તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સક્લૂસિવ:રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનો ગ્રાઉન્ડ રિપોર્ટ, રન-વે 60% તૈયાર, કલાકમાં 14 ફ્લાઇટ ઉડાન ભરશે, લેન્ડ થયાની બે મિનિટમાં રન-વે ખાલી, 50% ટ્રાફિક ડાઇવર્ટ થશે

રાજકોટ4 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
 • વર્ષે એરપોર્ટ પર 23 હજાર ટન કાર્ગોનો ટ્રાફિક મળવાની શક્યતા
 • વર્ષે 50 લાખ જેટલા પ્રવાસીઓનો ટ્રાફિક મળશે
 • રાજકોટથી 28 કિમી દૂર ચોટીલાના હીરાસર ગામે એરપોર્ટ બની રહ્યું છે
 • 2030 પછી જો પેસેન્જરની સંખ્યા વધી તો તરત ફેઝ-2 માટે વિચારાશે

રંગીલા રાજકોટની ઓળખ હવે વિશ્વ ફલક પર જોવા મળી રહી છે. રાજ્યમાં સૌપ્રથમ રાજકોટમાં એઇમ્સ આવતા રાજકોટની ઓળખ વધુ મજબૂત બની અને હવે અમદાવાદ હાઇવે પર રાજકોટથી 28 કિલોમીટર દૂર હીરાસર ગામે રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ આકાર લઇ રહ્યું છે. રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનતાં જ સૌરાષ્ટ્રવાસીઓ સરળતાથી અને સમયના બચાવ સાથે સાત સમુંદર પાર પહોંચી શકશે.

હાલ આ એરપોર્ટનું કામ પુરજોશમાં ચાલુ છે અને 60 ટકા જેટલું રન-વેનું કામ પૂરું થઇ ગયું છે. આ એરપોર્ટમાં અન્ય શું શું સુવિધાઓ હશે અને ક્યારે કામ પૂર્ણ થશે એ માટે DivyaBhaskarએ હીરાસર એરપોર્ટના ગ્રાઉન્ડ પર જઈ એક્સક્લૂસિવ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ એરપોર્ટ પર એક કલાકમાં 14 ફ્લાઈટ ઉડાન ભરી શકશે અને લેન્ડ થયાની બે મિનિટમાં રન-વે ખાલી થઇ જશે તેમજ સૌરાષ્ટ્રનો 50 ટકા ટ્રાફિક ડાયવર્ટ થઇ જશે. 1000 એકર એટલે કે 2500 વીઘા જમીન પર 2022 સુધીમાં તૈયાર થનારું આ એરપોર્ટ મોડર્ન એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ સાબિત થશે.

આ અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર લોકનાથ પાધીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક કલાકમાં 14થી 15 એરક્રાફ્ટ લેન્ડ કરી શકે છે. એરપોર્ટ બન્યા બાદ કાર્ગો ફેસિલિટી ઊભી કરવામાં આવશે. રાજકોટમાં હજુ આ એરપોર્ટ પર કાર્ગોની એટલી ડિમાન્ડ નથી, પરંતુ શરૂ થયા બાદ પરિસ્થિતિના આધારે કાર્ગોની સુવિધા અંગે નિર્ણય કરવામાં આવશે.

3040 મીટર લાંબો અને 10 હજાર ફૂટ પહોળો રન-વે બનશે
DivyaBhaskarએ જ્યારે હીરાસર એરપોર્ટની મુલાકાત લીધી ત્યારે પુરજોશમાં કામ ચાલુ જોવા મળ્યું હતું. એક પછી એક ઢાળવાળી જગ્યા જેસીબીથી સપાટ કરવામાં આવી રહી છે. રન-વેમાં પણ કામગીરી ચાલુ જોવા મળી હતી. રન-વેનું અન્ય કામ થઈ રહ્યું છે. હાલ રન-વે થોડો કાચો છે, પણ આગામી સમયમાં પાકો રન-વે પણ તૈયાર થશે. ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટમાં 3,040 મીટર લાંબો, 10,000 ફૂટ પહોળો રન-વે બનશે. 23000 સ્કવેર મીટર જગ્યામાં ટર્મિનલ બિલ્ડિંગ બનશે. જ્યારે ફલાઇટની સંખ્યા વધુ હશે તેવા સંજોગોમાં પણ મુખ્ય બિલ્ડિંગમાં એક કલાકમાં 1200થી વધુ મુસાફર અવરજવર કરી શકશે એવી ડિઝાઈન બનાવવામાં આવી છે, 6 એરો બ્રિજ અને 6 હેંગર, પેરેલલ ટેક્સી ટ્રેક, કંટ્રોલ ટાવર સહિતનાં બાંધકામો 1000 એકરમાં બનશે. આમ છતાં એઈમ્સ રાજકોટ પહેલાં એરપોર્ટ કાર્યરત કરવા એરપોર્ટ ઓથોરિટીએ નિર્ધાર કર્યો છે.

