તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં આજે મોત શૂન્ય, બપોર સુધીમાં 8 કેસ નોંધાયા, કોરોનાથી અવસાન પામેલા ટ્રાફિક વોર્ડનના પરિવારને 3 લાખની આર્થિક સહાય

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • રાજકોટમાં હાલ મ્યુકોરમાઈકોસિસના 700 દર્દી સારવાર હેઠળ

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. આજે બપોર સુધીમાં 8 કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42455 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 671 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ગુરૂવારે 18 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલે કોરોનાની જેમ હવે મ્યુકોરમાઈકોસિસના મૃત્યુઆંક છૂપાવવાનું શરૂ કરી દીધું છે.

કોરોનાથી અવસાન પામેલા ટ્રાફિક વોર્ડનના પરિવારને 3 લાખની આર્થિક સહાય
કોરોનાએ અનેક પરિવારોના માળા વિખેર્યા છે પોલીસ પરિવારના પણ અનેક લોકોનો ભોગ લીધો છે ત્યારે તાજેતરમાં ભકિતનગર પોલીસમાં ફરજ બજાવતા ટ્રાફીક વોર્ડનનું કોરોનાથી અવસાન થતા. તેના પરિવારને મદદરૂપ થવા મૃતક ટ્રાફીક વોર્ડનના માતા-પિતાને રૂ.3 લાખની આર્થિક સહાય કરવામાં આવી હતી.શહેરના ભકિતનગર પોલીસ મથકમાં ટ્રાફીક વોર્ડન તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ ઘનાભાઈ જાડાનું કોરોનાની બિમારીમાં સપડાતા તેમનું ગત 22 એપ્રિલના રોજ અવસાન થયું હતું મૃતક વિપુલભાઈ પરિવારનો એકની એક આઘાર સ્થંભ હતા. જેથી તેમના અવસાનથી પરિવાર ઉપર આવી પડેલી આર્થિક સ્થિતિમાં સહાયરૂપ થવાના હેતુથી ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણાએ સંકલ્પ કરી પોલીસના સહયોગથી ટ્રાફીક વોર્ડન વિપુલભાઈ જાડાના માતા-પિતાને 3 લાખનો ચેક અર્પણ કરી આર્થિક મદદ કરી છે.

પોલીસના સહયોગથી ટ્રાફીક વોર્ડન વિપુલભાઈ જાડાના માતા-પિતાને 3 લાખનો ચેક અર્પણ
પોલીસના સહયોગથી ટ્રાફીક વોર્ડન વિપુલભાઈ જાડાના માતા-પિતાને 3 લાખનો ચેક અર્પણ

રાજકોટ જીલ્લામાં રસીકરણની કામગીરીમાં અનેરો ઉત્સાહ
ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની 750 ટીમો દ્વારા મહોલ્લા વાઈઝ લોકોની મુલાકાત લઈ કોરોના રસીકરણ અંગે લોકોનું કાઉન્સેલીંગ કરી રસીકરણ માટે સમજાવવામાં આવી રહ્યા છે. 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકોમાં સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આજે ગ્રામ્યમાં 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકોમાં 36,059 ડોઝ, જ્યારે 45 થી 60 વર્ષના વય જૂથના લોકોમાં 1,30,893 ડોઝ અને 60 વર્ષથી ઉપરના લોકોમાં 1,07,586 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો.

ફોરેન જવા ઇચ્છુક વિદ્યાર્થીએ પ્રથમ ડોઝ લીધો હોય તેણે 28 દિવસ બાદ બીજો ડોઝ અપાશે
જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લીંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ કોવીશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને તેમને ફોરેન જવાનો સમય થઇ ગયો હોય તેવા વિદ્યાર્થીઓ કોવીશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ કોવીશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લઇ શકશે. આવા વિદ્યાર્થીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સિન લેવા માટે રામનાથ પરા આરોગ્ય કેન્દ્ર (એડ્રેસ: 21-રામનાથ પરા, માળિયાનો ઉતારો, મેટ્રો પાનની પાસે) ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો સમય સવારે 9થી 12 વાગ્યા સુધીનો રહેશે.

મનપાની લિંક પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે
જે વિદ્યાર્થીઓએ કોવીશીલ્ડ વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને કોવીશીલ્ડ વેક્સીનનો બીજો લેવા આવે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી કરેલી અરજીની પ્રિન્ટ, ઓફર લેટર, પાસપોર્ટની ઝેરોક્ષ, વિઝાની નકલ, આધારકાર્ડ અને કોવીશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવ્યાનું સર્ટિફિકેટ સાથે લાવવાનું રહેશે. જે વિદ્યાર્થીઓનો વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે તેમણે www.cowin.gov.in પર રજીસ્ટ્રેશન કરી સ્લોટ બુક કરી વેક્સિન લઇ શકશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર માહિતી ભરવા માટેની લીંક -http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx છે. જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે.

રાજકોટમાં મુ્યુકોરમાઈકોસિસના 700 દર્દી સારવારમાં
રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના કેસ સૌથી વધુ આવ્યા છે અને સૌથી વધુ ઓપરેશન કરવાનો જશ પણ સિવિલ હોસ્પિટલને મળી ચૂક્યો છે પણ હવે સિવિલે કોરોનાની જેમ જ મ્યુકોરમાઈકોસિસના મૃતાંક છુપાવવાનું શરૂ કરી દીધું છે અને છેલ્લા દોઢ મહિનામાં કેટલા દર્દીઓના મ્યુકોરમાઇકોસિસની સારવાર દરમિયાન મોત થયા તે જાહેર કરાયું નથી.રાજકોટ સિવિલમાં અત્યાર સુધીમાં 800 કરતા વધુ દર્દીઓને દાખલ કરાયા હતા અને 40ને ડિસ્ચાર્જ કરાયા છે હાલ 700 દર્દી સારવાર હેઠળ છે તેથી આ સિવાયના દર્દી ક્યાં ગયા તેનો કોઇ હિસાબ જ નથી.

મૃતાંક ઓછો જાહેર થાય તે માટે ડેથ ઓડિટ કમિટીને મૂકવામાં આવી
મ્યુકરમાઈકોસિસના દર્દીઓનાં મોત થાય તો તેમના મૃતદેહોને કોવિડ પ્રોટોકોલની જેમ પ્લાસ્ટિક બેગમાં પેક કરીને સ્મશાન ગૃહ પહોંચાડવામાં આવી રહ્યા છે. મૃતાંક ઓછો જાહેર થાય તે માટે ડેથ ઓડિટ કમિટીને મૂકવામાં આવી છે પણ મ્યુકરમાઈકોસિસમા કો-મોર્બિડિટી પર ઢોળી શકાય તેવું થતું નથી તેથી આ આંક પણ જાહેર કરાયો નથી. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદી પાસે મ્યુકરમાઈકોસિસમાં સારવાર દરમિયાન કેટલાનાં મોત થયા અને તેમાંથી ડેથ ઓડિટ કમિટીએ કેટલા મોત મ્યુકર અને કેટલા કો-મોર્બિડથી થયા છે તે પ્રશ્ન કરાતા તેઓ ઉત્તર આપી શક્યા ન હતા.તંત્રએ અગાઉ કોવિડ પોઝટીવ દર્દીના મોતના આંક છુપાવવાનું કારસ્તાન કર્યું હતું ત્યારે હવે મ્યુકરના દર્દીઓના મોત અંગે પણ આંક છુપાવી મૌન સીવી લીધું છે.