આપઘાતમાં આટાપાટા:કાગદડી આશ્રમના બે ટ્રસ્ટીએ મહંતને મરવા મજબૂર કર્યા, બે મહિલા સાથેના બાપુના 6 આપત્તિજનક વીડિયો! એક સેવા આપતી, પ્રેમસંબંધ કે હનીટ્રેપ?

રાજકોટએક વર્ષ પહેલા
ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુએ 1 જૂને આપઘાત કર્યો હતો (ફાઇલ તસવીર).
  • રાજકોટના કાગદડી નજીક ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસબાપુએ 31 મેના રોજ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો
  • મહિલા સાથે આપતિજનક વીડિયો ઉતારી મહંતનો ભત્રીજો-જમાઈ અને તેનો એક મિત્ર બ્લેકમેઇલ કરી પૈસા પડાવતા

રાજકોટની ભાગોળે મોરબી રોડ પર કાગદડી ગામે આવેલા ખોડિયાર આશ્રમના મહંતનું 1 જૂનના રોજ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું, જેનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. મહંત જયરામદાસ બાપુના રૂમમાંથી મળેલી સુસાઇડ નોટ પરથી આશ્રમ ટ્રસ્ટના જ બે ટ્રસ્ટી અને બાપુના ભત્રીજા અલ્પેશ સોલંકી અને હિતેષ જાદવ તેમજ વિક્રમ ભરવાડ સામે પોલીસે મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ બે મહિલા સાથેના મહંતના 6 આપત્તિજનક વીડિયો ઉતારી હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની પણ ચર્ચા ઊઠી છે તેમજ મહિલા સાથે મહંતનો પ્રેમસંબંધ હોવાની શંકા વ્યક્ત કરાઇ છે, કારણ કે એક મહિલા આશ્રમમાં સેવા આપવા આવતી હતી. ત્યારે આ બે મુદ્દે પોલીસ તપાસ કરશે.

દોઢેક વર્ષ પહેલાં મહિલા સાથેનો આપત્તિજનક વીડિયો બનાવ્યો હતો
બાપુના રહસ્યમય મોત બાદ 6 જૂનના રોજ તેમના રૂમમાંથી સુસાઇડ નોટ મળી હતી. આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ 20 પાનાંની સુસાઇડ નોટ પોલીસને સોંપી હતી. પોલીસે ટ્રસ્ટીઓનાં નિવેદન લીધા હતા. આ મુજબ તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે દોઢેક વર્ષ પહેલાં મહંતનો એક મહિલા સાથેનો વીડિયો બતાવી આરોપી અને ટ્રસ્ટના ટ્રસ્ટીના અલ્પેશ પ્રતાપ સોલંકી (રહે.પેઢાવાડા, તા.કોડીનાર) અને હિતેષ લખમણ જાદવ (રહે.પ્રશનાવાડા, તા.સુત્રાપાડા, જિ.ગીર-સોમનાથ) બાપુને બ્લેકમેઇલ કરી રહ્યા હતા. બાપુ પાસેથી આરોપીઓએ રૂપિયા પણ પડાવી લીધા હતા. આ કાવતરામાં રાજકોટના ગાંધીગ્રામમાં રહેતો વિક્રમ દેવજી સોહલા આરોપીઓની મદદ કરતો હતો.

આ કેસમાં પોલીસે SITની રચના કરી, પોલીસની 4 ટીમ કામે લાગી
​​​​​​​
રાજકોટ ઝોન 1ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યું હતું કે, આ મામલે SITની રચના કરવામાં આવી છે. જેમાં કુલ ચાર પોલીસની ટીમ બનાવવામાં આવી છે. 2 ટીમ ક્રાઇમ બ્રાન્ચની અને અન્ય 2 સ્થાનિક પોલીસની ટીમનો સમાવેશ થાય છે. આ મામલે દેસ હોસ્પિટલના સંચાલક અને ડોક્ટરની પણ પૂછપરછ કરવામાં આવશે. પોલીસે કબ્જે કરેલા સીસીટીવીમાં વિક્રમ 30 મેના રોજ બપોરેના સમયે લાકડુ લઇને આશ્રમમાં જતો નજરે પડે છે.

રાજકોટનો વિક્રમ સોહલા મહંતને માર મારતો હતો (હાલ ફરાર છે).
રાજકોટનો વિક્રમ સોહલા મહંતને માર મારતો હતો (હાલ ફરાર છે).

30 જૂને રાત્રે રાજકોટના વિક્રમ સોહલાએ મહંતને માર માર્યો હતો
છેલ્લા ઘણા સમયથી મહંત આ મામલાને પતાવી દેવા માટે અને સમાધાન માટે પ્રયત્ન કરતા હતા, પરંતુ 30 જૂનના રોજ રાત્રિના સમયે બાપુને વિક્રમ સોહલા સાથે ઝઘડો થયો હતો, જેમાં વિક્રમે મહંત સાથે મારકૂટ કરી હતી. બાદમાં બાપુ માનસિક રીતે ત્રસ્ત થઇ ગયા હતા. 31મેએ રાત્રિએ આશ્રમમાં આવેલી ગૌશાળાની હોસ્પિટલમાં જઇ પશુને આપવાની દવાના ટીકડા પોતાના રૂમમાં લઇ જઇ ગળી લીધા હતા. મોટા પ્રમાણમાં દવાઓ ગળી લીધા બાદ બાપુ પોતાના રૂમમાં જઇ સૂઇ ગયા હતા. સવારે 6 વાગ્યે આશ્રમના સેવક પ્રવીણભાઇ બાપુને ઉઠાડવા ગયા ત્યારે તેમણે જોયું કે બાપુ બેભાન હાલતમાં પાડ્યા છે અને તેમણે લીલા કલરની ઊલટી કરી છે, આથી તેમણે તરત કાગદડીમાં જ રહેતા ટ્રસ્ટી રામજીભાઇ લીંબાસિયાને જાણ કરી હતી.

મહંતના રૂમની સાફ-સફાઇ કરતાં સુસાઇડ નોટ મળી
રામજીભાઇએ આશ્રમે આવી રાજકોટ રહેતા ટ્રસ્ટીઓને જાણ કરી હતી, જેથી ટ્રસ્ટીઓ આશ્રમ દોડી આવ્યા હતા અને બેભાન હાલતમાં રહેલા બાપુને રાજકોટની દેવ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અનુમાન છે કે બાપુનું રાત્રે જ મોત નીપજ્યું હતું. આ બાદ ટ્રસ્ટીઓએ કે ડોક્ટરે પોલીસને જાણ કરવાના બદલે બાપુના મૃતદેહને સીધા કાગદડી આશ્રમે લાવી દર્શન માટે તેમના મૃતદેહને રાખવામાં આવ્યા બાદ આશ્રમમાં જ અગ્નિદાહ આપી દીધો હતો અને બીજે દિવસે અમુક ટ્રસ્ટીઓ અને બાપુના અનુયાયીઓ અસ્થિ વિસર્જન કરવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. 3 જૂનના રોજ અસ્થિ વિસર્જન બાદ 6 જૂનના રોજ ટ્રસ્ટીઓ પરત કાગદડી આવ્યા હતા અને બાપુના રૂમની સાફ-સફાઇ કરતા હતા ત્યારે બાપુએ લખેલી 20 પાનાંની સુસાઇડ નોટ મળી આવી હતી.

મહંતનું હાર્ટ-અટેકથી મોત થયાનું સર્ટિફિકેટ હોસ્પિટલે આપ્યું.
મહંતનું હાર્ટ-અટેકથી મોત થયાનું સર્ટિફિકેટ હોસ્પિટલે આપ્યું.

તબીબો માનવતા ચૂક્યા કે કોઇનું દબાણ
ઉલ્લેખનીય છે પોલીસ તપાસમાં સુસાઇડ નોટ મળતાં ખૂલ્યું છે કે મહંતે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે છતાં પણ દેવ હોસ્પિટલમાં કાર્યરત તબીબો દ્વારા બાપુની યોગ્ય રીતે તપાસ કરવાની જગ્યાએ હાર્ટ-અટેકથી મૃત્ય થયું છે એવું સર્ટિફિકેટ આપી દેતાં ભારે ચકચાર મચી જવા પામી છે. હોસ્પિટલના તબીબો આ પ્રકરણમાં માનવતા ચૂક્યા કે કોઇના દબાણથી આ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું છે તેવા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

અસ્થિ અને રાખ પોલીસ DNA ટેસ્ટ માટે પણ મોકલશે
આ સુસાઇડ નોટ કુવાડવા રોડ પોલીસને સોંપવામાં આવી હતી. સુસાઇડ નોટમાં અલ્પેશ જાદવ અને વિક્રમ ભરવાડ મહિલા સાથેના વીડિયોને લઇ મહંત પાસેથી રૂપિયા પડાવતા હોવાનો અને બ્લેકમેઇલ કરતાં હોવાનું ખૂલ્યું હતું. બાદમાં પોલીસે સુસાઇડ નોટ અને બાપુના હસ્તે લખાયેલું અન્ય લખાણ લઇ સુસાઇડ નોટ બાપુએ જ લખી છે કે કેમ? એ અંગે ચકાસણી કરવા FSLમાં મોકલાઇ છે. બીજી તરફ બાપુએ કંઇ દવા લીધી હતી એ જાણવા બાપુ જ્યાં મૃત્યુ પામ્યા એ ગાદલા અને ગોદડા ઉપર લીલા કલરની ઊલટીનાં નિશાન હોવાથી એ પુરાવા પણ FSLમાં મોકલાયા છે. આ મામલે હજુ સુધી આરોપીઓ ઝડપાયા નથી, આથી પોલીસ જુદી-જુદી ટીમ બનાવી તપાસ કરી રહી છે. જયરામદાસબાપુના અસ્થિ અને રાખને પોલીસ DNA ટેસ્ટ માટે પણ મોકલશે.

શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી મહંતે આપાઘાત કરી લીધો.
શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી મહંતે આપાઘાત કરી લીધો.

એક મહિલા આશ્રમમાં જ સેવા આપવા આવતી હતી
મહંત જયરામદાસના બે મહિલા સાથેના વીડિયો ઉતારાયા હતા. પોલીસને જાણવા મળ્યું કે તેમાંથી એક મહિલા આશ્રમમાં સેવા આપવા આવતી હતી. હવે પોલીસે આ બન્ને મહિલાનાં નામ, સરનામાં મેળવવા તજવીજ હાથ ધરી છે. બન્ને મહિલાનાં પણ નિવેદન લઈ મહંતને બ્લેકમેઈલિંગ કરવામાં કોઈ ભૂમિકા હતી કે કેમ એ અંગે પોલીસ તપાસ કરશે.

બનાવનો સમગ્ર ઘટનાક્રમ
- દોઢ વર્ષ પહેલાં મહંતનો મહિલા સાથે આપત્તિજનક વીડિયો ઉતારવામાં આવ્યો.
- આ દરમિયાન આરોપીઓએ મહંત પાસેથી રૂપિયા અને એક કાર પડાવી લીધી.
- 30 મેના રોજ સમાધાન બાબતે વિક્રમ ભરવાડે મહંતને માર માર્યો.
- 31 મેએ રાત્રે મહંત ગૌશાળામાંથી પશુને આપવાની દવાના ટીકડા ગળી ગયા.
- 1 જૂનના રોજ સવારે મહંતને હોસ્પિટલે ખસેડ્યા, હાર્ટ-અટેકથી મોત થયાનું બહાનું બનાવાયું.
- 2 જૂનના રોજ આશ્રમમાં જ અંતિમસંસ્કાર થયા.
- 3 જૂનના રોજ હરિદ્વારમાં અસ્થિવિસર્જન થયું.
- 6 જૂનના રોજ ટ્રસ્ટીઓ હરિદ્વારથી પરત ફર્યા ત્યારે મહંતના રૂમમાંથી સુસાઈડ નોટ મળી.
- 8 જૂનના રોજ ટ્રસ્ટી રામજીભાઈ લીંબાસિયાએ કુવાડવા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

આરોપી હિતેષ અને અલ્પેશની ફાઇલ તસવીર.
આરોપી હિતેષ અને અલ્પેશની ફાઇલ તસવીર.

આરોપીઓએ મહંત સાથે મહિલાના છ આપત્તિજનક વીડિયો ઉતાર્યા હતા
પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે મહંત જયરામદાસની સુસાઈડ નોટ પરથી જાણવા મળે છે કે મહંત સાથે મહિલા આપત્તિજનક સ્થિતિમા હોય તેવા છ વીડિયો આરોપીઓ પાસે છે, જે બતાવીને તેઓ મહંતને બ્લેકમેઈલ કરતા હતા. હાલ પોલીસ પાસે 1 વીડિયો આવ્યો છે, બાકીના વીડિયો આરોપી ઝડપાયા બાદ પોલીસ પાસે આવી શકે છે. આ એક વીડિયો પોલીસ પાસે કંઈ રીતે આવ્યો એ અંગે પોલીસે કોઈ માહિતી આપી નથી.

પોલીસ પહોંચી એ પહેલા જ આરોપીઓ કોડીનારથી નાસી છૂટ્યા
છેલ્લા બે દિવસથી કુવાડવા રોડ પોલીસની જુદી જુદી ટીમ મહંતને મરવા મજબૂર કરનારા આરોપીઓની શોધખોળ કરી રહી છે. ગઈકાલે એક ટીમ ગીર-સોમનાથ જિલ્લાનાં કોડીનારમાં આવેલા પેઢાવાડા ખાતે પહોંચી હતી અને બાદમાં સુત્રાપાડાના પ્રશ્નવાડામાં પણ આરોપીના ઘેર પહોંચી હતી,. પરંતુ આરોપીઓએ અગાઉ જ ત્યાંથી નીકળી ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ મહંતના મોત બાદથી જ ફરાર થઈ ગયા છે.

આશ્રમમાં 10 ટ્રસ્ટી છે.
આશ્રમમાં 10 ટ્રસ્ટી છે.

