધીના ગરબા

રાજકોટ20 દિવસ પહેલા
ગરબા બનાવવાની કામગીરી પૂરજોશમાં.
  • મટિરિયલ વધુ વપરાતું હોવાથી ભાવ વધી જાય છેઃ ગરબા બનાવનાર

નવલા નોરતાને ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે. રાજકોટ સહિત ગુજરાભરમાં નવરાત્રિના આગમનની તૈયારીની શરૂઆત થઈ ગઇ છે. કોરોનના કારણે ગત વર્ષે શેરીમાં થતી પ્રાચીન ગરબી અને અર્વાચીન રાસોત્સવને મંજૂરી મળી ન હતી. પરંતુ આ વર્ષે અર્વાચીન ગરબીને બાદ કરતા શેરી ગરબીને મંજૂરી મળી છે. ગત વર્ષે લોકોએ ઘરે રહી માની આરાધના કરી હતી. પ્રાચીન ગરબીઓને મંજૂરી મળતા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભારે વરસાદે કારણે કાચા ગરબા ન બનતા આ વર્ષે 30 રૂપિયાના ગરબાના ભાવ વધીને 50 થયા છે. તેમજ 50થી 1000 સુધીના ગરબા બનાવવામાં આવી રહ્યા છે, હાલ તો લોકોમાં ફેન્સી ગરબાની માંગ વધી છે.

મહેનતનાં પ્રમાણમાં વળતર મળતું નથીઃ ગરબા બનાવનાર
આ અંગે હુડકો વિસ્તારમાં માતાજીના ગરબા બનાવતા રેખાબેને જણાવ્યું હતું કે, હું છેલ્લા 25 વર્ષથી ગરબા બનાવવાનું કામ કરૂં છું. હાલ લોકોની પસંદગીમાં ઘણો બદલાવ આવ્યો છે અને લોકોમાં ફેન્સી ગરબાની માંગ વધી છે. આ ગરબામાં મટિરિયલ વધુ વપરાતું હોય ભાવ વધી જાય છે. જોકે ગત વર્ષે 30 રૂપિયાનો ગરબો આવતો હતો તે ગરબાનો ભાવ આ વર્ષે 50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. અમે 50થી 1000 રૂપિયા સુધીનાં ગરબા બનાવીએ છે. બીજું એક મહિનાથી સતત વરસાદ હોવાને કારણે કાચા ગરબા બનાવી શક્યા નથી. જોકે, અમે કાચા, સફેદ અને ગેરુંવાળા સહિત 8થી 10 જાતના ગરબા બનાવીએ છીએ. પણ મહેનતનાં પ્રમાણમાં વળતર મળતું નથી.

લોકોમાં ફેન્સી ગરબાની માંગ વધી.
લોકોમાં ફેન્સી ગરબાની માંગ વધી.

રાજકોટની બજારમાં આકર્ષક ગરબા ઉપલબ્ધો
રાજકોટના અનેક પરિવાર દર વર્ષે એક માસ પૂર્વે જ પોતાના ઘરમાં ગરબા બનાવવાની શરૂઆત કરી દે છે. પ્યોર માટીના અવનવી અને આકર્ષક ડિઝાઇનના રંગબેરંગી ટ્રેડિશનલ ગરબાઓને તૈયાર કરવામાં ઘરના દરેક સભ્યો પોતાની ક્ષમતા મુજબના ગરબા બનાવવામાં પોતાનો ફાળો આપે છે. અવનવા કલાત્મક ગરબામાં આભલા, સ્ટોન વગેરે ચોટાડવામાં આવે છે. આ કામ શ્રાવણ માસ પૂરો થતા જ તુરંત શરૂ કરી દેવામાં આવે છે. જાત-જાતના આકર્ષક ગરબાની પધરામણી કરીને દરેક પરિવારો માની આરાધના કરે છે.

માતાજીના ગરબા બનાવતા રેખાબેન.
માતાજીના ગરબા બનાવતા રેખાબેન.
50થી 1 હજાર સુધીના ગરબા.
50થી 1 હજાર સુધીના ગરબા.
અન્ય સમાચારો પણ છે...