શોકિંગ CCTV:રાજકોટમાં 3 દિવસ પહેલા BRTS રૂટમાં બનેલા હિટ એન્ડ રનના LIVE દૃશ્યો, પૂરપાટ ઝડપે આવતી કારે સાઇક્લિસ્ટ ઉદ્યોગપતિને ફૂટબોલની જેમ ફંગોળ્યા'તા

રાજકોટએક વર્ષ પહેલા
સર્કલમાં પૂરપાટ ઝડપે ઉદ્યોગપતિને સાઇકલ સાથે ઉલાળ્યા હતા અને ઇન્સેટ તસવીરમાં મૃતકની ફાઇલ તસવીર.
  • નાણાવટી ચોકથી રામાપીર ચોકડી વચ્ચે બનેલી ઘટના
  • કારચાલકને પોલીસે તેના ઘર નજીકથી પકડી લીધો હતો

રાજકોટની 150 ફૂટ રિંગ રોડ પર બીઆરટીએસ રૂટ પર રવિવારે વહેલી સવારે 5 વાગ્યે સાઇક્લિંગ કરી રહેલા ઉદ્યોગપતિ વિજયભાઇ સોરઠિયાને આ રૂટ પર જ પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે સાઇકલ સાથે ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વિજયભાઇનું મોત નીપજ્યું હતું. જોકે પોલીસે ગણતરીની કલાકોમાં કારચાલક યુવકની ધરપકડ કરી હતી. પરંતુ આ અકસ્માતના આજે સીસીટીવી સામે આવ્યા છે. જેમાં કાર પૂરપાટ ઝડપે આવતી નજરે પડે છે અને વિજયભાઇને સાઇકલ સાથે ઉલાળે છે.

વિજયભાઇ નિત્યક્રમ મુજબ સાઇક્લિંગ કરવા નીકળ્યા
150 ફૂટ રિંગ રોડ પરના કેકે પાર્કમાં રહેતા વિજયભાઇ ચનાભાઇ સોરઠિયા (ઉં.વ.43) રવિવારે વહેલી સવારે પોતાના નિત્યક્રમ મુજબ સાઇક્લિંગ કરવા નીકળ્યા હતા. સવારે 5 વાગ્યે વિજયભાઇ નાણાવટી ચોકથી રામાપીર ચોકડી તરફ બીઆરટીએસ રૂટ પર સાઇકલ ચલાવી રહ્યા હતા. ત્યારે રામાપીર ચોકડી તરફથી પ્રતિબંધિત બીઆરટીએસ રૂટ પર પૂરપાટ ઝડપે કાર ધસી આવી હતી, કારચાલકે સાઇકલને ઠોકરે ચડાવી હતી. વિજયભાઇ સાઇકલ સહિત ફંગોળાયા હતા. અકસ્માત થયો તે વખતે જ ખાનગી એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થતાં વિજયભાઇને તેમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

બે પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી
બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અકવાલિયા અને રાઇટર અર્જુનભાઇ ડવ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિજયભાઇ વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફાયબરનો વેપાર કરતા હતા અને તેઓ બે ભાઇમાં મોટા હતા તેમને સંતાનમાં બે પુત્રી છે. પરિવારના મોભી વિજયભાઇના આકસ્મિક મોતથી સોરઠિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

જમણી સાઇડના સર્કલમાં પૂરપાટ ઝડપે જતી કાર અને ડાબી સાઇડના સર્કલમાં ઉદ્યોગપતિ સાઇકલ લઇને આવતા નજરે પડે છે.
જમણી સાઇડના સર્કલમાં પૂરપાટ ઝડપે જતી કાર અને ડાબી સાઇડના સર્કલમાં ઉદ્યોગપતિ સાઇકલ લઇને આવતા નજરે પડે છે.

મૃતકના ભાઇની ફરિયાદ પરથી પોલીસે કારચાલકની ધરપકડ કરી
પોલીસે મૃતકના નાનાભાઇ હર્ષદભાઇ સોરઠિયાની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી કારચાલક બિગબજાર પાસેના ચંદ્રપાર્કમાં રહેતા સાર્થક વસંત કોરાટ (ઉ.વ.18)ની ઘર નજીકથી ધરપકડ કરી હતી. સાર્થક કોરાટને છ મહિના પૂર્વે જ ફોર વ્હિલનું લાઇસન્સ મળ્યું હોવાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું. બીઆરટીએસ રૂટ પર વાહન ચલાવવા પર પ્રતિબંધ હોવા છતાં સાઇકલચાલક અને કારચાલકે ત્યાં વાહન ચલાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...