અમદાવાદનો 50 ટકા જેટલો ટ્રાફિક હીરાસર એરપોર્ટ ડાઇવર્ટ થશે
આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે એરપોર્ટ બાબતે અનેક રજૂઆતો કરી હતી. સૌરાષ્ટ્રમાં અને મુખ્ય તો રાજકોટમાં મુંબઈ અને દિલ્હી સુધીની જ ફ્લાઈટ મળે છે, પરંતુ હવે આ એરપોર્ટ જ્યારે શરૂ થશે ત્યારથી અમદાવાદનો 50 ટકા જેટલો ટ્રાફિક હીરાસર એરપોર્ટ ડાઇવર્ટ થશે. વિદેશ જવાની ફ્લાઈટો અહીંથી ઊપડતાં આખા સૌરાષ્ટ્રના લોકો અહીંથી જ ફ્લાઈટ લેવાનું પસંદ કરે એ સ્વાભાવિક છે. વાર-તહેવારે અને હરવા-ફરવા માટે ખાસ તો દેશ બહાર જે ઉદ્યોગો સાથે સંકળાયેલા છે તે લોકો માટે આ એરપોર્ટ આશીર્વાદ સમાન સાબિત થશે. કામ-ધંધે જતા ઉદ્યોગપતિઓને ફ્લાઈટના સમય મુજબ ઘણી વખત આગલા દિવસે અમદાવાદ જવું પડે છે, પરંતુ હીરાસર એરપોર્ટ પર ફ્લાઈટ શરૂ થશે એટલે સમયનો બચાવ થશે.

એરપોર્ટનો મેપઃ હીરાસરમાં માત્ર જમીન જ છે અને સાવ પાયાથી બાંધકામ શરૂ થયું છે.
એરપોર્ટનો મેપઃ હીરાસરમાં માત્ર જમીન જ છે અને સાવ પાયાથી બાંધકામ શરૂ થયું છે.

અમદાવાદ એરપોર્ટ પર 1 કરોડ પ્રવાસીનો જ્યારે વર્ષે 45 હજાર ટનથી વધુનો કાર્ગો ટ્રાફિક

અમદાવાદ એરપોર્ટ પરથી વર્ષ 2019-20માં કુલ 32,770 ટન અને આયાત 11,155 ટન એમ કુલ મળીને 43,925 ટન કાર્ગો હેન્ડલિંગ થયું હતું. જ્યારે વર્ષ 2020-21માં ડિસેમ્બર સુધીમાં 17,955 ટન નિકાસ અને 5,975 ટન આયાત મળીને કુલ 23,931 ટન કાર્ગો હેન્ડલિંગ થયું હતું. જ્યારે 2018-2019માં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મળીને 1.1 કરોડ પ્રવાસીઓનો ટ્રાફિક રહ્યો હતો. 2017-18માં આ સંખ્યા 91 લાખ જેટલી હતી.

એરપોર્ટના પ્લાનમાં નદી પર વોટર વે બનાવાયો છે અને એની પર રન-વે બનશે.
એરપોર્ટના પ્લાનમાં નદી પર વોટર વે બનાવાયો છે અને એની પર રન-વે બનશે.

ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે શું?
રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે એવી જગ્યા કે જ્યાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું પાયાથી બાંધકામ શરૂ થતું હોય, કોઇ હયાત એરપોર્ટ કે માળખામાં બદલાવ કે અપગ્રેડ ન કરાયું હોય. હીરાસરમાં માત્ર જમીન જ છે અને સાવ પાયાથી બાંધકામ શરૂ થયું છે. આ એરપોર્ટ પર એક જ કલાકમાં 14 ફ્લાઈટ ઉડાન ભરી શકશે તેમજ પ્લેન લેન્ડ થાય એની 2 જ મિનિટમાં રન-વે ખાલી થઇ જશે.

