તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂકાદો:ગોંડલના મેસપરમાં ચૂંટણીના વેરમાં કોન્સ્ટેબલની હત્યા કરનાર 4 આરોપી અને રાજકોટમાં બિલ્ડરની હત્યા કરનાર 1 આરોપીને આજીવન કેદ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોંડલ કોર્ટની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગોંડલ કોર્ટની ફાઇલ તસવીર.
  • રાજકોટના બિલ્ડર ડાયાભાઈ કોટેચાની આરોપીએ તેની જ ઓફિસમાં છરી ઘા ઝીંકી હત્યા કરી હતી

ગોંડલના સેશન્સ કોર્ટના જજ એચ.પી. મહેતાએ ગોંડલ તાલુકાના મેસપર ગામે 2017માં ચૂંટણી સબંધી વેરઝેરમાં પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજાની હત્યા અને તેના પિતરાઈ અનિરૂદ્ધસિંહ જાડેજાની હત્યાની કોશિશના ગુનામાં 4 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ રાજકોટમાં જમીનના વિવાદમાં 2009માં બિલ્ડર ડાયાભાઈ કોટેચાની શૈલેન્દ્ર જાડેજાએ હત્યા કરી હતી. આ કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે આજીવન કોર્ટની સજા ફટકારી હતી. પરંતુ આરોપીએ હાઇકોર્ટની ડિવીઝન બેંચમાં અપીલ કરી હતી. પરંતુ હાઇકોર્ટે તેની અપીલ ફગાવી સજા કાયમ રાખી છે.

ગોંડલના મેસપરમાં પંચાયતની ચૂંટણીના વેરઝેરમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરાઇ હતી
ગોંડલ તાલુકાના મેસપર ગામમાં 2018માં થયેલી પંચાયતની ચૂંટણીઓમાં થયેલી હરિફાઈના કારણે મેસપર ગામના રાજેન્દ્રસિંહ જટુભા જાડેજા, માધુભા પ્રવિણસિંહ જાડેજા, મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા, ક્રિપાલસિંહ અજીતસિંહ જાડેજા અને બાળ આરોપીએ અનિરૂદ્ધસિંહ જાડેજાને બાઇક પરથી પછાડી તેના માથા ઉપર કુહાડીનો ઘા મારી હત્યાની કોશિશ કરી હતી. અનિરૂદ્ધસિંહ પોતાના બચાવ માટે પોતે મરણ ગયેલ હોવાનું નાટક કર્યું હતું. જેથી પાંચેય આરોપીઓએ આ વ્યકિત મરી ગયા હોવાનું સમજ્યા હતા. આ સમયે સામેથી આવી રહેલા અનિરૂદ્ધસિંહના પિતરાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજાને પણ આ પાંચેય આરોપીઓએ બાઇક પરથી પછાડી દઈ તલવાર, ધારીયુ અને કુહાડીના ઘા માર્યા હતા.

તમામ આરોપીઓ સામેથી પોલીસ સમક્ષ હાજર થઇ ગયા હતા
આ સમગ્ર બનાવ મૃત્યુનું નાટક કરી રહેલા અનિરૂદ્ધસિંહ જાડેજાએ પોતે નજરે નજર જોયું હતું. ત્યારબાદ પાંચેય આરોપીઓએ બેભાન થઈ ગયેલા નરેન્દ્રસિંહ જાડેજાને તેઓની વાડીએ લઈ ગયા હતા અને નરેન્દ્રસિંહની હત્યા કરી હતી. નરેન્દ્રસિંહનુ અપહરણ થયાની સમગ્ર હકિકત અનિરૂદ્ધસિંહ જાડેજાએ જોઇ હતી. તા.12/05/2018ના રોજ બનેલા આ બનાવ બાદ આરોપી રાજેન્દ્રસિંહ જાડેજા તા.13/05/2018ના રોજ પોલીસ સમક્ષ રજૂ થયો હતો. અને બીજા 4 આરોપીઓ તા.18/05/2018ના રોજ પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસે આ આરોપીઓના બનાવ સમયે પહેરેલા જે કપડા કબ્જે કર્યા હતા તે તમામ કપડાઓમાંથી રાજેન્દ્રસિંહ જાડેજાના કપડા ઉપર તથા તેમને ઉપયોગમાં લીધેલી કુહાડી ઉપર ગુજરનાર નરેન્દ્રસિંહ જાડેજાના લોહીના ડાઘ મળી આવ્યા હતા.

5 આરોપીઓના નામ ફરિયાદમાં જણાવવામાં આવ્યા હતા
આ કેસના પુરાવાના અંતે આરોપીઓ તરફથી બચાવ કરવામાં આવ્યો હતો કે, 5 આરોપીઓના નામ ફરિયાદમાં જણાવવામાં આવ્યા છે. પરંતુ ફક્ત એક આરોપીના કપડા અને હથિયાર ઉપર મૃતકનું લોહી મળી આવ્યું છે. આ કારણે ફરિયાદીએ આપેલી ફરિયાદમાં 4 આરોપીના નામ ખોટી રીતે આપવામાં આવ્યા હોવાની રજુઆત કરવામાં આવી હતી. સરકાર તરફે નિમાયેલ સ્પે. પી. પી. એસ.કે. વોરાએ દલિલો કરતા જણાવ્યું કે, આરોપી રાજેન્દ્રસિંહ જાડેજાના કપડા અને હથિયાર ઉપર મૃતકનું લોહી મળી આવ્યું છે. આથી તેઓએ ત્યાં હત્યા કર્યાનું સ્પષ્ટપણે સાબિત થાય છે. 4 આરોપીઓ બનાવ બાદ દિવસે પોલીસ સમક્ષ રજુ થયા હતા. આથી આ દિવસ દરમિયાન તેઓએ પોતાના કપડા અને હથિયાર ઉપરનું લોહી સાફ કરી નાખ્યું હોવાનું કાયદાકીય અનુમાન થવા પાત્ર છે.

