દર્શન:11 જૂને ખોડલધામ અને 14 જૂને વીરપુરમાં જલારામ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલશે, સવાર-સાંજ આરતીમાં પ્રવેશ પર પ્રતિબંધ

રાજકોટ4 મહિનો પહેલા
11 જૂને ખોડલધામ મંદિરના દ્વાર ખુલશે.
  • જલારામબાપાના મંદિરમાં દર્શનનો સમય સવારે 7થી બપોરના 1 અને બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે

કોરોના વાયસરની બીજી લહેરને લઈને વધુ સંક્રમણ ન ફેલાય તે માટે વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાએ તારીખ 11 એપ્રિલના રોજ પૂજ્ય જલારામ બાપાની જગ્યા દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જે 65 દિવસ બાદ આવતી 14 જૂન અને સોમવારના રોજ દર્શનાર્થીઓ માટે ખુલશે. સરકાર દ્વારા 11 જૂને રાજ્યના તમામ ધાર્મિક સ્થળો ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંતશ્રી જલારામ બાપાની જગ્યા તા.14 જૂને દર્શન માટે ખુલશે. જોકે સવાર-સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ અપાશે નહીંય. જ્યારે ખોડલધામ મંદિરના દ્વાર 11 જૂનના રોજ ખુલશે.

ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે
તારીખ 14 જૂન સોમવારથી ભક્તો માટે જલારામબાપાની જગ્યાના દ્વાર ખુલ્લા મુકવામા આવશે. 14 જૂન સોમવારથી સરકારી નિયમોને આધિન જલારામબાપાના ભક્તો દર્શન કરી શકશે. તારીખ 14 જૂન સોમવારથી દર્શનાર્થીઓએ વીરપુરમાં આવેલા શ્રી માનકેશ્વર મંદિર પાસેથી રજિસ્ટ્રેશન ઓફિસેથી રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવી ટોકન સિસ્ટમથી જલારામ બાપાની જગ્યામાં દર્શન કરવા માટે પ્રવેશ કરી શકશે. જલારામ બાપાના દર્શનનો સમય સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે. દર્શનાર્થીઓને સવાર-સાંજની આરતીમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. દર્શનાર્થીઓએ મોઢે માસ્ક ફરજીયાત બાંધવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.

14 જૂને જલારામ મંદિરના દ્વાર ખુલશે.
14 જૂને જલારામ મંદિરના દ્વાર ખુલશે.

ખોડલધામમાં ધ્વજારોહણમાં 50 ભાવિક જ ઉપસ્થિત રહી શકશે
લેઉવા પટેલ સમાજના એકતાનું પ્રતિક ખોડધામ મંદિર 11 જૂનથી ખુલશે, મંદિર સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ધવ્જારોહણમાં 50 ભાવિક જ ઉપસ્થિત રહી શકશે. આ મંદિર છેલ્લા બે મહિનાથી ભાવિકો માટે બંધ રાખવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લઈને તમામ ગાઈડલાઈનના પાલન સાથે મંદિર પરિસર ખોલવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના આ નિર્ણયને ભાવિકો પણ આવકારી રહ્યા છે. 10 એપ્રિલ-2021 થી ખોડલધામ મંદિર કોરોના વાયરસના પગલે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું.