રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. 50 કલસ્ટરમાંથી જુદી જુદી 26 ટીમ સર્વેમાં જોડાઇ છે. શહેરના કુલ 1800 લોકોના બ્લડના રેન્ડમ સેમ્પલ લેવાની શરૂઆત કરી દીધી છે. આ સર્વેથી કોમ્યુનિટી ટ્રાન્સફર, હર્ડ ઇમ્યુનિટી અને વાયરસનો સ્કેલ શોધાશે. લોહીના સેમ્પલમાંથી સિરમ બનાવીને ચકાસણી માટે મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવશે. સીરો સર્વેની દરેક ટીમમાં એક લેબોરેટરી ટેકનિશિયન સહિત 4 આરોગ્ય કર્મીઓનો રાખવામાં આવ્યા છે. દરેક ટીમ દ્વારા 36 બ્લડના સેમ્પલ લેવામાં આવશે.
શું છે સીરો સર્વે
આ સર્વે માટે વ્યક્તિના શરીરમાંથી ઈન્જેક્શન મારફત 5 ML લોહી લેવાતું હોય છે. લેબોરેટરીમાં ટેસ્ટ થાય છે તેમાં આઈજીજી કે આઈજીએમ નહીં પરંતુ, સ્પાઈક પ્રોટીન એન્ટીબોડી નક્કી થશે. જો રિઝલ્ટ પોઝિટિવ આવે તો એનો અર્થ એ થયો કે જે તે વ્યક્તિનું શરીર કોરોના સામે લડવા જરૂરી એન્ટીબોડી ધરાવે છે. અર્થાત તેને કોરોના થાય તો ગંભીર અસર થવાની શક્યતા રહેતી નથી. આ સર્વે કરવાથી સંભવિત ત્રીજી લહેર આવે તો કેટલા ટકા વસ્તીને, ક્યાં વિસ્તારમાં, ક્યાં વય જૂથમાં વધુ જોખમ છે તે જાણી શકાય છે.
એન્ટીબોડીનું પ્રમાણ જોઇને તેનો રિપોર્ટ જાહેર કરશે
પ્રાપ્ત માહિતી મુજબ સીરો સર્વે તરીકે ઓળખાતી આ સામુહીક બ્લડ ટેસ્ટની કામગીરી અંતર્ગત મનપાના આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ બનાવી છે અને પ્રત્યેક ટીમ 36 વ્યકિતઓના લોહીના નમૂનાઓ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ફરીને અને ખાસ કરીને જ્યાં કોરોના સંક્રમણ વધુ હતું તેવા વિસ્તારોમાં જઇને લેશે. આમ કુલ 1800 વ્યકિતઓના લોહીની તપાસ મેડિકલ કોલેજમાં થશે. જેમાં એન્ટીબોડીનું પ્રમાણ જોઇને તેનો રિપોર્ટ જાહેર કરશે.
સંક્રમણ ઘટતું હોવા પાછળનું કારણ એન્ટીબોડી
આ સર્વે દ્વારા રાજકોટ જિલ્લો કોરોના સામે કેટલો સુરક્ષિત છે તેનો અંદાજ મળી શકશે. ગુજરાતમાં કેટલાંક વખતથી કોરોનાની સતત પીછેહઠ રહી જ હતી. દૈનિક નવા કેસોની સંખ્યા સતત ઘટતી જ રહી છે. એક પણ શહેર કે જિલ્લામાં કેસ બે આંકડામાં આવતા નથી. સંક્રમણ ઘટતું હોવા પાછળનું કારણ એન્ટીબોડી હર્ડ ઈમ્યુનિટી છે કે વાયરસ જ નબળો પડી ગયો છે તે પણ સીરો સર્વેનાં આધારે ચકાસી શકાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.