આશ્રમ ટ્રસ્ટમાં કુલ 10 ટ્રસ્ટી છે
કાગદડીનાં ખોડિયારધામ આશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં કુલ 10 ટ્રસ્ટી છે, જેમાં પ્રમુખ સાધુ જયરામદાસ હતા. ઉપ-પ્રમુખ રાજકોટના કાલાવડ રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતા જિતેન્દ્રસિંહ નવઘણસિંહ જાડેજા છે, જ્યારે મંત્રી તરીકે રાજકોટના નામાંકિત વકીલ રક્ષિતભાઈ વસંતભાઈ કાછેલા સેવા આપી રહ્યા છે અને સહમંત્રી તરીકે રામજીભાઈ જેશાભાઈ લીંબાસિયા છે. ટ્રસ્ટી તરીકે રાજકોટના નેહરુનગરની રેમ્બો રેસિડેન્સીમાં રહેતા સુરેશભાઈ રત્નાભાઈ વાછાણી, પરેશભાઈ પરસોતમભાઈ હરસોડા, જગદીશભાઈ રણછોડભાઈ વેકરિયા અને આ ગુનામાં આરોપી રહેલા અલ્પેશ સોલંકી અને હિતેષ જાદવ પણ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે કામ કરે છે.

પોલીસે પૂર્વ આયોજિત કાવતરાની કલમ ન ઉમેરી
જયરામદાસ બાપુનો કોઈ મહિલા સાથે વીડિયો ઉતારી આરોપીઓએ બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવી લેવા કાવતરું રચ્યું હતું. ફરિયાદ પરથી પણ એ હકીકત મળે છે, પરંતુ પોલીસે મરવા મજબૂર કર્યાની કલમ 306 અને મદદગારીની કલમ 114 મુજબ ગુનો નોંધ્યો હતો, પરંતુ કાવતરાની કલમ 120(બી) ઉમેરવામાં આવી નથી. એવું પણ બની શકે કે આરોપીઓ પકડાયા બાદ બીજી કલમોનો ઉમેરો થઈ શકે છે.

અગાઉ આશ્રમની જમીન વિવાદમાં આવી હતી.
અગાઉ આશ્રમની જમીન વિવાદમાં આવી હતી.

આશ્રમની જમીન એક વર્ષ પહેલાં જ ટ્રસ્ટના નામે થઈ હતી
સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, કાગદડીમાં આવેલા ખોડિયારધામ આશ્રમની જમીન હજુ એક વર્ષ પહેલાં જ તમામ સરકારી કાગળો ક્લિયર કરી ટ્રસ્ટના નામે ચડી હતી. બાપુના આપઘાત પાછળ જમીનપ્રકરણ પણ હોવાની ચર્ચા થઈ રહી છે ત્યારે ચર્ચા થઈ રહી છે કે જમીનને લઈ આરોપીઓએ બાપુ પર કોઈ દબાણ કર્યું હતું?

વિક્રમ ભરવાડ રાજકીય વગ ધરાવે છે
વીડિયો-ક્લિપ થકી મહંત જયરામદાસને ત્રાસ આપી મારકૂટ કરી અન્ય આરોપીને મદદગારી કરનાર આરોપી વિક્રમ દેવજી સોહલા રાજકીય વગ ધરાવતો હોવાનું જાણવા મળે છે. આ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે, તેથી આગોતરા જામીન મેળવવા તે પ્રયાસ કરી શકે છે. મહંતના મોતનું રહસ્ય ખોલવા પોલીસે આશ્રમના સીસીટીવી ફુટેજ અને ડીવીઆર જપ્ત કર્યાં છે. આશ્રમમાં તા.30ના રોજ વિક્રમ ભરવાડે બાપુ સાથે ઝઘડો કર્યો હતો. એના સીસીટીવી ફૂટેજ પણ પોલીસના હાથમાં આવ્યા છે. હવે વિક્રમ ભરવાડને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

ટ્રસ્ટીઓ અને અનુયાયીઓએ અંતિમવિધિ કરી હતી.
ટ્રસ્ટીઓ અને અનુયાયીઓએ અંતિમવિધિ કરી હતી.

એક કાર અને રૂ.50 હજાર આરોપીઓએ મહંત પાસેથી પડાવી લીધા હતા
સુસાઈડ નોટમાં લખાયા મુજબ, આરોપીઓ મહિલા સાથેનો વીડિયો બતાવી મહંત જયરામદાસબાપુ પાસેથી રૂપિયા મેળવતા હતા. આ દરમિયાન આરોપીઓએ એક કાર અને રૂ. 50 હજાર પડાવી લીધા હતા. વધુ રૂપિયા મેળવ્યા છે કે કેમ એ અંગે તપાસ શરૂ કરાઈ છે. એક ચર્ચા પ્રમાણે આરોપીઓએ અત્યારસુધીમાં મહંત પાસેથી 20 લાખ પડાવ્યા છે.