આરોપીઓએ ગુનો આચરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ ભજવ્યો હતો
આ ઉપરાંત અનિરૂદ્ધસિંહ જાડેજાને બાઇક પરથી પછાડી તેના શરીર ઉપર અસંખ્ય ઈજાઓ કરવી તેમજ નરેન્દ્રસિંહ જાડેજાને ઈજાઓ કરી તેને અર્ધભાન અવસ્થામાં વાડીએ લઈ જવા આ સમગ્ર કાર્યવાહી માટે બેથી વધુ વ્યક્તિ હોવી અનિવાર્ય છે. ફક્ત એક જ વ્યક્તિ આટલા લાંબા સમય સુધી બે બે વ્યક્તિઓને ઈજાઓ કરી એકનું મૃત્યુ નિપજાવવું તે અશક્ય છે. આ કારણે ફરિયાદમાં જે 5 આરોપીઓના નામ આપવામાં આવ્યા છે તે તમામ આરોપીઓએ ગુનો આચરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ ભજવ્યો હોવાનું સ્પષ્ટપણે જણાય આવે છે. ​​​​​​​

આરોપીઓએ જ આ હત્યા અને હત્યાની કોશિશના ગુનાઓ આચર્યા હોવાનું સ્પષ્ટ થયું હતું
આ ઉપરાંત રજુઆત કરવામાં આવી હતી કે, જે હત્યાની કોશિશનો બનાવ આરોપીઓના ઘરની સામે જ બન્યો તે બનાવ અંગે આરોપીઓ કશુ જાણતા ન હોય તે માનવાપાત્ર વાત નથી. આ કારણે આરોપીઓ પોતાની નિર્દોષતા સાબિત કરવા ઉપરાંત આ બનાવમાં ક્યાં અન્ય વ્યક્તિઓ હતા અને શા કારણે બનાવ બન્યો હતો તે અંગે કોઈ વિગતો જાહેર ન કરે ત્યારે આરોપીઓએ જ આ હત્યા અને હત્યાની કોશિશના ગુનાઓ આચર્યા હોવાનું સ્પષ્ટ થાય છે.

ગોંડલ સેશન્સ કોર્ટે ચાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી
​​​​​​​
સ૨કા૨ ત૨ફેની આ તમામ રજુઆતો ધ્યાનમાં લઈ અધિક સેશન્સ કોર્ટના જજ એચ. પી. મહેતાએ આરોપીઓ રાજેન્દ્રસિંહ જટુભા જાડેજા, માધુભા પ્રવિણસિંહ જાડેજા, મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા અને ક્રિપાલસિંહ અજીતસિંહ જાડેજાને હત્યા અને હત્યાની કોશિશના ગુનાઓને લઇ આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકારની મદદગારી માટે નરેન્દ્રસિંહ ઝાલા રોકાયેલ હતા અને સરકાર તરફે સ્પે. પી.પી. તરીકે જિલ્લા સરકારી વકીલ સંજય કે. વોરા રોકાયેલા હતા.

ગોંડલ હત્યા કેસમાં વકીલ તરીકે નરેન્દ્રસિંહ ઝાલા રોકાયા હતા.
ગોંડલ હત્યા કેસમાં વકીલ તરીકે નરેન્દ્રસિંહ ઝાલા રોકાયા હતા.

રાજકોટમાં 2009માં બિલ્ડર હત્યા કેસમાં હાઇકોર્ટે આરોપીની આજીવન કેદની સજા કાયમ રાખી
​​​​​​​
રાજકોટમાં 2009માં આણંદપર ગામની જમીનના વિવાદમાં રાજકોટના બિલ્ડર ડાયાભાઇ કોટેચાની શૈલેન્દ્ર જાડેજાએ તેની ઓફિસમાં જઇ છરીના ઘા મારી હત્યા નીપજાવી હતી. આ કેસમાં રાજકોટની સેશન્સ કોર્ટે શેલેન્દ્ર જાડેજાને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે આરોપીએ હાઇકોર્ટની ડિવીઝન બેંચમાં અપીલ કરી હતી. પરંતુ હાઇકોર્ટે અપીલને ફગાવી આરોપીની આજીવન કેદની સજા કાયમ રાખી છે.

ડાયાભાઇ અને શૈલેન્દ્ર જાડેજા વચ્ચે કાલાવડની સિવિલ અદાલતમાં તકરાર ચાલુ હતી
આ ચકચારી બનાવ અંગેની વિગત એવી છે કે, રાજકોટમાં જમીન–મકાનના વ્યવસાયમાં ટોચનુ સ્થાન ધરાવતા અને સમાજસેવી ડાયાભાઈ કોટેચાને આણંદપર ગામના શૈલેન્દ્ર બચુ જાડેજાએ આણંદપરની સર્વે નં. 441ની જમીનના વિવાદમાં તા.25/03/2009ના રોજ સાંજના સમયે સ્ટાર પ્લાઝા બિલ્ડિંગમાં તેમની ઓફિસમાં જ બેફામ છરીના ઘા મારી હત્યા કરી હતી. બનાવની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જેમાં એવો આક્ષેપ કરાયો હતો કે, આણંદપરની સર્વે નં. 441ની કિંમતી જમીન સંદર્ભે આરોપી તથા મૃતક વચ્ચે કાલાવડની સિવિલ અદાલતમાં તકરાર ચાલુ હોય તે દરમિયાન મૃતક ડાયાભાઈને આરોપી તથા તેના પરિવારજનો દ્વારા પરેશાન કરવામાં આવતા હતા.