હીરાસર એરપોર્ટની કામગીરી ચાર ફેઝમાં કરવામાં આવી રહી છે
આ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ 2481 એકરની વિશાળ જગ્યામાંથી 1000 એકરમાં તૈયાર થવાનું છે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 2022 સુધીમાં કાર્યરત કરવા નિર્ધાર કર્યો છે. આ લક્ષ્ય ઝડપથી હાંસલ કરવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને અલગ અલગ વિભાગો સાથે સંકલન કરવાની જવાબદારી રાજ્ય સરકારે સોંપી છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હાલ ફેઝ-1માં છે અને જેમ જેમ જરૂરિયાત વધશે તેમ એરપોર્ટનું વિસ્તરણ કરાશે અને આ વિસ્તરણ માટે કુલ 4 ફેઝ વિચારવામાં આવ્યા છે. અત્યારે અમદાવાદમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેની સમકક્ષ રાજકોટમાં ફેઝ-1માં જ બની જશે.

વિશ્વનું સૌથી મોટું પેસેન્જર એરક્રાફ્ટ બોઈંગ 737 આસાનીથી લેન્ડ થઈ શકશે
વિશ્વનું સૌથી મોટું પેસેન્જર એરક્રાફ્ટ બોઈંગ 737ને માનવામાં આવે છે અને એ સરળતાથી રાજકોટ એરપોર્ટ પર લેન્ડ કરી શકશે. એક જ કલાકમાં 14 એરક્રાફ્ટ ઉડાન ભરી શકશે અને જે ફ્લાઈટ લેન્ડ થાય ત્યારે માત્ર બે મિનિટમાં રન-વે ખાલી કરી શકે એ માટે પેરેલલ ટેક્સી-ટ્રેક બનાવાયો છે. આ એરપોર્ટ પ્રથમ ફેઝમાં જ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટની આગળ નીકળી જશે. દરેક ફેઝ માટે 10 વર્ષનો સમયગાળો નક્કી કરાયો છે. ત્યાર બાદ ઓથોરિટીની બેઠક મળશે અને ત્યારની સ્થિતિએ ટ્રાફિક કેવો અને શું જરૂરિયાત છે એ મુજબ એક્સપાન્સન કરવું કે નહિ એનો નિર્ણય લેવાશે. 2030 પછી જો પેસેન્જરની સંખ્યા વધી તો તરત ફેઝ-2 માટે વિચારાશે. આ રીતે આગામી 30 વર્ષનું આયોજન થઈ ગયું છે.

કુદરતી પ્રવાહમાં વિક્ષેપ ન પડે એ માટે નદીની ઉપર રન-વે બનશે
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રન-વેના અંત પર પાણીનો કુદરતી પ્રવાહ છે અને એક નાની નદી અને ડેમ છે. જો આ નદીને પૂરી દેવામાં આવે તો પાણી ભરાવાની સમસ્યા થઈ શકે છે. તેથી એરપોર્ટના પ્લાનમાં નદી પર વોટર વે બનાવાયો છે અને એની પર રન-વે બનશે. ત્યાંથી ફ્લાઈટ ટેકઓફ કરશે. આ કુદરતી પ્રવાહને પણ અસર નહીં થાય અને રન-વે પણ પૂરા અંતરનો બનાવી શકાશે. મુસાફરો નદીની ઉપરથી ટેક ઓફ થવાનો અલભ્ય નજારો માણી શકશે. નદી પરનો નાનો બંધ તોડી નાખવામાં આવશે, જેથી પાણી એરપોર્ટની સીમા બહાર નીકળી જશે. તેથી ચોમાસામાં ભારે વરસાદ પડે તોપણ પાણી ભરાશે નહીં અને કુદરતી માર્ગે પાણી વહી જશે.

