તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્માષ્ટમી:રાજકોટમાં કાલે ભગવાન કૃષ્ણની શોભાયાત્રા નીકળશે, 1237 પોલીસ જવાનો ખડેપગે રહેશે, 25 કિમીને બદલે 10 કિમી રૂટમાં ફરી 12 વાગ્યે સમાપાન થશે

રાજકોટ20 દિવસ પહેલા
શોભાયાત્રાને લઇ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તડામાર તૈયારી, મુખ્ય રથને તૈયાર કરાયો.
  • આ વર્ષે ‘વ્હાલી રે ગાયો, ને વ્હાલું વૃંદાવન, સખાભાવ વરસાવે ગોકુલનંદન’ રથયાત્રાનું સૂત્ર

રાજકોટમાં સાડા ત્રણ દાયકાથી ખૂબ ધામધૂમથી નીકળતી અને શહેરમાં સૌથી મોટી એવી જન્માષ્ટમી શોભાયાત્રા આ વખતે અનલોકમાં છૂટછાટના પગલે યોજવાનો નિર્ણય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે જાહેર કરાયો છે. શોભાયાત્રા દર વર્ષે આશરે 25 કિ.મી.ના રૂટ પર નીકળે છે. પરંતુ સરકારના નિયમોને આધિન આ વખતે આશરે 10 કિ.મી.ના રૂટ પર નીકળશે અને સાંજને બદલે બપોરે 12 વાગ્યે તેનું સમાપન થશે. શોભાયાત્રામાં 1237 પોલીસ જવાનો ખડેપગે રહેશે.

શોભાયાત્રામાં મુખ્ય રથ અને પાંચ અન્ય વાહનો
દર વર્ષે જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવના દિવસે યોજાતી આ રથયાત્રા ગત વર્ષે કોરોનાના કેસો વધારે હોય રદ કરાઈ હતી. પરંતુ આ વર્ષે નિયમો અનુસાર માત્ર 200 લોકોની હાજરીમાં અને દર વર્ષે 50થી 60 આકર્ષક ફ્લોટ્સને બદલે આ વખતે ડિસ્ટન્સ જળવાય અને સંક્રમણ ન ફેલાય તે માટે માત્ર મુખ્ય રથ અને પાંચ અન્ય વાહનો જ તેમાં જોડાશે.

મુખ્ય રથ સાથે અન્ય પાંચ વાહને રહેશે.
મુખ્ય રથ સાથે અન્ય પાંચ વાહને રહેશે.

સમગ્ર યાત્રા પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે
દર વર્ષની પરંપરા મુજબ જે તે વર્ષની દેશની સ્થિતિ અન્વયે આ શોભાયાત્રાનું સૂત્ર નક્કી કરાતું હોય છે. જેમાં આ વર્ષે ‘વ્હાલી રે ગાયો, ને વ્હાલું વૃંદાવન, સખાભાવ વરસાવે, ગોકુલનંદન’ એ રથયાત્રાનું સૂત્ર જાહેર કરાયું છે. સલામતિ માટે, સંક્રમણ ન ફેલાય તે માટે તથા ટ્રાફિક જામ અટકાવવા પોલીસે બંદોબસ્તની સ્કીમ નક્કી કરી હતી અને સમગ્ર યાત્રા પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે તેમ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે, ગત અષાઢી બીજની રથયાત્રા માત્ર પ્રતિકાત્મક યોજાઈ હતી અને રૂટ પર કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો. પરંતુ સોમવારે યોજાનાર રથયાત્રા માટે આવા કોઈ નિયંત્રણો મૂકાયા નથી. જોકે રથયાત્રાનું કદ અને રૂટ તથા સમય ઘટાડી દેવાયા છે.

8 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં શોભાયાત્રા પૂર્ણ થશે
આ શોભાયાત્રા સવારે 8 વાગ્યે કિશાનપરા ચોકથી સંતો-મહંતોની હાજરીમાં રથયાત્રાનું પ્રસ્થાન થશે. બાદમાં જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, હરીહર ચોક, લીમડા ચોક, એસ.બી.એસ. ટી પોઇન્ટ, ત્રીકોણ બાગ, માલવીયા ચોક, લોધાવાડ ચોક, ભુતખાના ચોક, કેનાલ રોડ, બોમ્બે આર્યન ચોક, જિલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા જુની જેલ ચોક, ચુનારાવાડ ચોક, ડીલક્સ ચોક, કે.ડી. ચોક, બાલકદાસજી હનુમાન ચોકથી પારૂલ ગાર્ડન ખાતે 12 વાગ્યે પૂર્ણ થશે.

શોભાયાત્રાનો રૂટ.
શોભાયાત્રાનો રૂટ.

1237 પોલીસ જવાનો ખડેપગે રહેશે
શોભાયાત્રાને લઇને ડીસીપી 2, એસીપી 8, PI 15, PSI 42, મહિલા PSI 8, પોલીસ જવાનો 441, મહિલા પોલીસ 122, એસ.આર.પી. કંપની 1 કંપની 2 પ્લાટુન(77 જવાનો), બી.ડી.ડી.એસ.ની ટીમ-2(14), હોમગાર્ડ-162 અને ટીઆરબી 331 સાથે કુલ 1237 પોલીસ ફોર્સથી પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. સરકારની ગાઇડલાઇન મુજબ શોભાયાત્રામાં 200થી વધુ લોકો એકઠા થઇ શકશે નહીં. આથી આમ પ્રજાજનોએ શોભાયાત્રામાં જોડાવું નહીં અને બહારથી જ શોભાયાત્રાના દર્શન કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...