લેબ ટેસ્ટમાં સાબિત થયું છે કે રાજકોટની જમીન મજબૂત, કોઈપણ સ્ટ્રક્ચર ઊભું કરી શકાશે
​​​​​​​
રાજકોટના હીરાસરમાં એરપોર્ટ બનાવતા પૂર્વે જમીનની ચકાસણી માટે આખી લેબ ઊભી કરાઈ છે. વૈજ્ઞાનિકો અલગ અલગ સ્થળ પરથી પથ્થર અને માટીના નમૂના લઈ એને 24 કલાક પ્રોસેસ કરે છે અને એની ઘનતા તેમજ ભેજની સ્થિતિ જુએ છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પથ્થરની મજબૂતાઈ ઘનતા પર હોય છે અને બાંધકામ માટે 1.75 જરૂરી છે, પણ અહીં 1.90થી લઈ 2.0 સુધી છે એટલે અહીં કોઇપણ સ્ટ્રક્ચર ઊભું કરી શકાશે. બીજી તરફ, ભેજને કારણે જમીન ધસી જતી હોય છે એનું પણ ટેસ્ટિંગ કરાયું હતું. માટીમાં 2 ટકાથી વધુ ભેજ સંગ્રહિત ન થવો જોઈએ, જ્યારે ટેસ્ટમાં માત્ર 0.3 ટકા જ ભેજ દેખાયો છે.

એરપોર્ટ સુધી જવા હાઈવે ઓથોરિટી નવો ઓવરબ્રિજ બનાવાશે
​​​​​​​​​​​​​​હીરાસર એરપોર્ટને હાઈવે સાથે જોડવા રાજકોટનો સૌથી પહોળો રોડ બની રહ્યો છે. ત્યાં ટ્રાફિક ન થાય એ માટે એક ઓવરબ્રિજ બનાવવાનું હાઈવે ઓથોરિટીએ નક્કી કર્યું છે. જે ટ્રાફિક અમદાવાદ કે રાજકોટ તફરથી એરપોર્ટ તરફ જશે એ ઓવરબ્રિજની નીચેથી એરપોર્ટના એટેચ રોડ પર જશે, જ્યારે જે લોકોને હાઇવે પર જ આગળ વધવું છે તેઓ ઓવરબ્રિજ પરથી પસાર થશે. આ કારણે જે વાહનોને એરપોર્ટ તરફ જવામાં ટ્રાફિક અડચણ રૂપ નહીં બને, રાજકોટ શહેરનું ડોમેસ્ટિક એરપોર્ટ બંધ કરી દેવામાં આવશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ રાજકોટ શહેરમાં ડોમેસ્ટિક એરપોર્ટ છે, એ બંધ કરી દેવાશે અને પછી ડોમેસ્ટિક ફ્લાઈટ પણ અહીંથી જ કાર્યરત થશે. ડોમેસ્ટિક એરપોર્ટ બંધ કર્યા બાદ જગ્યાનું શું કરવું એ નીતિવિષયક નિર્ણય છે. રન-વે પર જ થોડા થોડા અંતરે ટ્રેક બનાવાયા છે જ્યાં ફ્લાઈટ ઊભી રહેશે. જેવી કોઇ ફ્લાઈટ લેન્ડ થશે એટલે તરત જ એ રન-વે થી જોડેલા ટ્રેક પર જઈ પાર્ક થઈ જશે.

ફેઝ-4 2057માં વિચારાશે ત્યાં સુધીમાં આ પ્રકારે સુવિધાઓ હશે

સુવિધાફેઝ-1 (2030 સુધી)ફેઝ-2 (2040 સુધી)ફેઝ-3 (2050 સુધી)ફેઝ-4 (2057 સુધી)

પેસેન્જર ટર્મિનલ વિસ્તાર

23000 સ્કે. મી.49100 સ્કે. મીટર87,400 સ્કે. મીટર96975 સ્કે. મીટર

પ્રતિ કલાક પેસેન્જરની ક્ષમતા

1280385046505000
ટોટલ સ્ટેન્ડ7131617
કોન્ટેકટ સ્ટેન્ડ6111313
રિમોટ સ્ટેન્ડ1234
રન વે(05-23)3040મી X 45મી3040મી X 45મી3040મી X 45મી3810મી x 60મી
પેરેલલ ટેક્સી વે--3040મી x 23મી3040મી x 23મી--

એપ્રોન(ફ્લાઈટ પાર્કિંગ)

85000 સ્કે. મી.135000 સ્કે. મી.170000 સ્કે. મી.200000 સ્કે. મીટર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો